અમેરિકા સાથે ડીલમાં અનેક સંવેદનશીલ મુદ્દા હોવાથી થોડો સમય લાગશે

- પીયૂષ ગોયલ ન્યૂઝીલેન્ડના ચાર દિવસના પ્રવાસે
- એફટીએમાં ભારત તેના ડેરી સેક્ટર અને લઘુ ઉદ્યોગોના હિતોને પ્રાથમિકતા આપશે
વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ હાલમાં ન્યૂઝીલેન્ડના ચાર દિવસના પ્રવાસે છે. તે પ્રતિનિધિમંડળની આગેવાની કરી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની વેપાર મંત્રણાના પાંચ રાઉન્ડ પૂરા થઈ ગયા છે. ગોયલે જણાવ્યું હતું કે અમેરિકા સાથેના કરારમાં ભારતના ડેરી સેક્ટર અને લઘુ ઉદ્યોગના હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના અધ્યક્ષ પદ હેઠળનું પ્રતિનિધિમંડળ અમેરિકા ગયું હતું અને ત્રણ દિવસની મંત્રણા ૧૭મી ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે. અમેરિકાએ ભારતમાંથી થતી આયાત પર કુલ ૫૦ ટકા વેરો લાદ્યો છે, તેમાથી ૨૫ ટકા રશિયામાંથી થતી આયાત બદલ લાદવામાં આવ્યો છે.બને દેશ વચ્ચે હાલનો વેપાર ૧૯૧ અબજ ડોલરનો છે અને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ અબજ ડોલર લઈ જવાના દાવા કરવામાં આવે છે. અમેરિકા ૨૦૨૪-૨૫માં સળંગ ચોથા વર્ષે ૧૩૧.૪ અબજ ડોલરના વેપાર સાથે ભારતનું ભાગીદાર રહ્યું હતું.

