૨૪ કલાક કરતા પણ લાંબા હશે પૃથ્વી પરના દિવસો, પૃથ્વીના ભ્રમણને લઇને મોટો ખુલાસો
પૃથ્વીની આંતરિક કોરની ભ્રમણ ગતિમાં ક્રમશ ઘટાડો થઇ રહયો છે.
વર્ષ ૧૯૭૨માં પહેલીવાર વર્ષમાં લીપ સેકન્ડ જોડવામાં આવી હતી.
વોશિંગ્ટન,૧૫ જૂન,૨૦૨૪, શનિવાર
૨૪ કલાકમાં એક દિવસ અને એક રાત હોય છે. દિવસ અને રાત મળીને એક દિવસ બને છે. પૃથ્વી તેની ધરી આસપાસ ફરે છે. જો કે એક સંશોધન મુજબ પૃથ્વીની આંતરિક કોરની ભ્રમણ ગતિમાં ક્રમશ ઘટાડો થઇ રહયો છે. આની અસરથી દિવસની લંબાઇ ૨૪ કલાક કરતા વધે તેવી શકયતા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રક્રિયા ૨૦૧૦થી શરુ થઇ છે. હવે દિવસનો સમયગાળો પહેલા કરતા વધારે થયો છે. પૃથ્વીની આંતરિક કોર એક નક્કર સ્ફેયરની જેમ લોખંડ અને નિકલથી બની છે. તેની ચારે તરફ પિગળેલી ધાતુઓ અત્યંત ગરમ અને તરલ અવસ્થામાં છે. ભૂકંપ સમયે જે કંપન થાય છે તેના આધારે સ્ટડી કરવામાં આવ્યો છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ નેચર જર્નલમાં પ્રકાશિત શોધપત્રને ટાંકીને જણાવ્યું હતું કે પૃથ્વીની ભ્રમણ ગતિનો આ જ ટ્રેન્ડ જો યથાવત રહયો તો દિવસનો ગાળો હજારો વર્ષ પછી વધી જશે. હાલમાં એક સેકન્ડનો તફાવત આવવો શરુ થઇ ગયો છે જે સતત વધી શકે છે. અંદાજે બે ડઝન જેવા સિગ્નલ મળ્યા તેના પરથી સાબીત થયું છે કે પૃથ્વીની ઇનર કોરમાં પરિવર્તન આવી રહયું છે. પૃથ્વીની ઇનર કોરને લઇને સંશોધકોમાં મતભેદ જોવા મળે છે. ૪૦ વર્ષમાં પ્રથમવાર ઇનર કોરની ભ્રમણ ગતિ મેટલ કરતા ઓછી છે.
એક અન્ય સ્ટડીમાં જણાવાયું છે કે ગ્લોબલ વોર્મિગના લીધે પહાડોના ગ્લેશિયર અને એન્ટાર્કટિકામાં બરફ ઝડપથી પીગળી રહયો છે. તેની અસર પૃથ્વીની ભ્રમણ પર પડી હોઇ શકે છે. વર્ષ ૧૯૭૨માં પહેલીવાર વર્ષમાં લીપ સેકન્ડ જોડવામાં આવી હતી. આના પરથી માલૂમ પડયું હતું કે પૃથ્વી એક ગતિથી ફરતી નથી. આંતરકોર પૃથ્વીનો એ ભાગ છે જે ૫૫૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહે છે. આ ભાગ આપણા પગની નીચે અંદર ૩ હજાર માઇલ દૂર છે. માણસે ચંદ્રની તો સફર કરી પરંતુ પૃથ્વીના નીચેના ભાગ વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે.