મસ્કની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની ગણાતી ઘડીઓ
- ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના પગલે
- ભારત બધી પ્રોડક્ટ્સ પર જકાત શૂન્ય કરે અથવા નગણ્ય કરે તેવી અમેરિકાની માંગ
નવી દિલ્હી : અમેરિકા ઇચ્છે છે કે ભારત સાથેના ટ્રેડ ડીલમાં તેની કાર પરની આયાત જકાત કે ટેરિફ નગણ્ય કે શૂન્ય કરવામાં આવે. પણ ભારત તાત્કાલિક ધોરણે ડયુટી ઘટાડીને શૂન્ય પર લાવવા તૈયાર નથી, હા તેમા તબક્કાવાર ધોરણે ઘટાડો કરવાની તૈયારી દાખવી છે.
બંને દેશ વચ્ચે હજી સુધી શરૂ ન થયેલી દ્વિપક્ષીય વેપાર મંત્રણામાં ભારત દ્વારા ઓટોસેક્ટર પર વસૂલવામાં આવતા ઊંચા ટેરિફ મંત્રણાનો નોંધપાત્ર હિસ્સો હશે. આ બાબતને લઈને સંમતિ સધાય તો ટેસ્લાનો ભારતમાં પ્રવેશનો માર્ગ મોકળો થઈ શકે છે. ટેસ્લા ભારતીય માર્કેટમાં તેની કાર લોન્ચ કરવા થનગની રહ્યું છે.
ભારત હાલમાં આયાત થતી કાર પર ૧૧૦ ટકા વેરો વસૂલે છે. ટેસ્લાના ચીફે પણ જણાવ્યું હતું કે આ ટેરિફ વિશ્વના સૌથી ઊંચા દરે વસૂલાતા ટેરિફમાં એક છે. તેના પગલે ઇવી જાયન્ટે ગયા વર્ષે વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા માર્કેટમાં પ્રવેશવાનું આયોજન અભેરાઈ પર ચઢાવી દીધું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાએ માંગ કરી છે કે ફક્ત ઓટો જ નહીં ભારત કૃષિ સિવાયના તેના બધા જ ક્ષેત્રો પરની ટેરિફ શૂન્ય કે લગભગ નહીંવત કરે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના દબાણના લીધે ભારત વહેલા કે મોડાં ઓટો ટેરિફમાં ઘટાડો કરી શકે છે. બીજા સૂત્રના જણાવ્યા મુજબ ભારતે અમેરિકાની વાત સાંભળી છે અને જણાવ્યું છે કે આ મુદ્દે તે તેના વલણને તે સ્થાનિક ઉદ્યોગો સાથે સલાહમસલત કરીને નક્કી કરશે. અગાઉ ટાટા જૂથ અને મહિન્દ્રા વિદેશી કંપની માટે આ પ્રકારના અવરોધ હટાવવાનોઇન્કાર કરી ચૂક્યા છે, કારણ કે તેમણે તેમા જંગી રોકાણ કર્યુ છે.