ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા, સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું

The British apologized for the spitting habit of Indians : ગુજરાતી સહિતના ભારતીયોની પાનની પિચકારની ટેવથી હવે ભારતીયો જ નહીં વિદેશીઓ પણ હેરાન થવા લાગ્યા છે. બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતું લેસ્ટર પરગણુ થૂંકવાની ટેવના કારણે કુખ્યાત થઈ ગયું છે. લેસ્ટરમાં ભારતીયોની આ રીતે ગમે ત્યાં થૂંકવાની ટેવના કારણે બ્રિટિશરો તોબા-તોબા પોકારી ઉઠયા છે. શિસ્તબદ્ધ રહેવા ટેવાયેલા બ્રિટિશરો માટે આ બધુ અસહ્યનીય છે.
ખઈ કે પાન બનારસવાલા ગાઈને અને ખાઈને તો પાન ખાનારા અને જોનારા બંને ઝૂમી ઉઠે છે, પરંતુ એ પાન ખાધા પછી જે પિચકારીઓ મારવામાં આવે છે તના લીધે આખો વિસ્તાર ફક્ત વિસ્તાર ન રહેતા પણ થૂંકદાની બની ગયો હોય તેવો ઘાટ સર્જાય છે. આજે લેસ્ટર પરગણામાં સ્થિતિ તો એટલી હદે વકરી છે કે સિટી કાઉન્સિલે તો થૂંકવા પર કે પાનની પિચકારી મારવા પર ૧૫૦ પાઉન્ડનો દંડ રાખવો પડયો છે. આશ્ચર્યની વાત એ છે કે કે આ દંડ છતાં પણ આખા વિસ્તારને થૂંકદાની સમજતા લોકોની માનસિકતામાં કોઈ ફરક પડયો નથી.
આજે તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીયોનું થૂંકેલું સાફ કરવા માટે લેસ્ટર કાઉન્સિલને વર્ષે 30 હજાર પાઉન્ડનું બજેટ અલગથી ફાળવવું પડયું છે. બ્રિટિશરોએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે ભારતીયોને ગુલામ બનાવ્યા તેનો બદલો ભારતીયો તેમની પાસેથી આ રીતે થૂંકીથૂંકીને લેશે એવું ઘણા લોકો કટાક્ષમાં કહી રહ્યા છે. આ અંગે બ્રિટનમાં પાન પાર્લરના ગુજરાતી માલિકની પણ ફરિયાદ છે કે મેં પોતે મારા પાર્લરની જોડે ડસ્ટબિન રાખ્યું છે, તો પણ થૂંકનારાઓ તેમા થૂંકવાની તસ્દી લેતા નથી. તેમને જાણે દિવાલ પર કે રોડ પર પિચકારની મારવાની કે થૂંકવાની મજા આવતી હોય તેમ લાગે છે. આ જોઈને એમ કહી શકાય કે કોઈ યહાં થૂંકા, કોઈ વહાં થૂંકા, કોઈ જહાં જગહ મિલી વહાં થૂંકા, પર થૂંકા જરૂર. આજે બ્રિટનમાં વેસ્ટ લંડનમાં વેમ્બલી, બ્રેન્ટ કાઉન્સિલ, સરે વગેરે વિસ્તારોમાં થૂંકવાની આ બાબત એક મોટો મુદ્દો બની ગઈ છે.
સ્થાનિક કાઉન્સિલે થૂંકવાનું રોકવા માટે અને થૂંકેલુ સાફ કરવા માટે સફાઈ અભિયાન ચલાવવું પડી રહ્યું છે. તેની સામે વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી આવતા જ શાસકને હવે શહેરની ખરાબ થયેલી ગલીઓ યાદ આવવા લાગી છે અને તે સાફ કરવાની ક્રેડિટ લેવા માંગે છે. આ બધા વચ્ચે બ્રિટિશ નાગરિક લુઇસનું કહેવું છે કે તે જ્યારે કોઈને આ રીતે પાનની પિચકારી મારતા જુએ છે ત્યારે તેની સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય છે. જો કે હવે તો ગુજરાતીઓ અને ભારતીયોએ પોતે જ થૂંકવાની આ ટેવ સામે બાંયો ચઢાવી છે અને જાગૃતિ અભિયાન આદર્યુ છે, કેમકે તેમને ડર છે કે જો આમ જ ચાલતું રહ્યું તો તેમના વિસ્તારની મિલકતોના ભાવ તળિયે બેસી જશે.

