લોકશાહી મૂલ્યોને વરેલા ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું સૌથી મોટી ભૂલ
- નિક્કી હેલીએ ભારત પર ટ્રમ્પના ટેરિફને મૂર્ખામી ગણાવી
- ભારત સામ્યવાદી ચીનની જેમ કોઈને ડરાવતું નથી, પણ દરેક દેશને હંમેશા મદદ કરતું આવ્યું છે: હેલી
વૉશિંગ્ટન, નવીદિલ્હી : અમેરિકાનાં યુનો સ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેઈલીએ ભારતને વિશિષ્ટ મુક્ત અને લોકશાહી ધરાવતું મહત્વનું ભાગીદાર ન ગણવા સામે ચેતવણી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે વાસ્તવમાં ભારત ચાયના સામેનું કાઉન્ટર વેઇટ છે. કોમ્યુનિસ્ટ ચાયનાની જેમ ભારત ડરાવતુ નથી. સાથે કહ્યું કે ભારતને મહત્વનું ભાગીદાર ન ગણવાથી ભારે મોટી વ્યૂહાત્મક ખાના ખરાબી થઈ જશે.
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ટ્રમ્પે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ વત્તા ૨૫ ટકા દંડાત્મક ડયુટી લગાડવાના ટ્રમ્પના નિર્ણયની નિક્કી હેલીએ ઉગ્ર ટીકા કરતાં આ પ્રમાણે કહ્યું હતું.
તે સર્વવિદિત છે કે તા. ૨૭ ઓગસ્ટથી ટ્રમ્પ ભારત ઉપર ૨૫% + ૨૫% તેમ મળી કુલ ૫૦ ટકા આયાત કર લગાડવાના છે.
ટ્રમ્પના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતાં કહ્યું હતું કે રશિયામાંથી સૌથી વધુ તેલ ખરીદનાર તો ચાયના છે. તેની ઉપરથી ડયુટી હળવી કરાઈ છે. જ્યારે ભારતીય માલ સામાન અને સેવાઓ ઉપર તે બમણી કરી ૫૦ ટકા કરવામાં આવી છે. પરિણામ તે પણ આવી શકે કે પચ્ચીશ પચ્ચીશ વર્ષથી મહામેહનતે ભારત સાથે સુધારેલા સંબંધો ઉપર પાણી ફરી વળશે. કોમ્યુનિસ્ટના અંકૂશ નીચેનું ચાયના મુક્ત જગત માટે ભયાવહ બની રહ્યું છે તે દુનિયા આખીને ડરાવે છે. ચીન એશિયા ઉપર પોતાની સર્વોપરિતા સ્થાપવા માગે છે તો ભારત સૌને સહાયભૂત થતું રહ્યું છે. આથી ચાયના સામે ભારત કાઉન્ટર વેઇટ બની શકે તે સમજવા માટે જાજી બુદ્ધિ ચલાવવાની પણ જરૂર નથી તેમ યુએન યુ.એ.સ્થિત અમેરિકાનાં પૂર્વરાજદૂતે જણાવ્યું હતું.
આ સાથે તેઓએ ભારતને સલાહ આપી હતી કે રશિયામાંથી તેલ ખરીદવાનું બંધ કરવું જોઇએ. અથવા બને તેટલું ઓછું ખરીદવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે ભારત તેની તેલની જરૂરિયાત પૂરી કરવા વિદેશોમાંથી આયાત કરાતાં તેલ પૈકી ૪૦ ટકા જેટલું તેલ તે રશિયા પાસેથી જ ખરીદે છે તે ઉપરાંત ૮૦ ટકા જેટલી તેની શસ્ત્ર સામગ્રીની જરૂરિયાત તે રશિયા પાસેથી આયાત કરી પૂરી કરે છે.