મહાયુદ્ધનો અણસાર : મહાસત્તાઓ આમને-સામને

- ટ્રમ્પની ઈરાનને લુખ્ખી ધમકીના જવાબમાં પુતિન-જિનપિંગનો ઈરાનને ખુલ્લો ટેકો
- ઈઝરાયેલની સૌથી મોટી હોસ્પિટલ પર ઈરાનનો મિસાઈલમારો, 300 ઘાયલ : ઈરાનના હેવી વોટર પરમાણુ એકમ પર ઈઝરાયેલનો હુમલો
- ઈરાનમાં 263 નાગરિકો સહિત કુલ 640નાં મોત નીપજ્યાં, 1300થી વધુ લોકો ઘાયલ
- ઈઝરાયેલની હોસ્પિટલ પર હુમલાની ઈરાને કિંમત ચૂકવવી પડશે : વડાપ્રધાન નેન્યાહુની ધમકી
વોશિંગ્ટન/બેઈજિંગ/મોસ્કો :ઈઝરાયેલ-ઈરાનનું યુદ્ધ વધુ ગંભીર બની રહ્યું છે ત્યારે અમેરિકા પણ આ યુદ્ધમાં કૂદી પડશે તેમ મનાય છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈને બિનશરતી સરન્ડર કરવાની ધમકી આપ્યા પછી હવે અમેરિકન સૈન્યને ઈરાન પર હુમલાની યોજના મંજૂરી આપી દીધી છે. પરંતુ હુમલો ક્યારે અને ક્યાં કરવો તેની મંજૂરી આપી નથી. બીજીબાજુ અમેરિકાના આ યુદ્ધમાં કુદવાના અહેવાલોની સાથે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે ઈરાનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. રશિયન પ્રમુખ પુતિને કહ્યું કે, અમેરિકા આ યુદ્ધમાં દખલ કરશે તો રશિયા પણ યુદ્ધ મેદાનમાં ઉતરશે. આમ, હવે દુનિયાની મહાસત્તાઓ આમને-સામને આવી જવાથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવા માટે ઈઝરાયેલે શરૂ કરેલું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. હવે આ યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડશે તેવા અહેવાલો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અંગે કહ્યું કે, હું કંઈ પણ કરી શકું છું. મારો કેહાવનો અર્થ એ છે કે કોઈ નથી જાણતું કે હું શું કરવા જઈ રહ્યો છું. અમેરિકાએ સ્ટીમર ભરી શસ્ત્રો ઇઝરાયલને પહોંચાડયાં છે.
અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ ટ્રમ્પે અમેરિકન સૈન્યને ઈરાન પર હુમલો કરવાની યોજના બનાવવાની મંજૂરી આપી દીધી છે. તેઓ માત્ર ઈરાન પરમાણુ હથિયારો બનાવવા મુદ્દે પીછેહઠ કરે છે કે કેમ તેની રાહ જોઈ રહ્યા છે. અમેરિકા આ સપ્તાહના અંત સુધીમાં ઈરાન પર કોઈ મોટો હુમલો કરે તેવી આશંકા પણ આ અહેવાલોમાં વ્યક્ત કરાઈ છે. કેટલાક અહેવાલ મુજબ ઈરાનના ફોર્ડો પરમાણુ મથક પર અમેરિકા બ્લસ્ટર બોમ્બથી હુમલો કરી શકે છે, કારણ કે આ પરમાણુ એકમ ૨૬૨ ફૂટની ઊંડાઈએ હોવાથી ઈઝરાયેલ તેને કોઈ નુકસાન પહોંચાડી શક્યું નથી.
બીજીબાજુ ન્યૂયોર્ક ટાઈમ્સે ઈરાનના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, ઈરાન ટૂંક સમયમાં પ્રમુખ ટ્રમ્પને મળવાની દરખાસ્ત સ્વીકારી શકે છે. ટ્રમ્પ સાથેની વાટાઘાટો ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કેન્દ્રિત હશે. ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ પર ચર્ચા માટે પણ ઈરાન તૈયાર હોવાનું અધિકારીએ કહ્યું હતું.
ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધમાં અમેરિકા કૂદી પડશે તેવા અહેવાલોના પગલે રશિયાના વિદેશ મત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે, અમે વિશેષરૂપે વોશિંગ્ટનને ચેતવણી આપવા માગીએ છીએ કે તે આ યુદ્ધથી દૂર રહે. અમેરિકા યુદ્ધમાં દખલ કરશે તો આ તેનું બહુ જ ખતરનાક પગલું હશે, જેના એકદમ અનપેક્ષિત અને નુકસાનકારક પરિણામો આવી શકે છે.
રશિયન પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે ઈરાન પર ઈઝરાયેલના હવાઈ હુમલાની આકરી ટીકા કરી હતી. તેમણે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સાથે જ તેમણે અમેરિકાને પણ ચેતવણી આપી હતી કે તે આ યુદ્ધમાં ઉતરશે તો તેઓ પણ ઈરાનના સમર્થનમાં આગળ આવી શકે છે. ચીને ઇરાનને ૩ મોટાં માલવાહક વિમાનો ભરી શસ્ત્રો મોકલ્યાં છે.
દરમિયાન ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. ઈરાને ઈઝરાયેલના બીરશેબામાં ૧,૦૦૦ બેડની હોસ્પિટલ પર મિસાઈલમારો કર્યો હતો, જેમાં ૩૦૦ લોકોને ઈજા પહોંચી છે. ઇરાનનાં મિસાઇલ્સે ઇઝરાયલની સૌથી મોટી હોસ્પિટલ સોરોકા મેડીકલ સેન્ટર ઉપર મિસાઇલ્સ હુમલો કરતાં હોસ્પિટલ બિલ્ડીંગને ભારે નુકસાન થયું હતું અને તેમાં રહેલા ૪૭ લોકોને ઇજા થતાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ ધમકી આપી હતી કે ઇરાનને તેની ભારે કિંમત ચુકવવી પડશે. આ પૂર્વે ઇઝરાયેલે ઇરાનનાં એક પરમાણુ સંકુલ હેવી વૉટર પ્લાંટ ઉપર હુમલો કર્યો હતો.
જ્યારે ઇરાને કહ્યું હતું કે ઈઝરાયેલે હોસ્પિટલના બહાને ત્યાં એક સૈન્ય છાવણી બનાવી દીધી હતી.
ઈઝરાયેલે કહ્યું કે, ઈરાને મલ્ટિપલ વોરહેડ ધરાવતા મિસાઈલોથી હુમલો કર્યો છે, જેણે તેના માટે નવા પડકારો ઊભા કર્યા છે. એક વોરહેડ ધરાવતા મિસાઈલના બદલે અનેક વોરહેડ ધરાવતા મિસાઈલોને ટ્રેક કરવા તેમની સંરક્ષણ સિસ્ટમ માટે વધુ પડકારજનક કામ છે. ઇઝરાયલના ૪૦ ફાઈટર જેટે ૧૦૦ બોમ્બથી ઇરાનના ખોનદાબમાં અરાક હેવી વોટર ન્યૂક્લિયર પ્લાંટ સહિત મહત્વના પરમાણુ સ્થળો પર હૂમલા કર્યા હતા. ખાનદોબના અરાક હેવી વોટર ન્યુક્લિયર પ્લાન્ટમાં ઇરાનનું વેપન ગ્રેડ ન્યુક્લિયર રીએક્ટર છે, જે એટમ બોમ્બ માટે ઉપયોગી પ્લુટોનિયમ બનાવી રહ્યું છે. જોકે, આ હુમલામાં હજુ સુધી રેડિયેશનનું કોઈ જોખમ જણાયું નથી. વોશિંગ્ટન સ્થિત ઈરાનના માનવાધિકાર જૂથે કહ્યું કે, ઈઝરાયેલના હુમલામાં ૨૬૩ નાગરિકો સહિત ૬૩૯ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧,૩૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકાના 40,000 સૈનિકો એલર્ટ મોડમાં
પ્રમુખ ટ્રમ્પે મુસ્લિમ દેશો સાથે મળી ઈરાન ફરતે ચક્રવ્યૂહ રચ્યું
વોશિંગ્ટન : ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં હવે અમેરિકા પણ કૂદી પડવાની તૈયારી છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરતા પહેલાં મુસ્લિમ દેશો સાથે મળીને કિલ્લેબંધી મજબૂત કરી દીધી છે અને ચક્રવ્યૂહની રચના કરી દીધી છે. ઈઝરાયેલની મદદમાં અમેરિકા યુદ્ધમાં કૂદશે તે સાથે ઈરાન અમેરિકા પર પલટવાર કરી શકે છે. ઈરાન તેની આજુબાજુના દેશોમાં અમેરિકન બેઝને નિશાન બનાવે તેવી આશંકા છે. ઈરાનના હુમલાથી બચવા માટે અમેરિકાએ સાઉદી અરબ, જોર્ડન સહિતના ઈરાનની નજીકના મુસ્લિમ દેશોમાં તેના ૪૦,૦૦૦ સૈનિકોને એલર્ટ પર રાખ્યા છે. આ સિવાય અમેરિકન અધિકારીઓએ મધ્ય-પૂર્વમાં એવા અમેરિકન સ્થળોની ઓળખ કરી છે, જ્યાં ઈરાન હુમલો કરી શકે છે. મધ્ય-પૂર્વમાં અમેરિકન સેનાના ઓછામાં ઓછા ૨૦ સૈન્ય બેઝ છે, તેમાંથી મોટાભાગના સૈન્ય બેઝ ઈરાની બેલિસ્ટિક મિસાઈલની રેન્જમાં છે.
સુપ્રીમ લીડર ખામનેઈ બંકરમાં છુપાયા હોવાની અટકળો
ઈરાન પરમાણુ હથિયારો બનાવીને જ રહેશે ઃ ખામનેઈની અમેરિકાને ચેતવણી
આઠ દિવસમાં બે વીડિયોની ટેકનિકલ વિગતોએ અલિ ખામનેઈના ગુપ્ત સ્થળ અંગે રહસ્ય ઘેરું કર્યું
તહેરાન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બિનશરતી આત્મસમર્પણ કરવાની ધમકીને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલિ ખામનેઈએ ધરાર ફગાવી દીધી છે. એટલું જ નહીં ખામનેઈએ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો અંત લાવવાનો પણ ઈનકાર કરી દીધો છે. ખામનેઈએ કહ્યું કે, ઈઝરાયેલના હુમલા પછી હવે ઈરાન ધરાર પરમાણુ હથિયારો બનાવીને જ રહેશે.
ઈરાન લાંબા સમયથી તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે હોવાનો દાવો કરી રહ્યું છે. તેણે ૬૦ ટકા સુધી યુરેનિયમનું સંવર્ધન કર્યું છે, જે પરમાણુ હથિયારો ગ્રેડના ૯૦ ટકાના સ્તરથી થોડાં જ ટેકનિકલ પગલાં દૂર છે. ઈરાન પરમાણુ હથિયારો નહીં ધરાવતો એકમાત્ર દેશ છે, જેણે આ સ્તરે યુરેનિયમ સંવર્ધનની ક્ષમતા હાંસલ કરી છે. બીજીબાજુ મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ એકમાત્ર દેશ છે, જેની પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ તેણે તેની સત્તાવાર કબૂલાત કરી નથી.
બીજીબાજુ ઈરાનના સુપ્રીમ લીડર ખામનેઈ હવે રાજધાની તહેરાનમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાનના બદલે કોઈ બંકર અથવા ગુપ્ત સુરક્ષિત સ્થળ પરથી કામ કરી રહ્યા હોવાનું કહેવાય છે. ખામનેઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેમને હાઈ-એન્ડ સ્ટેન્ડ માઈકના બદલે નાનું લેપલ માઈકનો ઉપયોગ કરતા દર્શાવાયા છે. આ સિવાય વીડિયોની ગુણવત્તા પણ સામાન્ય કરતાં ઘટી ગઈ છે. આ સિવાય ખામનેઈનો ૧૦ જૂનનો વીડિયો ૩ મિનિટ ૫૦ સેકન્ડ લાંબો હતો અને તેની સાઈઝ ૨૪ એમબી હતી જ્યારે ૧૮ જૂનનો તેમનો વીડિયો ૯ મિનિટ લાંબો હોવા છતાં તેની સાઈઝ માત્ર ૧૮ એમબી હતી. આ વીડિયોના પગલે નિષ્ણાતોમાં ચર્ચા થઈ રહી છે કે ઈઝરાયેલે સાત દિવસના સમયમાં જ ઈરાનના સૈન્ય વડા સહિત અનેક ટોચના લશ્કરી અધિકારીઓનો ખાત્મો બોલાવી દીધો હોવાથી ખામનેઈ કામચલાઉ ધોરણે કોઈ અજ્ઞાત સ્થળે જતા રહ્યા હશે.








