World

ઈઝરાયલના પૂર્વ PM રાબિનની હત્યા બાદ નેતન્યાહૂનો ઉદય અને મિડલ ઈસ્ટમાં કાયમી અશાંતિના બિજ રોપાયા

By GS TEAM
19 Mar 20263 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ખૂબ જ ભયાનક સ્તરે પહોંચી ગયું છે. આ સંઘર્ષમાં ઈરાનને મોટો ફટકો લાગ્યો છે; સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત ઘણા ટોચના નેતાઓ માર્યા ગયા છે. આ યુદ્ધની અસર માત્ર આ બે દેશો પૂરતી મર્યાદિત નથી. સમગ્ર મધ્ય-પૂર્વમાં રક્તપાત થઈ રહ્યો છે અને હજારો લોકો માર્યા ગયા છે. તેની આર્થિક અસર પણ વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે; ક્રૂડ ઓઇલના ભાવ વધીને $100 પ્રતિ બેરલને વટાવી ગયા છે, જેના કારણે ફુગાવો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલના પૂર્વ PM રાબિનની હત્યા બાદ નેતન્યાહૂનો ઉદય અને મિડલ ઈસ્ટમાં કાયમી અશાંતિના બિજ રોપાયા
(IMAGE - IANS)

Benjamin Netanyahu Political Rise: મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ખૂબ જ ભયાનક સ્તરે પહોંચી ગયું છે. આ સંઘર્ષમાં ઈરાનને મોટો ફટકો લાગ્યો છે; સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત ઘણા ટોચના નેતાઓ માર્યા ગયા છે. આ યુદ્ધની અસર માત્ર આ બે દેશો પૂરતી મર્યાદિત નથી. સમગ્ર મધ્ય-પૂર્વમાં રક્તપાત થઈ રહ્યો છે અને હજારો લોકો માર્યા ગયા છે. તેની આર્થિક અસર પણ વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે; ક્રૂડ ઓઇલના ભાવ વધીને $100 પ્રતિ બેરલને વટાવી ગયા છે, જેના કારણે ફુગાવો વધ્યો છે.

મધ્ય-પૂર્વમાં સર્જાયેલો આ તણાવ આજનો નથી. તેની પાછળ ઘણા વર્ષોનો ઇતિહાસ છે. ખાસ કરીને 1995માં બનેલી એક ઘટના પછી આ વિસ્તારમાં શાંતિની આશા લગભગ તૂટી ગઈ છે. ચાલો જાણીએ કે એ ઘટના શું હતી અને એની કેવી દૂરગામી અસરો પડી.

એક એવી હત્યા જેણે બધું બદલી નાખ્યું

ઈઝરાયલની સ્થાપના થઈ ત્યારથી આ પ્રદેશ યુદ્ધ અને રક્તપાતનો સાક્ષી રહ્યો છે. આ વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ થયા છે, પણ સફળતા નથી મળી. શાંતિ સ્થાપવાના પ્રયાસો આત્મઘાતક પણ સાબિત થયા છે. એવો એક કિસ્સો છે, ઈઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન યિત્ઝાક રાબિનનો.

4 નવેમ્બર, 1995ના રોજ ઈઝરાયલના વડાપ્રધાન યિત્ઝાક રાબિનની હત્યા કરવામાં આવી હતી. પેલેસ્ટાઇન સાથે શાંતિના હિમાયતી એવા રાબિન એક દિવસ તેલ અવીવમાં 'કિંગ્સ ઓફ ઈઝરાયલ સ્ક્વેર' ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરવા ગયા હતા. સભા પૂરી થયા પછી જ્યારે તેઓ પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે 27 વર્ષીય એક કટ્ટરપંથી યહૂદી વિદ્યાર્થીએ તેમને ગોળી મારી દીધી. આ ઘટના સમગ્ર ઈઝરાયલ અને દુનિયા માટે મોટો ઝટકો હતી.

આ પણ વાંચો: જેનો ડર હતો એ જ થયું, ભારત જ્યાંથી ગેસ ખરીદતું હતું ત્યાં જ ઈરાને કર્યો મિસાઈલ હુમલો

રાબિન શું કરવા માગતા હતા?

યિત્ઝાક રાબિન પેલેસ્ટાઇન સાથે શાંતિ કરવાનું ઈચ્છતા હતા. 1993માં તેમણે PLO(પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન) સાથે એક મહત્ત્વપૂર્ણ સોદો કર્યો હતો. આ સોદા હેઠળ ઈઝરાયલે PLOને માન્યતા આપી હતી અને પેલેસ્ટાઇનને કેટલાક વિસ્તાર સોંપવા સંમતિ આપી હતી. યિત્ઝાક રાબિનનું આ પગલું શાંતિની દિશામાં મોટું પ્રદાન માનવામાં આવ્યું હતું. પરંતુ તેમનો આ શાંતિપ્રયાસ દરેકને નહોતો ગમ્યો.

ઈઝરાયલ અંદર જ થયો ભારે વિરોધ

રાબિનના નિર્ણય પછી ઈઝરાયલના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. એક વર્ગ શાંતિ માટે ખુશ હતો. બીજો વર્ગ માનતો હતો કે આનાથી ઈઝરાયલની સુરક્ષા જોખમમાં પડશે. ખાસ કરીને કટ્ટરપંથી લોકો આ નિર્ણયથી ખૂબ નારાજ હતા. અંતે, એ જ પ્રકારની વિચારધારા ધરાવતા એક યુવકે રાબિનની હત્યા કરી.

આ હત્યાએ શું બદલ્યું?

રાબિનની હત્યા પછી મધ્ય પૂર્વમાં શાંતિની પ્રક્રિયા ભારે કમજોર થઈ ગઈ. લોકોમાં ભય અને અવિશ્વાસ વધ્યો. શાંતિ માટેનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો, અને ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ વધતો ગયો.

રાબિનના વિરોધી તરીકે નેતન્યાહૂનો ઉદય

યિત્ઝાક રાબિન લેબર પાર્ટીના નેતા હતા, જે પરંપરાગત રીતે શાંતિ તરફી વિચારધારા ધરાવતી પાર્ટી હતી. તેમની સામે જમણેરી લિકુડ પાર્ટી હતી, જેના નેતા તે સમયે બેન્જામિન નેતન્યાહૂ હતા. નેતન્યાહૂ રાબિનની પેલેસ્ટાઇન નીતિના સૌથી મોટા વિરોધી હતા. તેઓ માનતા હતા કે પેલેસ્ટાઇનને જમીન આપવી ઈઝરાયલ માટે જોખમકારક છે. રાબિનની નીતિઓનો આ જોરદાર વિરોધ જ નેતન્યાહૂની રાજકીય પ્રગતિનું મુખ્ય કારણ બન્યો.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં રિફાઈનરી-ગેસ પ્લાન્ટ પર હુમલાઓ વધતાં ટ્રમ્પ લઈ શકે છે સૌથી મોટો નિર્ણય

નેતન્યાહૂના સમયમાં નીતિમાં ફેરફાર

યિત્ઝાક રાબિનની હત્યા માત્ર એક વ્યક્તિની હત્યા નહોતી, તે મધ્ય-પૂર્વમાં શાંતિની આશાની પણ હત્યા હતી. રાબિનની હત્યાના માત્ર એક વર્ષ પછી 1996માં ચૂંટણી થઈ, જેમાં નેતન્યાહૂ જીત્યા અને વડાપ્રધાન બન્યા. ત્યારથી ઈઝરાયલની નીતિમાં નીચે મુજબના ફેરફાર આવ્યા.

- શાંતિની જગ્યાએ સુરક્ષા અને કડક વલણને પ્રાથમિકતા મળી

- પેલેસ્ટાઇન સાથેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા

નેતન્યાહૂ ઈઝરાયલના સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેલા નેતાઓમાંના એક છે. તેમના સમયમાં આ વિસ્તારનો સંઘર્ષ વધુ જટિલ બન્યો છે. ત્યારથી આજ સુધી આ વિસ્તાર સંપૂર્ણ શાંતિથી દૂર જ રહ્યો છે, અને આ બદલાવમાં નેતન્યાહૂની નીતિઓએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.