World

'થેંક્યુ નરેન્દ્ર' : મોદીના જન્મદિને ટ્રમ્પે ભારત તરફ 'ઓલીવ-બ્રાન્ચ' પ્રસારી

By GS TEAM
17 Sep 20252 mins read
'થેંક્યુ નરેન્દ્ર' : મોદીના જન્મદિને ટ્રમ્પે ભારત તરફ 'ઓલીવ-બ્રાન્ચ' પ્રસારી

- 'યુક્રેન યુદ્ધ અટકાવવા માટે મોદીની સહાય જરૂરી છે'

- રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે સપ્તાહો સુધી ભારત ઉપર પ્રહારો કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પને ચીનની ભીતિ અચાનક યાદ આવી

નવી દિલ્હી : મહિનાઓ સુધી નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તદ્દન 'ઠંડો' વ્યવહાર રાખી રહ્યાં છે. કેનેડામાં યોજાયેલી જી-૭ પરિષદ પછી ટ્રમ્પનાં ભોજન આમંત્રણનો તેઓએ સવિનય અસ્વીકાર કર્યો હતો. તેમાં આ વખતે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધવા જવાના નથી તેથી ન્યૂયોર્ક જવાનો પ્રશ્ન જ નથી. તેવું પણ કહેવાય છે કે જૂનમાં ટ્રમ્પે મોદીને ચાર ચાર વખત ફોન કર્યા પરંતુ તેમણે એક પણ ફોન ઉઠાવ્યો ન હતો.

સોશ્યલ મીડીયા દ્વારા તેમની વચ્ચે થતા સંવાદ પણ ઉષ્મા-રહિત રહ્યા છે.

હવે અમેરિકાને 'ઉચાટ' થયો છે તે ભારતને ચાયના સામે 'કાઉન્ટર-વેઇટ' રાખવા માગે છે તે સમયે ભારત ગુમાવવું અમેરિકાને પોસાય તેમ નથી. તેથી રશિયા પાસેથી તેલ ખરીદવા માટે સપ્તાહો સુધી ભારત ઉપર પ્રહારો કર્યા પછી હવે ટ્રમ્પને 'બ્રહ્મજ્ઞાન' થયું છે કે, ભારત ઘણું સહાયરૂપ બની શકે તેમ છે. વિશેષત: યુક્રેન યુદ્ધ અટકાવવામાં મોદીની સહાય અનિવાર્ય છે તે ટ્રમ્પ સમજી ગયા છે.

નરેન્દ્ર મોદીને તેમના ૭૫મા જન્મદિને અભિનંદન પાઠવતો ટ્રમ્પે ટેલીફોન કોલ કર્યો હતો પછી કહ્યું : 'મેં મારા મિત્ર નરેન્દ્ર મોદીને તેઓના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી તેઓ ગજબનું કામ કરી રહ્યાં છે.'

આ સાથે યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે મોદીએ પણ સહકારભર્યું વલણ રાખ્યું તે માટે પણ તેઓની સરાહના કરી હતી.

મોદીએ પણ અભિનંદન બદલ આભાર માન્યો હતો.

આ ફોન વાતચીત અંગે કશું જાણવા તો નથી મળ્યું પરંતુ નિરીક્ષકોનું વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પરથી સ્પષ્ટ કહેવું છે કે પેસિફિક ઇન્ડોપેસિફિક તેમજ એશિયા ઉપર પ્રસરી રહેલી ચીનની ભીતિને બરોબર નજરમાં રાખી ચીન સામે સંતુલન વજન (કાઉન્ટર-વેઇટ) તરીકે ભારત અનિવાર્ય છે. તે ખ્યાલમાં રાખી ટ્રમ્પે ભારત સાથે સંબંધો સુધારવામાં પહેલ કરી છે.