થાઈલેન્ડમાં મહિલા યુટયૂબરે ફોલોઅર્સને ૪૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો
ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ સ્કેમથી હજારો યુઝર્સ સાથે છેતરપિંડી કરીને મહિલા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ
વળતર આપવાના નામે ફોલોઅર્સ પાસેથી મોટું ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું
થાઈલેન્ડમાં એક મહિલા યુટયૂબરે હજારો ફોલોઅર્સ સાથે છેતરપિંડી કરી છે. લગભગ ૪૦૦ કરોડનો ચૂનો લગાવીને નથામોન ખોંગચાક નામની મહિલા ગાયબ થઈ ગઈ છે. થાઈલેન્ડની પોલીસે મહિલા સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. છ હજાર યુઝર્સે પાસેથી ઈન્વેસ્ટમેન્ટના નામે મહિલાએ ફંડ મેળવ્યું હતું.
થાઈલેન્ડમાં નથામોન ખોંગચાક નામની એક યુટયૂબરે તેના ફોલોઅર્સને ૪૦૦ કરોડ રૃપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા યુટયૂબર સામે છેતરપિંડીની ૧૦૨ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. છ હજાર ફોલોઅર્સના પૈસા લઈને તે અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે. પોલીસે તેની વિરૃદ્ધ વોરંટ જારી કર્યું છે અને તેની શોધખોળ આદરી છે.
આ મહિલા યુટયૂબર યુટયૂબમાં ખૂબ લોકપ્રિય હતી. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પણ તે પોપ્યુલર હતી. તેના યુટયૂબ વીડિયો ખૂબ લોકપ્રિય હતા. એના લાખો ફોલોઅર્સ હતા અને ફોલોઅર્સ સાથે મહિલા ઓનલાઈન ટોક પણ કરતી હતી. એવી જ એક ટોકમાં તેણે કહ્યું હતું કે એ એક ઈન્વેસ્ટમેન્ટ કંપની સાથે જોડાઈ છે. એમાં ઈન્વેસ્ટ કરનારાને ૩૫ ટકા સુધીનું વળતર મળશે. તેણે ફોલોઅર્સને એમાં ઈન્વેસ્ટ કરવા કહ્યું હતું. છ હજાર ફોલોઅર્સે વળતર મેળવવા માટે મહિલા યુટયૂબરના કહેવા પ્રમાણે ઈન્વેસ્ટ કર્યું હતું. મહિલાએ રોકાણ કરનારા ફોલોઅર્સને સારા એવા વળતરની ખાતરી આપી હતી. ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ અંતર્ગત મહિલાએ ફંડિંગ મેળવ્યું હતું.
એ પછી અચાનક એક દિવસ તેના બધા જ એકાઉન્ટ બંધ થઈ ગયા હતા. બધા જ પ્લેટફોર્મ પરથી એ મહિલા ગાયબ થઈ ગઈ હતી. છ હજાર યુઝર્સને લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને એ મહિલા અંડરગ્રાઉન્ડ થઈ છે. તેને ઝડપી લેવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મહિલા સામે ૧૦૨ ગુના દાખલ થઈ ચૂક્યા છે.