થાઈલેન્ડ-કમ્બોડીયા યુદ્ધ : મૃત્યુઆંક 32 : હજારો વિસ્થાપિત
- કમ્બોડીયાએ યુદ્ધ વિરામ જાહેર કર્યો : થાઈલેન્ડે સરહદી વિસ્તારમાં માર્શલ-લો જાહેર કર્યો : ભારતીય દૂતાવાસે ભારતીયોને સરહદથી દૂર રહેવા કહ્યું
નવીદિલ્હી : દક્ષિણ પૂર્વ એશિયામાં ૯મી સદીમાં પ્રસરેલા ખમેર સામ્રાજ્યના સમયમાં એક પર્વત પર રચાયેલું મૂળ શિવમંદિર અંગે જાગેલા થાઈલેન્ડ અને કમ્બોડિયાના સંઘર્ષે હજી સુધીમાં ૩૨નો ભોગ લીધો છે. બંને તરફે સરહદી વિસ્તારોમાંથી હજ્જારો નાગરિકો વિસ્થાપિત થઈ ગયા છે. બીજી તરફ આ સંઘર્ષનો અંત લાવવા ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની આપાતકાળ બંધબારણે બેઠક યોજાઈ રહી છે. આ વખતે ક્રમાનુસાર ચૂંટાયેલા ૧૦ સભ્યો પૈકી મલેશિયા અત્યારે સલામતી સમિતિનું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે.
સહજ રીતે જ સલામત સમિતિએ સંઘર્ષ બંધ કરવા બંને પક્ષોને અનુરોધ કર્યો છે.
તેમ પણ જાણવા મળ્યું છે કે, કમ્બોડિયાએ તો યુદ્ધ વિરામ જાહેર કરી જ દીધો છે. જ્યારે થાઈલેન્ડે કમ્બોડીયા સાથેની સમગ્ર સરહદના વિસ્તારમાં માર્શલ-લો જાહેર કરી દીધો છે.
યુદ્ધ હજી પૂર્ણત: શાંત થયું હોવાની પાક્કી માહિતી મળી શકતી નથી તે સંજોગોમાં કમ્બોડીયાના પાટનગર નોમ-નેહ તેમજ થાઈલેન્ડનાં પાટનગર બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસોએ બંને દેશોમાં વસતા ભારતીયોને સંઘર્ષવાળા વિસ્તારથી દૂર રહેવા એડવાઇઝરી જાહેર કરી છે.