થાઈલેન્ડની મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સકાંડમાં ફસાવીને 100 કરોડ તફડાવ્યા
- બ્લેકમેઈલનું રેકેટ ચલાવતી 35 વર્ષની મહિલાની ધરપકડ
- સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા નવ બૌદ્ધ ભિક્ષુઓને મઠમાંથી બરતરફ કરાયા : મઠના એકાઉન્ટમાંથી મહિલાને રકમ ટ્રાન્સફર થતી હતી
બેંગકોક : થાઈલેન્ડમાં એક સેક્સ રેકેટ પકડાયું તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક ૩૫ વર્ષની મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સ રેકેટમાં ફસાવીને તેમને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. એ રીતે મહિલાએ ૧૦૦ કરોડ રૂપિયા તફડાવી લીધા અને સોનું પણ મેળવ્યું. આ કૌભાંડ બહાર આવતા પોલીસે મહિલાની ધરપકડ કરી છે.
રોયલ થાઈ પોલીસ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોના કહેવા પ્રમાણે વિલાવાન એમ્સાવત નામની ૩૫ વર્ષની મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સ સ્કેન્ડલમાં ફસાવ્યા હતા. આ સન્યાસીઓ સાથે સેક્સ સંબંધ બાંધ્યા બાદ મહિલા તેમને બ્લેકમેઈલ કરતી હતી અને મોટી રકમ મેળવતી હતી. મઠના એકાઉન્ટમાંથી જ આ મહિલાના એકાઉન્ટમાં બહુ મોટી રકમ ટ્રાન્સફર થતી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી તેણે નવ ભિક્ષુઓને પ્રેમજાળમાં ફસાવીને સેક્સ સંબંધ બાંધ્યા હતા અને પછી બ્લેકમેઈલ કરીને અંદાજે ૧૦૦ કરોડ જેટલી રકમ તેમની પાસેથી લીધી હતી. આ ભાંડો ત્યારે ફૂટયો હતો કે જ્યારે બેંગકોકના એક પ્રસિદ્ધ મઠના વરિષ્ઠ ભિક્ષુએ પોતાનું પદ ત્યજી દીધું હતું. એ વખતે તપાસ કરતાં આખા રેકેટનો પર્દાફાશ થયો હતો.
આ મહિલાને પોલીસે બેંગકોકના નોંથબુરી પ્રાંતમાંથી પકડી લીધી હતી. તેની સામે બળજબરીથી વસૂલી કરવી, ચોરી કરવી અને મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં મહિલાએ આ રીતે બૌદ્ધ ભિક્ષુઓ સાથે સંબંધ બનાવ્યાની વાત સ્વીકારી હતી. આ રેકેટમાં સંડોવાયેલા નવ ભિક્ષુઓને પદભ્રષ્ટ કરાયા છે અને તેમને મઠમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. મહિલાના ફોનમાંથી બૌદ્ધ ભિક્ષુઓના સેંકડો સેક્સ વિડીયો અને ફોટો છે. તે ઘણાં ભિક્ષુઓને આ વિડીયો લીક કરી દેવાની ધમકી આપતી. તો અમુકને પોતે પ્રેગનન્ટ હોવાનું કહેતી. આ રીતે મોટી રકમ પડાવતી. આમાં કોઈ એક જ મઠના ભિક્ષુઓ સંડોવાયેલા છે કે પછી અન્ય મઠના ભિક્ષુઓ સાથે પણ બ્લેકમેઈલ થયું છે, તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.