કંબોડિયા પર યુદ્ધવિરામ ભંગનો થાઇસેનાનો આરોપ, હિંદુ મંદિર માટે ફાટી નિકળ્યું હતું યુદ્ધ
૪ દિવસથી ચાલતું યુધ્ધ અટકાવવા મલેશિયાએ શાંતિની પહેલ કરી હતી
કંબોડિયાની સેનાએ થાઇ સેનાના આરોપો ફગાવ્યા
બેંગ્કોક,૨૯ જુલાઇ,૨૦૨૫,મંગળવાર
૧૧ મી સદીના પ્રાચિન શિવમંદિર અને આસપાસના પુરાતત્વીય સ્થળો પર અધિકાર મામલે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે લડાઇ ફાટી નિકળી હતી. ૪ દિવસ પછી સંઘર્ષ વિરામ થવા છતાં થાઇલેન્ડ સેનાએ કંબોડિયા પર યુદ્ધવિરામનું ઉલંઘન કરવાનો આરોપ મુકયો છે. કંબોડિયા હજુ પણ લડી લેવાના મૂડમાં હોય એમ શાંતિ પ્રસ્તાવનું પાલન કરતું નથી.
થાઇ સેનાએ કંબોડિયા પર આરોપ મુકયો હતો કે કંબોડિયાઇ સૈનિકોએ યુધ્ધવિરામનો ભંગ કરીને અનેક સ્થળોએ હુમલા ચાલું રાખ્યા છે. કંબોડિયાની સેનાએ થાઇ સેનાના આરોપોને ફગાવી દીધા હતા. ગત સોમવારે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે મલેશિયાએ યુધ્ધવિરામની પહેલ કરાવી હતી. બંને દેશો કોઇ પણ શરત વિના સહમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે મલેશિયા આ વર્ષે દક્ષિણ પૂર્વ એશિયાઇ રાષ્ટ્ર સંગઠન (આસિયાન)ની અધ્યક્ષતા કરી રહયું છે. થાઇલેન્ડ અને કંબોડિયાના કમાંડર સરહદ પર અનૌપચારિક બેઠક અને વાતચિત કરવાના હતા પરંતુ મળી શકયા નથી. બંને દેશોની સરહદ પર ગોઠવેલા સૈનિકો એલર્ટ પર છે. આથી સંઘર્ષવિરામ કાયમ રહેશે કે ફરી તણાવ વધશે એ ભવિષ્યમાં ખબર પડશે.