ટેસ્લાનો ફુગ્ગો ફૂટી ગયો : મસ્કની સંપત્તિમાં 125 અબજ ડોલરનો કડાકો
- ટ્રમ્પના વિજયથી મસ્કની સંપત્તિમાં તેજી આવી હતી
- ટેસ્લાની કારનું વેચાણ અમેરિકા, યુરોપ, ચીનમાં ઘટયું : સાત સપ્તાહથી શેરમાં અવિરત ઘટાડો
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી દરેક વાતમાં ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરવા તત્પર, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિમાં છેલ્લા દોઢ મહિનામાં ૧૨૦ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ સંપત્તિ ૧૦૨ અબજ ડોલર ઘટી હોવાનું બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ જણાવે છે. આ ઘટાડા માટે મહત્તમ રીતે તેમની કંપની ટેસ્લાના શેરમાં જોવા મળેલા ગાબડાં જવાબદાર છે. રાજકીય રીતે અમેરિકામાં પ્રવૃત, અમેરિકન સરકારના ફાજલ ખર્ચ ઘટાડા માટે એક પછી એક વિભાગમાં નોકરીઓ ઘટાડવામાં વ્યસ્ત મસ્કની ઇલેક્ટ્રિક કાર બનાવતી તેમજ અન્ય ઇલેક્ટ્રિક સેવાઓ આપતી કંપની ટેસ્લા કંપનીની હાલત કફોડી બની રહી છે.
અબજોપતિના રાજકીય નિવેદનો, કેટલાક પેન્શન ફંડની સતત વેચવાલી અને મસ્કની સૌથી મોટી કંપની ટેસ્લાના વેચાણમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે ટેસ્લાના શેરના ભાવ સાથે મસ્કની સંપત્તિ પણ સતત ઘટી રહી છે. જોકે, આજે પણ ૩૩૦ અબજ ડોલરની સંપત્તિ સાથે મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી શક્યા છે.
ટેસ્લાની કારનું વેચાણ ત્રણ મહિનાથી સતત ઘટી રહ્યું છે. તેના માટે અમેરિકા સિવાયની સૌથી મોટી બજાર ચીનમાં તો હાલત વધારે કમજોર છે. ટેસ્લાએ ચીનના પ્લાન્ટમાંથી ફેબ્રુઆરી મહિનામાં ૩૦,૬૮૮ ગાડીઓનું વેચાણ કર્યું છે જે ગત વર્ષ કરતા ૪૯ ટકા ઓછું છે. વેચાણનો આ આંક જુલાઈ ૨૦૨૨ પછી સૌથી ઓછો છે. આ દેશમાં ટેસ્લાનું વેચાણ છેલ્લા પાંચ મહિનાથી સતત ઘટી રહ્યું છે. બીજી તરફ, ચીનની બીવાયડીનું વેચાણ ૧૬ ટકા વધી ૩.૧૮ લાખ નોંધાયું છે. બીવાયડી અત્યારે વિશ્વમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કારનું વેચાણ ધરાવતી કંપની છે.
૨૫ કરોડ ડોલરની આર્થિક સહાય જાહેર કરી ઈલોન મસ્કે અમેરિકન ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે જાહેરમાં પ્રચાર કર્યો હતો. નવેમ્બરમાં ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા અને મસ્કને મહત્વનો હોદ્દો જાહેર કરવાની વાત કરતા ટેસ્લાના શેર ૨૫૦ ડોલરથી વધી ૪૮૪ ડોલર થઇ ગયા હતા. પરિણામના એક જ દિવસમાં મસ્કની સંપત્તિમાં ૨૬.૫ અબજ ડોલરનો વધારો થયો હતો. ડિસેમ્બર મહિનામાં તેની સંપત્તિ વધી ૫૦૦ અબજ ડોલરને પાર થઇ ગયેલી જે વિશ્વના ૧૪૦ દેશોના અર્થતંત્રના કદ કરતા વધારે હતી.
જોકે, પછી મસ્કના રાજકીય નિવેદનો, અમેરિકન સરકારમાં જાહેર કરેલા પગલાં અને બીજી તરફ ટેસ્લાના વેચાણના આંકડા સતત ઘટાડો દર્શાવતા હવે પડતી શરૂ થઇ છે. ૪૮૪ સામે હવે શેરનો ભાવ ૨૬૨ ડોલર થઇ ગયો છે. ૪૬ ટકાના આ ઘટાડાના કારણે મસ્કની સંપત્તિમાં ૧૨૫ અબજ ડોલર જેટલો ઘટાડો થયો છે. અમેરિકન શેરબજારમાં ટેસ્લા ૧૫ વર્ષથી લીસ્ટેડ છે અને તેના ઈતિહાસમાં પ્રથમ વખત છેલ્લા સાત સપ્તાહથી શેરના ભાવ સતત ઘટી રહ્યા છે. આજે શેરનો ભાવ મસ્ક જે દિવસે વોશિંગ્ટન પહોંચ્યા એ સપાટીએ આવી ગયો છે. વોલ સ્ટ્રીટની અગ્રણી એનાલિસ્ટ એજન્સી - બેંક ઓફ અમેરિકા, બાઈરડ, ગોલ્ડમેન શાક્સ - ઓએ શેરના ભવિષ્યના ભાવનો અંદાજ ઘટાડયો છે.