Get The App

મસ્કનું 1 લાખ કરોડ ડોલરનું પેકેજ મંજૂર થતાં જ ટેસ્લાના શૅરમાં કડાકો

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
મસ્કનું 1 લાખ કરોડ ડોલરનું પેકેજ મંજૂર થતાં જ ટેસ્લાના શૅરમાં કડાકો 1 - image

ટેસ્લાની કારના વેચાણમાં ઘટાડા છતાં મસ્કને જંગી પેકેજની ટીકા

ટેસ્લાના શૅરોમાં બે દિવસમાં ભારે કડાકાના પગલે ઈલોન મસ્કની નેટવર્થમાં 10 અબજ ડોલરનો ઘટાડો

ન્યૂયોર્ક: અમેરિકન ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ઇન્ક.ના શૅરધારકોએ સીઈઓ ઈલોન મસ્કના ૧ લાખ કરોડ ડોલરના વિક્રમી પગાર પેકેજને મંજૂરી આપ્યાની સાથે જ ટેસ્લાના શૅરોમાં કડાકો બોલાયો હતો. અમેરિકન શેર બજાર ખૂલતા જ ટેસ્લાના શૅર ૪.૮ ટકા ઘટીને ૪૨૪.૪૮ ડોલરના ઈન્ટ્રા-ડે નીચા સ્તરે પહોંચી ગયા હતા, જે પાછલા બંધ ભાવ ૪૪૫.૯૧ ડોલરની સરખામણીમાં ઘણા નીચે હતા. આ સાથે બે દિવસમાં ટેસ્લાના શૅરોમાં કડાકાના કારણે મસ્કની સંપત્તિમાં ૧૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

અમેરિકન ઈલેક્ટ્રિક કાર ટેસ્લા ઇન્ક.ના સીઈઓ ઈલોન મસ્કને દુનિયાના કોર્પોરેટ જગતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧ ટ્રિલિયન ડોલરનું પગાર પેકેજ મંજૂર કરવા મુદ્દે કેટલાક દિવસોથી અસમંજસની સ્થિતિ શુક્રવારે સ્પષ્ટ થઈ ગઈ હતી. ટેસ્લાના ૭૫ ટકા શૅરધારકોએ શુક્રવારે મસ્કના ૧ લાખ કરોડ ડોલરના પગાર પેકેજને મંજૂરી આપી દીધી હતી. જોકે, ઈલોન મસ્કના પગાર પેકેજ અંગે અટકળો અને મંજૂરીની અસર ટેસ્લાના શૅરો પર જોવા મળી હતી. ગુરુવારે ટેસ્લાના શૅર ૩.૫ ટકા ઘટયા હતા તેમજ શુક્રવારે પણ દિવસની શરૂઆતમાં ટેસ્લાના શૅર ૪.૮ ટકા ઘટયા પછી આંશિક વધ્યા હતા, પરંતુ દિવસના અંતે તેમાં ૩.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ટેસ્લાના શૅરોમાં બે દિવસમાં આવેલા કડાકાના પગલે ઈલોન મસ્કની નેટવર્થમાં ૧૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

જોકે, ટેસ્લાના શૅરધારકો દ્વારા મસ્કના ૧ ટ્રિલિયન ડોલરના પગાર પેકેજને મંજૂરી આપવાના નિર્ણયની આકરી ટીકા પણ થઈ હતી. ટેસ્લા ટેકડાઉન નામના સંગઠને મસ્કના પગાર પેકેજની ટીકા કરતા કહ્યું કે, તાજેતરના સમયમાં ટેસ્લાની કારનું વેચાણ ઘટયું છે, સુરક્ષા જોખમ વધી રહ્યા છે અને તેમની રાજકીય વિચારધારાના કારણે ગ્રાહકો ટેસ્લાથી દૂર થઈ રહ્યા છે તેવા સમયે મસ્કને તેમની નિષ્ફળતાના બદલામાં ૧ લાખ કરોડ ડોલરનું પેકેજ અપાઈ રહ્યું છે. 

આ પહેલાં પણ વર્ષ ૨૦૧૮માં ઈલોન મસ્કને અપાયેલું ૫૫.૮ અબજ ડોલરનું પેકેજ વિવાદોમાં સપડાયું હતું. ડેલાવેરની એક કોર્ટે શેરધારકોના કેસોના કારણે મસ્કના પેકેજ પર સ્ટે મૂકી દીધો હતો. પાછળથી તાજેતરમાં જ ડેલાવેરના નિર્ણય પછી ડેહોલ્મ અને ટેસ્લા બોર્ડે ઓગસ્ટમાં જ તેમનું લગભગ ૨૯ અબજ ડોલરનું વચગાળાનું પેકેજ મંજૂર કર્યું હતું.

ઈલોન મસ્કની સંપત્તીમાં બે દિવસમાં જંગી ઘટાડા છતાં મસ્કે ૪૮૧.૪ અબજ ડોલરની અંદાજિત નેટવર્થ સાથે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈલોન મસ્ક આ વર્ષની શરૂાતમાં ૪૦૦ અબજ ડોલર અને ૫૦૦ અબજ ડોલરની નેટવર્થનું સિમાચિહ્ન સર કરનાર પહેલા ઉદ્યોગપતિ બન્યા હતા.