(પીટીઆઇ) ન્યૂયોર્ક, તા. ૨
શુક્રવારે ટેસ્લાએ વિશ્વની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર
બનાવતી કંપનીનો તાજ ગુમાવી દીધો છે કારણકે
એલન મસ્કના જમણેરી રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તીવ્ર સ્પર્ધાને કારણે સતત
બીજા વર્ષે વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
ટેસ્લાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે ૨૦૨૫માં ૧૦ લાખ
૬૪ હજાર કારો વેચી છે. આ વેચાણ ગયા વર્ષની સરખામણીમાં ૯ ટકા ઓછું છે. ચીનની હરીફ
કંપની બીવાયડીએ ૨૦૨૫માં ૨૦ લાખ ૨૬ હજાર વાહનોનું વેચાણ કર્યુ છે. આ સાથે જ બીવાયડી
ચીનની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની બની ગઇ છે.
ચોથા કવાર્ટરમાં કુલ વેચાણ ૪,૧૮,૨૨૭
રહ્યું છે જે ફેક્ટસેટ દ્વારા સર્વે કરવામાં આવેલા વિશ્લેષકોના ૪,૪૦,૦૦૦ના અંદાજથી
ઓછું રહ્યું છે.
વેચાણના કુલ આંકડા પર ૭૫૦૦ ડોલરની ટેક્સ ક્રેડિટની સમય
મર્યાદા સમાપ્ત થવાની અસર પડશે. જેને
ટ્રમ્પ વહીવટી તંત્રે સપ્ટેમ્બરના અંતમાં સમાપ્ત કરી દીધું હતું.
કંપની અનેક સમસ્યાઓનો સામનો કરી રહી હોવા છતાં ટેસ્લાનો શેર
૨૦૨૫માં ૧૧ ટકાના વધારા સાથે બંધ રહ્યો છે કારણકે રોકાણકારોને આશા છે કે ટેસ્લાના
સીઇઓ મસ્ક રોબોટેક્સી સેવામાં ટેસ્લાને લીડર બનાવવા અને ગ્રાહકોને આવા હ્યૂમનોઇડ
રોબોટનો સ્વીકાર કરવા માટે સમજાવી શકશે. જે ઘર અને ઓફિસમાં બેઝિક કામ કરી શકે.
શુક્રવારે ઓપનિંગ બેલ પહેલા ટેસ્લાના શેરમાં બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.


