પાક.માં આતંકી લખવી જેલમાં બેઠા-બેઠા બાપ બની ગયો : ઓવૈસી
ઓવૈસીએ અલ્જિરિયામાં પાક.ની પોલ ખોલી
હું-ઓવૈસી સાહેબ સૌથી વધુ લડીએ છીએ, પરંતુ દેશ પર બહારથી જોખમ હોય તો અમે એક છીએ : નિશિકાંત દુબે
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના ભાગરૂપે હાલ અલ્જિરિયામાં છે. ભારતીય સમુદાયને સંબોધન કરતા ઓવૈસીએ કહ્યું કે, ઝકીઉર રહેમાન લખવી આતંકી છે. તેણે મુંબઈમાં ૨૬-૧૧ના હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી વૈશ્વિક દબાણ હેઠળ પાકિસ્તાને લખવીને જેલમાં નાંખવો પડયો હતો.
જોકે, પાકિસ્તાનમાં આતંકીઓને કેવી સુવિધાઓ મળે છે તેનું ઉદાહરણ લખવી છે, જે જેલમાં બેઠા બેઠા જ એક સંતાનનો પિતા બની ગયો. ઓવૈસી સાથે જ ભાજપના સાંસદ નિશિકાંત દુબે પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ છે. ભારતીય સમુદાયને સંબોધન કરતા નિશિકાંત દુબે કહે છે કે સંસદમાં કોઈ બે વ્યક્તિ સૌથી વધુ લડતા જોવા મળતા હોય તો તે ઓવૈસી સાહેબ અને હું છું, પરંતુ દેશ મુશ્કેલ સ્થિતિમાં હોય અને જોખમ બહારથી હોય ત્યારે પોતાની વિચારધારાને બાજુ પર મૂકીને દેશ માટે એક થઈ જવું જોઈએ. દુબેના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.