ખૈબર પખ્તુનવા પ્રાંતમાં આતંકી હુમલો, એક પોલીસનું મોત : બીજાને ગંભીર ઇજાઓ
- પાકિસ્તાનનો 'આઝાદી-દિન' લોહીયાળ બન્યો
- પેશાવરથી 30 કિ.મી. દૂર દક્ષિણ પશ્ચિમે આવેલા હરાન-ખેલ ગામમાં પોલીસ સ્ટેશન પર હુમલો : આ અશાંત પ્રાંતમાં 55,000 થી વધુનું સ્થળાંતર
પેશાવર : લોહી નીતરતી આઝાદી સાથે સાકાર બનેલા પાકિસ્તાનના આઝાદી દિવસે પણ લોહી નીતરતા રહે છે. તેની કીરથાર પર્વતમાળામાં વસેલા ખૈબર પખ્તુનવા કે સૂકા રેતાળ અને ટેકરીઓ ભરેલા બલુચિસ્તાનમાં હવે સરકાર જેવું કશું રહ્યું નથી. આના છાંટા સિંધમાં પણ ઉડયા છે. કરાચીમાં આઝાદીના જશ્નમાં થયેલા ગોળીબારમાં ત્રણના મૃત્યુ થયા છે. જ્યારે સતત અશાંત રહેતાં ખૈબર પખ્તુનવામાં પાટનગર પેશાવરથી ૩૦ કિ.મી. દૂર દક્ષિણ પશ્ચિમે આવેલા હસન-ખેવ ગામમાં આતંકી હુમલામાં કોન્સ્ટેબલ અબુ બાકર માર્યો ગયો હતો, જ્યારે એક અધિકારી હારૂનને ગંભીર ઇજાઓ થઇ હતી.
આ માહિતી મળતા પેશાવરથી વધુ પોલીસ દળ રવાના કરાયા હતા અને હવે પર્વતીય વિસ્તારોમાં રહેલા આતંકીઓને શોધી શોધીને ખતમ કરવા પોલીસને હુકમ આપવામાં આવ્યો છે.
આ પૂર્વે બુધવારે પાકિસ્તાનના લશ્કરે જ આતંકીઓ ઉપર છોડેલા ટુ-ઇંચ મોર્ટાર પૈકીનો એક મોર્ટાર એક મકાન ઉપર પડતાં એક મહિલા અને તેના બે બાળકો મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનની પોલીસને સહાય કરવા ત્યાં સેનાને પણ કાર્યરત કરવી પડી છે. તેણે જ આ ટુ-ઇંચ મોર્ટારનો મારો ચલાવ્યો હતો.
પાકિસ્તાનના આર્મીએ લૌવી મહમ્મદ અને વોર-મહમ્મદ તેવી બીજૌર જિલ્લાની બંને તહેસીલો (તાલુકાઓ)માં કરફયુ લગાડી દીધો છે. આ વિસ્તાર તહેરિક-એ- તાલિબાન - એ પાકિસ્તાન (ટીટીપી) ના દુર્ગ સમાન બની રહ્યા હતા.
ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સતત ચાલી રહેલી લડાઇને લીધે ૫૫,૦૦૦ થી વધુનું સ્થળાંતર કરાયું છે. એટલે કે આશરે ૩૦૦૦ કુટુંબોને સલામત સ્થળે ફેરવવા પડયાં છે. અત્યારે તો તેમને લશ્કર ખાધા ખોરાકી પૂરી પાડે છે. તેમજ સવારે કરફયુમાં પણ ઢીલ મુકાય છે. ખાર-મુંડા, ખારનવાગાઈ, ખાર-સાઇકાબાદ અને ઇનાયત કીલ્લી ગામોને જોડતા માર્ગો સવારે ખુલ્લા મુકાય છે.
ઉલ્લેખનીય છે કે આ લડાઇમાં બંને પક્ષે ખરેખર કેટલી જાનહાની થઈ છે, કેટલી ખુવારી થઇ છે કે માલ-મિલ્કતને કેટલુ નુકસાન થયું છે. તે સરકાર જણાવતી નથી.