Get The App

અમેરિકામાં હેલોવીન પહેલા આતંકી હુમલો નિષ્ફળ, શકમંદો ઝડપાયા

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં હેલોવીન પહેલા આતંકી હુમલો નિષ્ફળ, શકમંદો ઝડપાયા 1 - image

- એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલનો દાવો

- મિશિગનમાં સંભવિત આતંકી હુમલા અંગે એફબીઆઈએ અન્ય વિગતો આપવાનું ટાળ્યું : રહેવાસીઓ હવે સલામત હોવાનો દાવો

વોશિંગ્ટન : અમેરિકાના મિશિગન રાજ્યમાં હેલોવીન તહેવારના સમયે વીકએન્ડમાં મોટા આતંકી હુમલાના કાવતરાંને એફબીઆઈએ નિષ્ફળ બનાવી દીધો છે તેમ એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે શુક્રવારે દાવો કર્યો હતો. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, હુમલાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ અનેક લોકોની ડિયરબોર્નથી ધરપકડ કરાઈ છે. આ લોકોની હાલ પૂછપરછ કરાઈ રહી છે.

એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, એફબીઆઈએ શુક્રવારે સવારે સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ કરી દીધો છે અને મિશિગનમાં અનેક લોકોની ધરપકડ કરાઈ છે. આ લોકો કથિત રીતે સપ્તાહના અંતે શનિવાર-રવિવારે હેલોવીનના તહેવાર પર એક મોટો હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા હતા. એફબીઆઈ અને કાયદાકીય એજન્સીઓના અધિકારીઓનો હું આભાર માનું છું, જેઓ ૨૪ કલાક માતૃભૂમિના રક્ષણ માટે સાવધ રહે છે. આ કાવતરાં અંગે ટૂંક સમયમાં જ વિગતવાર માહિતી અપાશે.

એફબીઆઈ કે અન્ય એજન્સીઓએ આ કથિત આતંકી હુમલા અંગે સત્તાવાર રીતે કોઈ વિગતો આપી નથી. બીજીબાજુ ડિયરબોના પોલીસ વિભાગે ફેસબૂક પર પોસ્ટ કરીને જણાવ્યું કે, એફબીઆઈએ શુક્રવારે સવારે શહેરમાં કેટલાક શકમંદોને પકડવાનું અભિયાન ચલાવ્યું હતું. અમે સ્થાનિક રહેવાસીઓને આશ્વાસ્ત કરીએ છીએ કે આ સમયે હવે તેમના પર કોઈ જોખમ નથી.

એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટર ડૈન બોંગિનોએ પણ તેમના અધિકારીઓના ઓપરેશનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, હકીકતમાં સુરક્ષા એજન્સીઓનું કામ આવી જ રીતે સક્રિય દેખાય છે. મિશિગનમાં અમારા એજન્ટો અને સહયોગીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને કોઈને ઈજા પહોંચે તે પહેલા જ જોખમને અટકાવી દીધું. ડિરેક્ટર કાશ પટેલના નેતૃત્વ અને આ એફબીઆઈના નિરીક્ષણમાં અમેરિકા સુરક્ષિત જગ્યાએ છે. માતૃભૂમિની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. અમે આરામ નહીં કરીએ.

હેલોવીન ઉત્સવ ૩૧ ઑક્ટોબરે મનાવાય છે. લાખો લોકો આ દિવસે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો યોજે છે. એવામાં હુમલો થયો હોત તો ભારે વિનાશ સર્જાયો હોત અને અમેરિકાની સુરક્ષા એજન્સીઓ પર સવાલ ઉઠયો હોત.