આર્કટિક મહાસાગર પર પણ ચીનનો ડોળો, નવો વેપાર માર્ગ ખોલીને યુરોપ-અમેરિકાને આંબવાની ડ્રેગનની મહત્ત્વાકાંક્ષા
Arctic Ocean : પૃથ્વીના ઉત્તર ધ્રુવમાં આવેલા આર્કટિક સમુદ્ર વિશે વિચાર કરતાં રશિયા, યુરોપ, ગ્રીનલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા દેશો જ યાદ આવે, ચીન તો ક્યાંય ચિત્રમાં દેખાતું જ નથી. જો કે, જે રીતે ચીને ખાણકામ માટે આફ્રિકામાં પગપેસારો કરીને ત્યાં પોતાનો પથારો કર્યો છે, એ જ પ્રકારે ચીન હવે આર્કટિક પ્રદેશનો મોટો ખેલાડી બનવા માંગે છે. ચીનથી ઘણાં દૂર એવા આ દુર્ગમ પ્રદેશમાં ચીને પોતાની કાયમી હાજરી સ્થાપિત કરવાની હિલચાલ આદરીને વૈશ્વિક રાજકારણનું તાપમાન ગરમાઈ ગયું છે.
આર્કટિકમાં અડ્ડો જમાવવાની મહાસત્તાઓની સ્પર્ધા
આર્કટિક પ્રદેશ સદીઓ સુધી દુનિયાથી અલિપ્ત રહ્યો છે. નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ જેવા સ્કેન્ડિનેવિયન દેશો અને રશિયાની નજીકનો આ વિસ્તાર કાયમી બર્ફસ્તાન હોવાથી ન તો એમાં જહાજ ચલાવી શકાતા ન ત્યાં માનવ વસાહત સ્થાપી શકાતી. પણ, છેલ્લા થોડા દાયકાઓથી ગ્લોબલ વોર્મિંગના પાપે આર્કટિક મહાસાગરની હિમચાદર પીગળવા લાગી છે, જેને લીધે એ વિસ્તારમાં માનવહસ્તક્ષેપ વધવા લાગ્યો છે. વર્ષોથી વણખેડ્યો પ્રદેશ એના સાગરતળિયામાં ખનીજ તેલ, કુદરતી ગેસ અને દુર્લભ ખનીજ તત્ત્વોનો મબલક ભંડાર સાચવીને પડ્યો છે, જે મેળવવા માટે અમેરિકા, રશિયા અને ચીન જેવી વૈશ્વિક મહાસત્તા વચ્ચે સ્પર્ધા જામી છે.
આ પણ વાંચો : ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાનો સેટેલાઇટ ડેટામાં ઘટસ્ફોટ
આર્કટિક ચાર ગણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે
પૃથ્વીના ચાર ટકા ભાગને આવરી લેતો આર્કટિક પ્રદેશ વિશ્વના અન્ય કોઈ પણ ભાગ કરતાં ચાર ગણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે, જેને લીધે ધ્રુવીય રીંછ જેવા ત્યાંના પ્રાણીઓનો પ્રદેશ સંકોચાઈ રહ્યો છે અને તેમની પ્રજનન ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી રહી છે. ત્યાંનું પર્યાવરણીય પરિવર્તન ચિંતાજનક છે, પણ વૈશ્વિક શક્તિઓને એની ફિકર નથી, એમને તો ત્યાં મધપૂડો દેખાઈ રહ્યો છે. અમેરિકાનો ડોળો ગ્રીનલેન્ડ પર મંડાયો છે, એની પાછળ પણ ત્યાંની ‘વર્જિન’ ભૂમિમાં શારકામ કરીને દુર્લભ ખનીજો, કુદરતી ગેસ અને તેલ મેળવવાનો ઈરાદો જ છે. એ જ ખેલ આર્કટિકમાં ભજવવાની તૈયારી અમેરિકા અને રશિયા કરી રહ્યા હતા, જેમાં હવે ચીને પણ ઝુકાવ્યું છે.
નવો દરિયાઈ માર્ગ ચીનની ‘પહોંચ’ વધારશે
આર્કટિકમાં પીગળતા બરફે નવો દરિયાઈ માર્ગ ખોલવાની સંભાવના પેદા કરી છે, જે એશિયા અને યુરોપ વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે એમ છે. યુરોપ સાથે વેપાર કરવા માટે હાલમાં ચીની જહાજોએ હિન્દ મહાસાગર પાર કરીને સુએઝ નહેરમાં થઈને લાંબો ચકરાવો મારવો પડે છે, જે ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. તેથી ચીન આર્કટિક વિસ્તાર દ્વારા જહાજી વ્યાપાર કરવા માટે ‘પોલર સિલ્ક રોડ’ યોજના પર કામ કરી રહ્યું છે, જે ચીની જહાજોને રશિયાનો ચકરાવો મરાવીને યુરોપના નોર્વે સુધી પહોંચાડશે. આ માર્ગ તેને પ્રમાણમાં સસ્તો અને ઝડપી પડશે. આ સફર દરમિયાન એના જહાજો બેરિંગ સમુદ્રમાંથી પસાર થશે, જેને લીધે ચીન નજીકના અમેરિકન પ્રદેશ ‘અલાસ્કા’ પર પણ નજર રાખી શકશે.
આ પણ વાંચો : સાઉદી અરેબિયામાં હવે દારૂના વેચાણની છૂટ, ટુરિઝમ વધારવા 73 વર્ષ જૂનો કાયદો બદલાયો
નોર્વે જેવો નાનકડો દેશ મોકાનું સ્થાન ધરાવે છે
આર્કટિક સર્કલનો સૌથી મહત્ત્વપૂર્ણ દેશ છે નોર્વે, કેમ કે ‘પોલર સિલ્ક રોડ’ દ્વારા યુરોપમાં પ્રવેશવા માંગતા કોઈપણ જહાજે પહેલા નોર્વેની જળસીમામાંથી પસાર થવું પડશે. નોર્વે પોતાના ‘કિર્કેનસ બંદર’ને ‘ઉત્તરી યુરોપનું સિંગાપોર’ બનવાની યોજના ધરાવે છે. રશિયા અને ચીનના જહાજી વેપારને લીધે કિર્કેનસ ધમધમતું થાય તો નોર્વેને બખ્ખા થઈ જાય એમ છે. બ્રિટન સહિત તમામ યુરોપિયન દેશોને કુદરતી ગેસ પણ નોર્વે જ પૂરો પાડે છે. આમ, આર્કટિક સર્કલમાં નોર્વે અત્યંત મોકાનું સ્થાન ધરાવે છે.
સંશોધનના નામે જાસૂસી થાય છે?
કિર્કેનેસથી ઉત્તર ધ્રુવ તરફ જતાં વચ્ચે ‘સ્વાલબાર્ડ ટાપુસમૂહ’ આવે છે. એ પણ નોર્વેની માલિકીનો છે. સ્વાલબાર્ડ પર દુનિયાના ઘણાં દેશના સંશોધન કેન્દ્રો આવેલા છે, જેમાં ચીન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, નેધરલેન્ડ, નોર્વે, દક્ષિણ કોરિયા અને યુકે સહિત ભારતનો પણ સમાવેશ થાય છે. ચીન માટે એવું કહેવાય છે કે તે સ્વાલબાર્ડ પર સંશોધન ઉપરાંત જાસૂસી પણ કરે છે. સંશોધનના બહાને તે આર્કટિક પ્રદેશમાં કયા દેશની કેટલી સબમરિનો હાજર રહે છે, એવી બધી વિગતો મેળવીને બેજિંગ મોકલતું રહે છે. આમ, આ વિસ્તારમાં ચીન પહેલેથી જ બેવડા ઉદ્દેશ્યો સાથે ઘૂસ મારી ચૂક્યું છે.
આ પણ વાંચો : ભારત વિરુદ્ધ લડવા પરમાણુ હથિયારો વધારવા ચીન પાકિસ્તાનને કરશે મદદ : અમેરિકાનો રિપોર્ટ
ચીનની ચાલ કારગર નથી નીવડી શકી
શ્રીલંકા અને પાકિસ્તાનના બંદરોમાં પગપેસારો કરીને ચીને ભારતને સાણસામાં લેવાની વ્યૂહાત્મક ચાલ ચાલી છે, કંઈક એવો જ વેપારી-દાવ ઉત્તરી યુરોપમાં અજમાવવાની ચાલાકી પણ ચીને કરી જોઈ છે. ચીને નોર્વે અને સ્વીડનમાં બંદરો અને ગ્રીનલેન્ડમાં એરપોર્ટ ખરીદવાની દરખાસ્ત મૂકી હતી, જેથી એનો વેપાર ધૂમ ફૂલેફાલે, પણ ત્યાં એની કારી ફાવી નથી. ત્રણે દેશોએ ચીની પ્રસ્તાવ નકારી કાઢ્યા છે. તેમ છતાં ચીને નાસીપાસ થયા વિના એની સમુદ્રી-યોજના ‘પોલર સિલ્ક રોડ’ પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે.
રશિયા-ચીન ભાઈ-ભાઈ?
આર્કટિકમાં પગપેસારો કરવો હોય તો રશિયાનો સાથ લીધા વિના કોઈને ચાલે એમ નથી, કેમ કે રશિયા આર્કટિક દરિયાકાંઠાના અડધાથી વધુ ભાગ પર નિયંત્રણ ધરાવે છે, એટલે ચીન તેના રશિયા સાથેના સુમેળભર્યા રાજકીય સંબંધોનો ઉપયોગ કરીને આ દિશામાં આગળ વધી રહ્યું છે. આ માટે ચીન રશિયામાં ભરપૂર રોકાણ કરી રહ્યું છે. રશિયાને એવા રોકાણકારની જરૂર છે, જે આર્કટિક વિસ્તારને વિકસાવવામાં એની મદદ કરી શકે, અને ચીન સિવાય બીજો કોઈ દેશ એનો સહયોગી બની શકે એમ નથી. બંને દેશોએ આર્કટિક પ્રદેશમાં ફાઈટર વિમાનોની સંયુક્ત લશ્કરી કવાયત પણ કરી છે. એ કવાયત અલાસ્કાની નજીક કરીને બંને દેશોએ અમેરિકાને આડકતરી રીતે સંદેશ પણ આપી દીધો છે.
નાટો દેશોએ પણ આર્કટિકમાં હલચલ વધારી છે
ચીન અને રશિયાની મિલિભગતથી નાટો અજાણ નથી. નાટો દેશોએ પણ આર્કટિકમાં પોતાની લશ્કરી કવાયત વધારી દીધી છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એ પછી ફિનલેન્ડ અને સ્વીડન પણ નાટોમાં જોડાઈ ગયા હોવાથી હવે રશિયા સિવાય આર્કટિકની સરહદે આવેલા બધા દેશો નાટોના સભ્ય છે. આમ, જે આર્કટિક પ્રદેશ ગઈકાલ સુધી વૈશ્વિક ગરમાગરમીથી સાવ અલિપ્ત હતો એ હવે ફક્ત ગ્લોબલ વોર્મિંગને કારણે જ નહીં, પણ વૈશ્વિક રાજકારણને લીધે પણ ગરમાઈ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે, હિમાચ્છાદિત એવા આર્કટિક વિસ્તારમાં વેપારના નામે ભવિષ્યના મહા-જળસંગ્રામના બીજ તો નથી વવાઈ રહ્યા ને?