- ભડકે બળતા ઇરાનમાં 'બળતામાં ઘી હોમવા' અમેરિકાનો નવો કારસો
- ઈરાને કલાકો પછી એરસ્પેસ ખોલી નાંખી, દેખાવકારોને ફાંસી નહીં આપવાની જાહેરાત, મધ્ય-પૂર્વમાં અમેરિકન બેઝ પર હુમલાની ચેતવણી
- અબ્રાહમ લિંકન 8,000 સૈનિકો, 70 ફાઈટર જેટથી સજ્જ કાફલામાં અનેક ફ્રિગેટ અને પરમાણુ સબમરીન પણ સામેલ
વોશિંગ્ટન/તહેરાન : ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધનું આંદોલન કચડી નાંખવા સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલિ ખામેનેઈએ બળપ્રયોગ કરતા હજારો નાગરિકો માર્યા ગયા છે, જેને પગલે દેખાવકારોના સમર્થનમાં આગળ આવતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૮,૦૦૦ સૈનિકો અને ૭૦ ફાઈટર જેટથી સજ્જ 'અબ્રાહમ લિંકન' જહાજ ઈરાન તરફ રવાના કરતા ફરી એક વખત મધ્ય-પૂર્વમાં તંગદિલી સર્જાઈ છે. વધુમાં ટ્રમ્પે ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો મૂકી દીધા છે. બીજીબાજુ ઈરાને અમેરિકાને કોઈપણ હુમલાના જવાબમાં મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સૈન્ય બેઝને તબાહ કરી દેવાની ધમકી આપી છે.
ઈરાનમાં ડિસેમ્બર અંતમાં મોંઘવારી, આર્થિક સંકટ અને સામાજિક નિયંત્રણો સામે શરૂ થયેલા દેખાવો જોત જોતામાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ મહાકાય આંદોલનમાં ફેરવાઈ ગયા છે. ઈરાનમાં જનતાના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ઈરાને ગુરુવારે દિવસ દરમિયાન તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી, પરંતુ મોડી રાતે તેને ખોલી નાંખી હતી. ઈરાનમાં જનતા પર ઈસ્લામિક શાસનના અત્યાચારો વધી રહ્યા છે ત્યારે અમેરિકાએ સાઉથ ચીન દરિયામાં તેના સૈન્ય જહાજોના બેડામાંથી 'અબ્રાહમ લિંકન' જહાજને મધ્ય-પૂર્વ તરફ રવાના કર્યું છે. ટ્રમ્પના આ પગલાંથી મધ્ય-પૂર્વમાં યુદ્ધ મુદ્દે તંગદિલી વધવા લાગી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં રવાના કરેલા જંગી જહાજ બેડાનું નેતૃત્વ એરક્રાફ્ટ કેરીયર અબ્રાહમ લિંકન કરી રહ્યું છે. તેની સાથે અનેક ફ્રિગેટ અને એક પરમાણુ સબમરીન પણ છે. અબ્રાહમ લિંકન ૮,૦૦૦ સૈનિકો અને ૭૦ ફાઈટર જેટથી સજ્જ છે. આ જહાજને મધ્ય-પૂર્વમાં પહોંચતા લગભગ એક સપ્તાહનો સમય લાગી શકે છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર મોકલવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ઈરાનમાં મોંઘવારી, બેરોજગારી અને ખરાબ આર્થિક સ્થિતિ અંગે દેખાવો ચરમસીમા પર છે. ટ્રમ્પના સૈન્ય કાર્યવાહીના સંકેતો વચ્ચે માનવાધિકાર સંગઠન એચઆરએએનએના અહેવાલ મુજબ ઈરાનમાં વિરોધ પ્રદર્શન ૧૮મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાનમાં અત્યાર સુધીમાં ૧૮૭ શહેરોમાં ૬૦૦થી વધુ દેખાવો થયા છે, જેમાં ૧૮,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે અને ૩,૪૦૦થી વધુ લોકોનાં મોતની પુષ્ટી થઈ ગઈ છે. કેટલાક મીડિયા અહેવાલોમાં આ દેખાવોમાં ૧૨,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે, પરંતુ તેની પુષ્ટી થઈ શકી નથી.
ઈરાનના શાસકોને સૈન્ય કાર્યવાહીની ધમકી વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈસ્લામિક શાસન સામે દેખાવોને ડામી દેવા માટે સૈન્ય પ્રયોગ કરવાના આરોપ હેઠળ ઈરાનના અધિકારીઓ પર નવા પ્રતિબંધો નાંખી દીધા છે. અમેરિકન ટ્રેઝરી વિભાગે દેખાવકારો પર હિંસા બદલ ઈરાનની નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા શેડો બેન્કિંગ નેટવર્કમાં સામેલ ૧૮ લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધા હતા. ટ્રેઝરી મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું, અમેરિકા સ્વતંત્રતા અને ન્યાય માટે ઈરાનના લોકોની હાકલનું સમર્થન કરે છે.
બીજીબાજુ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાને ગુરુવારે હવાઈ પરિવહન માટે તેની એરસ્પેસ અસ્થાયીરૂપે બંધ કરી દીધી હતી, જેને કારણે વૈશ્વિક સ્તરે નાગરિક એરલાઈન્સનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. અનેક એલાઈન્સ અન્ય માર્ગો પર ડાયવર્ટ થઈ હતી. જોકે, કલાકો પછી ઈરાને ફરી એક વખત તેની એરસ્પેસ ખોલી નાંખી હતી. વધુમાં ઈરાનના વિદેશ મંત્રીએ દેખાવકારોને ફાંસી નહીં આપવાની વાત કરી હતી. ઈરાનના સરકારી મીડિયાએ ગુરુવારે કહ્યું કે, કરાજ શહેરમાં પકડાયેલા દેખાવકારોને ફાંસી નહીં અપાય.
દરમિયાન ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની ધમકી વચ્ચે ઈરાને પણ અમેરિકાને મધ્ય-પૂર્વમાં તેના બધા જ સૈન્ય થાણાં સલામત નહીં હોવાની ચેતવણી આપી હતી. ઈરાને કહ્યું કે, ટ્રમ્પ સૈન્ય કાર્યવાહી કરશે તો અમે મધ્ય-પૂર્વમાં તમામ અમેરિકન સૈન્ય થાણાં પર હુમલા કરીશું.


