હમાસે આઠ નાગરિકોની જાહેરમાં ગોળી મારી હત્યા કરતા તંગદિલી

- હમાસના દાવાના પગલે શાંતિ કરારનો ભંગ
- હમાસના કૃત્યથી ઇઝરાયેલ ભયંકર નારાજ આગામી દિવસોમાં વળતો જવાબ આપવા માટે સજ્જ
ગાઝા : ગાઝામાં હજી શાંતિ કરારનો અમલ શરૂ થયો તે પહેલાં જ હમાસે તેનો ભંગ કર્યો છે. તેણે આઠ પેલેસ્ટાઇનીઓને જાહેરમાં સજા કરતાં ગોળી મારીને અહેસાસ કરાવ્યો છે કે ગાઝામાં હજી પણ અમારું શાસન છે. આમ કરીને તેણે ઇઝરાયેલને પડકાર ફેંક્યો છે કે બે વર્ષના યુદ્ધ છતાં પણ ઇઝરાયેલ ગાઝામાંથી હમાસનું શાસન હટાવી શક્યું નથી.હવે શું ઇઝરાયેલ આનો જવાબ નહીં આપે, ચોક્કસ આપશે.
ઇઝરાયેલ તો ગાઝામાં હમાસનું શાસન છે જ નહીં તેમ માને છે. તેની સામે હમાસે આઠ પેલેસ્ટાઇનીઓને આ રીતે જાહેરમાં મારીને હજી પણ ગાઝામાં તેનો શાસન હોવાનો દાવો કર્યો છે. હમાસે જાહેર કરી દીધું છે કે તે જ ગાઝાપટ્ટી પરના સાચા અધિકારી છે અને પોતાની આ જાહેરાતને સાબિત કરવા તે ગાઝા શહેર અને ગાઝાપટ્ટીમાં આડેધડ ધરપકડો કરી સામૂહિક મૃત્યુ દંડો આપવા લાગ્યું છે.
સોમવારે સાંજે બહાર પડેલા વિડીયો ફૂટેજમાં આઠ નાગરિકોને ગાઝા શહેરના મુખ્ય માર્ગ ઉપર હમાસનાં સભ્યો બેસુમાર માર મારતા દેખાય છે તે પછી તેઓને હાથ-પગ બાંધી ગોઠણભેર બેસાડી દેવાતા જોવા મળે છે. આ પછી હમાસના સભ્યો તેમને ગોળીથી ઠાર મારતા દેખાય છે.
આ આઠે નાગરિકોની હત્યા કરનારા હમાસના આઠે સભ્યોએ માથા ઉપર લીલા પટ્ટાઓ બાંધ્યા હતા, અને પછી 'અલ્લાહ હૂ અકબર' (અલ્લાહ જ મહાન છે) તેવો નારો તેમના નેતાએ જગાવ્યો તે સાથે ધડાધડ ગોળીઓ છૂટી આઠે-આઠ ધરાશાયી થયા તે સમયે આસપાસ ઉભેલા ટોળાએ હર્ષનાદો સાથે ચીચીયારીઓ કરી હતી.
ગાઝા શાંતિ સમજૂતી થઈ ત્યારે તો મીટીંગનું નેતૃત્વ લેનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને શસ્ત્રો સોંપી દેવા કહ્યું હતું ત્યારે મૌખિક રીતે તેઓએ સહમતી દર્શાવી હતી. પરંતુ હકીકતમાં તેમણે એક પણ શસ્ત્ર કે એક પણ ગોળી સમર્પિત કરી નથી.પેલેસ્ટાઇનીઓ પૈકી કેટલાયને હમાસ અને અન્ય લડાયક ટુકડીઓ તે બધાને ડાકુ ટોળીના સભ્યો કહે છે અને ઇઝરાયલના 'ખાંધીયા' કહે છે. તેઓ ઉપર કાનૂની કાર્યવાહી કરી વખત બગાડવા તેઓ માગતા નથી.








