Get The App

દાવોસ ખાતે ટેક દિગ્ગજો એકમત : એઆઈ બબલ નહીં, વિશ્વની જરૂરિયાત

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
દાવોસ ખાતે ટેક દિગ્ગજો એકમત : એઆઈ બબલ નહીં, વિશ્વની જરૂરિયાત 1 - image

- વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં એઆઈ, હ્યુમનોઈડ્સ પર ચર્ચા 

- 2026ના અંત સુધીમાં એઆઈ માણસો કરતા વધુ સ્માર્ટ બનશે : રાજકારણમાં એઆઈનો ઉપયોગ વધશે

દાવોસ : ૨૦૨૫માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વિવિધ શોધો ચર્ચામાં રહી હતી. ૨૦૨૬ની શરૂઆત સાથે એઆઈ બબલ છે કે શું તે મુદ્દે ચર્ચા થઈ રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન વિશ્વભરની ૮૦૦ થી વધુ કંપનીઓના સીઈઓ હાજર રહ્યાં હતાં. તેમની ચર્ચાઓમાં એઆઈ, હ્યુમનોઈડ રોબોટ્સ અને એઆઈ સાથે નોકરીઓ જેવા મુદ્દાઓ છવાઈ ગયા હતા. ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્ક, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, બ્લેકરોકના લેરી ફિંક, એન્થ્રોપિકના ડેરિયો એમોડેઈ સહિતના દિગ્ગજોએ એઆઈ બબલ નહીં પરંતુ, વિશ્વની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

પૃથ્વી પર માણસો કરતા વધુ રોબોટ્સ હશે : મસ્ક 

ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે રોબોટ, રોબોટિક્સ અને રોબોટિક એજન્ટ્સ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, ૨૦૨૬ના અંત સુધીમાં એઆઈ માણસો કરતા વધુ સ્માર્ટ બની જશે. જ્યારે, ૨૦૨૭ના અંત સુધીમાં ટેસ્લા સામાન્ય જનતાને હ્યુમનોઈડ રોબોટ્સ વેચવાનું શરૂ કરશે. આ રોબોટ્સ ફેક્ટરીથી લઈને ઘરના તમામ કામ કરી શકશે. પૃથ્વીના દરેક વ્યક્તિ પાસે એક રોબોટ હશે. માણસો પોતાના બાળકો પર નજર રાખવા તેમજ પાલતુ પ્રાણીઓની કાળજી લેવા માટે રોબોટ્સ ખરીદશે. આ સાથે વૃદ્ધોની કાળજી લેવા માટે પણ રોબોટ્સનો ઉપયોગ થશે. 

સોફ્ટવેર ઈજનેરોની નોકરીઓ બચશે : એન્થ્રોપિકના સીઈઓ

એન્થ્રોપિકના સીઈઓ ડેરિયો એમોડેઈએ પોતાની કંપનીમાં એન્જિનિયર્સનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેઓ કોડ લખવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. ત્યારબાદ, તેમાં પોતે સુધારો કરે છે. એઆઈના ડેવલપમેન્ટ બાદ તેમની પાસે કરવા માટે કોઈ કામ બાકી નહી રહે. પરંતુ, જો સોફ્ટવેર એન્જિનિયર્સ માત્ર ૧૦ ટકા જ કામ કરે છે, તો પણ તેમની પાસે નોકરી હશે.એઆઈ એટલી હદે પાવરફૂલ છે કે, તે પર્સનલ બ્રાન્ડિગ કરી શકે છે. તે વિશ્વની કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમમાં ઘુસીને વિશ્વની દરેક વ્યક્તિ પર નજર રાખી શકે છે. આ સાથે જ આવનારા દિવસોમાં રાજકારણમાં પણ એઆઈનો ઉપયોગ જોવા મળશે. 

એઆઈને કારણે નોકરીઓમાં વધ-ઘટ : જેન્સન હુઆંગ 

એઆઈને કારણે અનેક નોકરીઓ જશે તેવી ભીતિ વચ્ચે યોજાયેલી બેઠકમાં ઘણા સીઈઓએ આ વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, એનવિડીયાના સીઈઓ જેન્સન હુઆંગે કહ્યું કે, એનર્જી સેક્ટર, ચિપ્સ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેયર નોકરીઓનું સર્જન કરી રહ્યાં છે. આ સાથે એઆઈ ઈલેક્ટ્રિશિયન, પલ્મબર, અને સ્ટીલવર્કસ જેવા કારીગરોની નોકરીઓમાં પગારને ઐતિહાસિક સ્તરે લઈ જશે. અમેરિકામાં કેટલાક કામદારોના પગાર બમણા થઈ ગયા છે અને કેટલાક કિસ્સાઓમાં તો છ આંકડાના પગાર જોવા મળી રહ્યાં છે.