તારિક રહેમાન 17 વર્ષ પછી બાંગ્લાદેશ પરત આવ્યા : ભારતે 'ઘર વાપસી'ને ગ્રીન સિગ્નલ આપ્યું

- તારીક વડાપ્રધાન પદ માટેના દાવેદાર : યુનુસ ટેન્શનમાં
- વર્તમાન યુનુસ સરકાર કરતા તારિક સરકાર સારી રહેવાની આશા : તારિક જમાત-એ-ઇસ્લામના વિરોધી છે : હિન્દુઓ પરના હૂમલાને વખોડે છે
ઢાકા : બાંગ્લાદેશમાં લાંબો સમયસુધી શાસન કરનાર પરિવારના ઉત્તરાધિકારી અને વર્તમાનમાં બાંગ્લાદેશમાં સૌથી શકિતશાળી પાર્ટીના કાર્યાવહક પ્રમુખ તારિક રહેમાન ૧૭ વર્ષ પછી સ્વદેશ પાછા ફર્યા છે. તેઓના માતા અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ખલીદા ઝિયા હજી પથારીવશ છે. ત્યારે પાર્ટીના કાર્યવાહ પ્રમુખ પદે રહેલા તારિક રહેમાન આજે લંડનથી ઢાકા આવી પહોંચતાં આશરે ૫૦,૦૦૦ જેટલી માનવ મેદનીએ તેઓને એરપોર્ટ પર તેમજ તેઓની મોટરહેડના માર્ગ ઉપર હર્ષનાદો સાથે ભવ્ય આવકાર આપ્યો હતો.
તારિકનું પુનરાગમન હિંસા પ્રતાપિત બાંગ્લાદેશ માટે નિર્ણાયક મનાય છે. તે સર્વવિદિત છે ક ફેબુ્રઆરી ૨૦૨૬માં બાંગ્લાદેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેઓ ઉભા રહેવાના છે અને વડાપ્રધાન પદ માટે પોતાનો દાવો રજૂ કરશે જ. વર્તમાન પ્રવાહો જોતાં તારિકની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) અત્યારે પણ દેશમાં એક પ્રબળ રાજકીય પક્ષ છે.
તારીકે અહીં (ઢાકા) પહોંચી પોતાની પાર્ટીના અગ્રણી નેતાઓને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે જમાત- એ- ઇસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો ચલાવી શકીએ જ નહીં. તેમને પ્રતિબંધિત કરવા જ જોઈએ. આ સાથે તેઓને લઘુમતિઓ અને વિશેષત: હિન્દુઓ ઉપર થતા હુમલાને વખોડી કાઢયા હતા અને કહ્યું હતું કે દેશના તમામ નાગરિકોને સલામતી સુરક્ષા અને સમાન અધિકારો મળવા જ જોઈએ. વિશેષત: તો ઇંકીલાબ-મંદના નેતા ઉસ્માન હાદમીની હત્યા પછી દેશમાં જ વ્યાપક હિંસા શરૂ થઈ ગઈ અને હિન્દુ યુવકને લોન્ચીંગની બીએનપીએ કડક ટીકા કરી છે.
ઉલ્લેખનીય છે કે ખાલીદા ઝીયા ગંભીર રીતે બિમાર થઈ જતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧લી ડીસેમ્બરે તેઓના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યકત કરવા સાથે ભારત તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે બીએનપીના શાસન અને ખાલીદા ઝીયાના વડાપ્રધાન પદ દરમિયાન ભારત -બાંગ્લાદેશ ના સંબંધો ખટાસ ભર્યા થયા હતા. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ આપેલી તમામ સહાયની ખાતરી દર્શાવે છે કે યુનુસની કટ્ટરપંથી સરકાર કરતાં તારિકની સરકાર વધુ ઇચ્છનીય છે. બીજી તરફ તારિકની લોકપ્રિયતા જોઈ યુનુસ ટેન્શનમાં આવી ગયા છે. તારિક સરકાર આવશે તો યુનુસની કુકરી ઉડી જશે. ભારત તેથી જ તારીકને અત્યારથી ગ્રીન સિગ્લન આપી રહ્યું છે.








