- 'ફેક મીડિયા' અમેરિકાને ટેરિફથી થયેલો લાભ નથી બતાવતું : ટ્રમ્પ
- ટેરિફથી 261 અબજથી 331 અબજ ડોલર વચ્ચે કમાણી થઈ : ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ એજન્સીઓએ ટ્રમ્પના દાવાનો છેદ ઉડાડયો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાને ટેરિફના લીધે ૬૦૦ અબજ ડોલરથી પણ વધુ રકમ મળશે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વના દેશો પર લગાવેલા ટેરિફના કારણે અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં અને આર્થિક રીતે વધુ મજબૂત થયું છે. તેમણે આ અંગે મીડિયા પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ફેક ન્યૂઝ મીડિયા આ પ્રકારની વાતો નહીં લે, કારણ કે તે દેશનો અનાદર કરે છે.
આ મીડિયા ટેરિફના આગામી નિર્ણયોમાં હસ્તક્ષેપ કરવા માંગે છે અને જે અમેરિકન સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાઓમાં એક છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ટેરિફના કારણે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ પહેલાં કરતાં વધુ સમ્માનિત છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સાથે ખોટો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને અમેરિકન ઉત્પાદનો પર વધુને વધુ વેરા લગાવવામાં આવી રહ્યા છે.
જો કે મેક્રોઇકોનોમિક્સ આંકડા ટ્રમ્પના દાવાથી વિપરીત સ્થિતિ રજૂ કરી રહ્યા છે. મેક્રોઇકોનોમિક્સ આંકડા મુજબ ટેરિફના લીધે અમેરિકાની આવક ઓક્ટોબરમાં ૩૪.૨ અબજ ડોલરની ટોચ પર પહોંચી હતી, તેના પછી નવેમ્બરમાં ટેરિફની આવક ઘટીને ૩૨.૯ અબજ ડોલર અને ડિસેમ્બરમાં તો ૩૦.૨ અબજ ડોલર જ થઈ ગઈ હતી. આ બતાવે છે કે ટ્રમ્પના ટેરિફના લીધે આવક સતત વધશે તેવી જ આશા સેવવામાં આવતી હતી તેવું બની રહ્યું નથી. આવક સતત ઘટવા માંડી છે. તે સળંગ બે મહિના ઘટી છે, એમ પેન્થિયોનના આંકડા દર્શાવે છે.
જ્યારે સ્વતંત્ર રિસર્ચ દર્શાવે છે કે ટ્રમ્પ દાવો કરે છે તેનાથી સ્થિતિ એકદમ વિપરીત છે. બાયપાર્ટિસન પોલિસી સેન્ટરના અંદાજ મુજબ ટરિફ વડે ૨૦૨૫માં ૨૮૮ અબજ ડોલર ઊભા કર્યાનો અંદાજ છે. જ્યારે પોલિટિકો તો આ આંકડો ૨૬૧ અબજ ડોલર જ મૂકે છે. જ્યારે સેન્ટ લુઇસ ફેડ ટ્રેકરનું કહેવું છે કે ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં દરેક પ્રકારના વેરાની મદદથી ૩૩૧ અબજ ડોલરની આવક થઈ હતી, જો કે આ કલેકશન પણ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ઘટાડો દર્શાવે છે. જ્યારે બાયપાર્ટિસન પોલિસી સેન્ટર મુજબ ક્યુમ્યુલેટિવ ધોરણે સરકારની ખાધ ૪૩૯ અબજ ડોલર છે. દેશ પરનો કુલ ઋણબોજ ૩૮.૫ લાખ કરોડ ડોલરને વટાવી ગયો છે.
લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ 15 ટકા રાખવા પર 145 દેશો સંમત
નવી દિલ્હી : અમેરિકન કંપનીઓ પર જંગી ટેક્સ. લગાવવામાં આવે છે અને તેના કારણે તેને પ્રોડક્ટ વેચવી અશક્ય થઈ જાય છે તેવી ડોનાલ્ડ ટ્રમ્પની ફરિયાદનું સમાધાન મળી ગયું છે. વિશ્વના ૧૪૫ દેશોએ લઘુત્તમ કોર્પોરટ ટેક્સમાં સંશોધન મુદ્દે સંમતિ દાખવી છે. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઇસીડી)એ જણાવ્યું હતું કે નવા પેકેજમાં ૧૫ ટકાના વૈશ્વિક લઘુત્તમ ટેક્સના માળખાને જાળવી રાખવામાં આવ્યું છે. આ માળખુ એટલા માટે બનાવાયું છે કેમકે બહુરાષ્ટ્રીય કંપનીઓ જ્યાંથી તેનું સંચાલન થાય છે ત્યાં એક નિશ્ચિત કર ચૂકવણી કરે. ઓઇસીડીના પ્રમુખ મેથિયાસ કોરમેને જણાવ્યું હતું કે આ કરપ્રણાલિ ટેક્સ સાથે સંલગ્ન નિશ્ચિતતાને વધારે છે અને જટિલતાને ઘટાડે છે. તે કર આધારોનું રક્ષણ કરે છે. ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં ૬૫થી વધુ દેશોએ ૨૦૨૧ની વૈશ્વિક કર સમજૂતીને લાગુ કરવાનું શરૂ કરી દીધું હતું.


