ચીન પરનો ટેરિફ 145 ઘટાડી 80 ટકા કરવાની ફરજ પડી
- યુએસ કન્ઝ્યુમર ગૂડ્સની સપ્લાય ચેન ખોરવાઈ જવાનો ડર
- ટ્રમ્પની 'ફાંકા ફોજદારી'નો ફુગ્ગો ફૂટયો
- વેપાર મંત્રણામાં પ્રગતિ ન થઈ તો આગામી મહિનામાં બંને દેશ વચ્ચેના વેપારમાં વધુ ઘટાડો થવાની શક્યતા
- ચીને ટેરિફનો તોડ શોધ્યો : બીજા દેશો સાથેના વેપારમાં વધારો કરીને ટેરિફને લઈને સ્થિતિ વકરવા ન દીધી
વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે ૧૪૫ ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી ૮૦ ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો નથી અને અમેરિકન પ્રોડક્ટ્સ પર તેનો ૧૨૫ ટકાનો રેટ જારી જ રાખ્યો છે.
ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી ટ્રેડ વોર શરૂ કરી તેના પછી અમેરિકા અને ચીન વચ્ચેના પ્રતિનિધિઓ પહેલી વખત સ્વિટ્ઝરલેન્ડમાં મળી રહ્યા છે. ટ્રમ્પે શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ચીન પર ૮૦ ટકા ટેરિફ યોગ્ય છે. ટ્રેઝરી ચીફ સ્કોટ બેસન્ટને ટાંકીને ટ્રમ્પે આમ જણાવ્યું હતું. ટ્રમ્પે આ ઉપરાંત ચીને અમેરિકન પ્રોડક્ટ્સ માટે તેનું બજાર ખોલવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના માટે ખુલ્લુ બજાર યોગ્ય હશે, બજારનું એક્સેસ બંધ કરવાથી તેમને કોઈ ફાયદો નહીં થાય.
બેસેન્ટ અને જેમિસન ગ્રીયર સ્વિટ્ઝરલેન્ડમાં ચીનના વેપાર પ્રતિનિધિઓને મળશે. આ બેઠક તેવા સમયે યોજાઈ રહી છે જ્યારે ટ્રમ્પના ટેરિફના લીધે અમેરિકન માર્કેટમાં કન્ઝ્યુમર ગૂડ્સની સપ્લાય ચેઇન ખોરવાઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રમ્પના ટેરિફથી સૌથી વધુ અસર પડી હોય તો તે ચીનને પડે છે. તે વિશ્વનું સૌથી મોટું નિકાસકાર છે અને બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે.ટ્રમ્પે બીજી એપ્રિલથી ચીન પર ટેરિફ નાખ્યો હતો, ચીને પણ અમેરિકા પર વળતો ટેરિફ નાખ્યો હતો. ટ્રમ્પ તેના દ્વારા વૈશ્વિક બજારમાં ચીનને એકલું પાડવા માંગતા હતા, પરંતુ તેમા તેમને સફળતા મળી ન હતી.
ચીનની અમેરિકા સાથે નિકાસ ઘટી તે જ સમયે તેની બીજા દેશોમાં નિકાસ વધી હતી. ગયા મહિને ચીનની નિકાસ વાર્ષિક ધોરણે ૮.૧ ટકા વધી હતી. જ્યારે વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે ચીનની નિકાસ માંડ બે ટકા વધશે. ચીને બધાને ખોટા પાડયા હતા. આમ તેણે દર્શાવી દીધું હતું કે તેણે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફનો તોડ શોધી લીધો છે. જો કે માર્ચમાં ચીનની નિકાસ વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકાના દરે વધી હતી. ટ્રમ્પે ચીનથી અમેરિકામાં થતી નિકાસ પર લાદેલા ૧૪૫ ટકા ટેરિફના લીધે એપ્રિલમાં ડોલરના સંદર્ભમાં તેની નિકાસમાં ૨૧ ટકાનો ઘટાડો થયો હતો.
જ્યારે ચીને અમેરિકા પર ૧૨૫ ટકાના દરે ટેરિફ લાદ્યો છે. ચીનની અમેરિકાથી આયાત વાર્ષિક ધોરણે ૧૩ ટકા ઘટી છે, જ્યારે અમેરિકા સાથેની વેપાર અનામત એપ્રિલમાં ૨૦.૫ અબજ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૭.૨ અબજ ડોલર હતી. આનો સીધો અર્થ એમ પણ કરી શકાય કે અમેરિકામાં ચીનની નિકાસ આગામી મહિનાઓમાં વધુ ઘટતી રહેશે.