ટેરિફ-ટ્રેડ વોરે વૈશ્વિક વૃદ્ધિને બ્રેક મારી વર્લ્ડ ઇકોનોમી ગ્રોથ ઘટીને 2.3 ટકા થશે
વર્લ્ડ બેન્કનો દ્વિવાર્ષિક અહેવાલ
અમેરિકાના અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટીને અડધો 1.4 ટકા થઈ જશે, ચીન, યુરોપ ભારત બધાની વૃદ્ધિ ઘટશે
વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે ગયા વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર ૨.૮ ટકા હતો. વર્લ્ડ બેન્કના દ્વિવાર્ષિક વૈશ્વિક આર્થિક સંભાવનાના છેલ્લા અહેવાલમાં તેના મુખ્ય અર્થશાસ્ત્રી ઇન્દરમિત ગીલે ચેતવણી આપી હતી કે વિમાન એર ટર્બ્યુલન્સમાં સપડાય તેવી જ સ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્ર સપડાઈ ગયું છે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જીવનધોરણે પર કલ્પી ન શકાય તેવો ફટકો પડશે.
અમેરિકાની આર્થિક સંભાવના પર ટ્રમ્પની અતાર્કિક અને આક્રમક વેપાર નીતિઓના ઘેરા વાદળ છવાયેલા છે. તેમા વિશ્વના દરેક દેશમાંથી થતી આયાત પર ૧૦ ટકા ટેક્સ કે ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પના આ પ્રકારના વેરાની અને તેની સામે બીજા દેશોએ તેના પર નાખેલા વેરાની વિપરીત અસર પડી છે.
વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર ચીન ચાલુ વર્ષે સાડા ચાર ટકાનો વૃદ્ધિદર દર્શાવશે તેમ વર્લ્ડ બેન્કનું માનવું છે. ચીને ૨૦૨૪માં પાંચ ટકાનો વૃદ્ધિદર દર્શાવ્યો હતો. જ્યારે ૨૦૨૬માં ચીન ચાર ટકાનો વૃદ્ધિદર દર્શાવશે તેવી આગાહી વર્લ્ડ બેન્કે કરી છે. આ ઉપરાંત યુરોપીયન યુનિયન એટલે કે ૨૦ દેશોના બ્લોક ચાલુ વર્ષે ફક્ત ૦.૭ ટકાના દરે વૃદ્ધિ દર્શાવશે, જે ગયા વર્ષના ૦.૯ ટકા કરતાં પણ ઘટાડો દર્શાવે છે. ટ્રમ્પના ટેરિફના લીધે યુરોપીયન નિકાસને મોટો ફટકો પડયો હોવાનું માનવામાં આવે છે.
વિશ્વનું સૌથી ઝડપથી વિકસનું ભારતીય અર્થતંત્ર ૬.૩ ટકાનો વૃદ્ધિદર દર્શાવશે, પરંતુ તે પણ ગયા વર્ષના ૬.૫ ટકાની તુલનાએ ઘટાડો દર્શાવે છે. આ પહેલા વલ્ડ બેન્કે જાન્યુઆરીમાં જ ભારતીય અર્થતંત્ર ૬.૭ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી આગાહી કરી હતી. જાપાનનો આર્થિક વૃદ્ધિદર આ વર્ષે ૦.૨ ટકાથી વધીને ૦.૭ ટકા થશે તેમ મનાય છે, પરંતુ તે પણ વર્લ્ડ બેન્કના જાન્યુઆરીના ૧.૨ ટકાની વૃદ્ધિના અંદાજ કરતાં ઓછો છે.