ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અને દુનિયામાં દહેશત: તમારી વાર્ષિક કમાણીમાં થશે આટલા રૂપિયાનો ઘટાડો
Tariff Impact on India: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં વિશ્વભરના દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી છે. તેને રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવી રહ્યો છે, તેનો અર્થ એ છે કે, અમેરિકા હવે બીજા દેશો પાસેથી પણ એટલો જ ટેરિફ વસૂલશે જેટલો તેઓ અમેરિકા પર લગાવે છે. ટ્રમ્પના આ નિર્ણયથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ છે. અનેક દેશોની અર્થવ્યવસ્થા પર તેની ઊંડી અસર પડી શકે છે પરંતુ ભારત માટે આ સમાચાર કેટલાક અંશે રાહત ભર્યા પણ હોઈ શકે છે.
વાસ્તવમાં અમેરિકાએ તમામ દેશો પર 10%નો બેઝ ટેરિફ લગાવ્યો છે. આ ઉપરાંત ભારત પર 26%નો વધારાનો ટેરિફ લાગશે. ચીન પર 34%, વિયેતનામ પર 46% અને બાંગ્લાદેશ પર 37%નો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. આ ઉપરાંત ઈન્ડોનેશિયા પર 32%, યુરોપિયન યુનિયન પર 20% અને જાપાન પર 25% ટેરિફ લાદવામાં આવશે. આ ટેરિફ હોવા છતાં મોટાભાગના દેશોની સરખામણીમાં ભારતની નિકાસ અમેરિકામાં સસ્તી રહેશે, કારણ કે પ્રથમ તો સ્પર્ધાત્મક દેશોના ભારતીય માલ પર ઓછો ટેક્સ લાગશે અને બીજું કે જે દેશો પર ભારત કરતાં ઓછો ટેરિફ વસૂલવામાં આવે છે તેની તુલનામાં ભારતની વસ્તુ સસ્તી છે.
ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકા દર વર્ષે 1.2 ટ્રિલિયન ડોલરની વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે, જેનો અર્થ એ છે કે અમેરિકા જેટલી વસ્તુ વેચે છે તેના કરતા વધારે ખરીદે છે. તેને ઘટાડવા માટે ટ્રમ્પે આ પગલું ભર્યું છે. પરંતુ સવાલ એ છે કે ભારત જેવા દેશો માટે તે કેટલું નુકસાનકારક છે અથવા ફાયદાકારક છે? ભારત પર 26% ટેરિફ લાગ્યો છે, જે અન્ય ઘણા દેશો કરતા ઓછો છે. ઉદાહરણ તરીકે વિયેતનામ પર 46% ટેરિફ અને ચીન પર 34% ટેરિફ લગાવ્યો છે. આ દેશો અમેરિકાને ભારતમાંથી નિકાસ થતી ઘણી વસ્તુઓમાં ટક્કર આપે છે.
આવી સ્થિતિમાં ભારત આ સ્થિતિમાં થોડું મજબૂત દેખાય રહ્યું છે. આ આત્મવિશ્વાસનું એક મોટું કારણ એ પણ છે કે ભારત અને અમેરિકા એક દ્વિપક્ષીય વેપાર કરાર વિશે વાત કરી રહ્યા છે. જો આ કરાર થાય તો ભારતને આ ટેરિફમાંથી રાહત મળી શકે છે. ઉપરાંત ભારતીય નિકાસકારોને ચીન અને વિયેતનામ જેવા તેમના સ્પર્ધકોની તુલનામાં ફાયદો થઈ શકે છે કારણ કે તેમની પાસે ઊંચા ટેરિફ છે.
આ પણ વાંચો: દુનિયાભરના શેરબજારમાં હાહાકાર છતાં ટ્રમ્પ ટસના મસ નહીં, કહ્યું- અમુક વખત 'દવા' લેવી પડે
કયા સેક્ટર્સ પર થશે અસર?
ભારતે એપ્રિલ-ફેબ્રુઆરી 2025 દરમિયાન ભારતે અમેરિકાને 395.63 બિલિયન ડોલરના માલની નિકાસ કરી હતી, એટલે કે ભારત માટે અમેરિકા સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે. આવી સ્થિતિમાં ટેરિફ વધવાથી ભારતના જે સેક્ટર્સ પ્રભાવિત થવાની આશંકા છે તેમાં ટેક્સટાઈલ અને કપડાં, આઈટી-ઈલેક્ટ્રોનિક્સ અને માછલી અને ચોખા જેવા કૃષિ ઉત્પાદનો સામેલ છે. ઉદાહરણ તરીકે ભારત દર વર્ષે અમેરિકાને 8 બિલિયન ડોલરના કપડાં અને 5 બિલિયન ડોલરના કૃષિ ઉત્પાદનો મોકલે છે. 26% ટેરિફના કારણે તેના ભાવ વધશે જેના કારણે થોડું નુકસાન થઈ શકે છે. પરંતુ સારી વાત એ છે કે બાંગ્લાદેશ પર 37% અને વિયેતનામ પર 46% ટેરિફ છે. આવી સ્થિતિમાં અમેરિકામાં ભારતીય કપડાં સસ્તામાં મળી શકે છે.
વાર્ષિક કમાણીમાં થશે આટલા રૂપિયાનો ઘટાડો
અર્થતંત્ર પર આ ટેરિફની ખૂબ ઊંડી અસર નહીં પડે અને આ પગલાથી ભારતના GDPમાં માત્ર 0.19%નો ઘટાડો થવાની ધારણા છે, કારણ કે વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 2.4% છે. જો આપણે પ્રતિ પરિવાર પર આ અસરને ધ્યાનમાં લઈએ તો વાર્ષિક રૂ. 2396નું નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં ભારતની સ્થાનિક માંગ ખૂબ જ મજબૂત છે, જેના કારણે આપણી અર્થવ્યવસ્થા 6.5-7.5%ના રફ્તારથી વધતી રહેશે. HDFC બેંક અને ડેલોઈટ જેવી સંસ્થાઓનું માનવું છે કે ભારતને 'ટેરિફ આર્બિટ્રેજ'નો લાભ મળશે, એટલે કે આપણી વસ્તુઓ અન્ય કરતા સસ્તી રહેશે.
અમેરિકામાં સ્ટેગફ્લેશનનું જોખમ!
પરંતુ બાકીના વિશ્વ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે. આ ટેરિફ અમેરિકામાં ફુગાવો વધારી શકે છે. જો ડોલરનું મૂલ્ય નહીં વધે તો ત્યાંના લોકો 26% વધુ મોંઘા ભાવે વસ્તુ ખરીદશે. આનાથી અમેરિકામાં 'સ્ટેગફ્લેશન'નું જોખમ છે, એટલે કે ફુગાવો વધશે અને વૃદ્ધિ અટકી જશે. જવાબી કાર્યવાહીમાં ટેરિફ લગાવવા પર યુરોપ અને એશિયા જેવા પ્રદેશોને પણ નુકસાન થશે. આ ભારત માટે નવા બજારો તલાશવાની અને યુરોપિયન યુનિયન અથવા ગલ્ફ દેશો સાથે વેપાર વધારવાની તક છે. આ ઉપરાંત ભારતની વ્યૂહરચનામાં સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ સમાવેશ થાય છે. જો ભારત અમેરિકા, યુકે, બહેરીન, કતાર સાથે ટ્રેડ ડીલ કરવામાં સફળ થાય છે તો કાપડ, ઈલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર સેક્ટરને ફાયદો મળી શકે છે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ
ટેરિફનું ટેન્શન ઓછું થશે?
ભારત સરકાર પણ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. સ્થાનિક ઉદ્યોગોને બચાવવા અને ડમ્પિંગ અટકાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકા સાથે ટ્રેડ ડીલ જલ્દી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેરિફ ભારત માટે એક તક પણ છે. ઉદાહરણ તરીકે ભારત કાપડ અને ઈલેક્ટ્રોનિક્સમાં પોતાનો હિસ્સો વધારી શકે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે ભારત આગામી 2-3 વર્ષમાં 50 બિલિયનનું બજાર મળી શકે છે. એકંદરે જ્યારે વિશ્વ ટ્રમ્પના ટેરિફથી ચિંતિત છે, ત્યારે ભારત માટે એક પડકારની સાથે તે એક તક પણ છે. આ બદલાતા વ્યવસાયિક માહોલમાં આપણે આગળ વધી શકીએ તે માટે સરકાર અને નિકાસકારોએ સાથે મળીને નવી વ્યૂહરચના બનાવવી પડશે.