Get The App

'ભારત-ચીન પર 100 ટકા ટેરિફ ન લગાવી શકીએ...', EUએ ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવ્યો

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
'ભારત-ચીન પર 100 ટકા ટેરિફ ન લગાવી શકીએ...', EUએ ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવ્યો 1 - image


Tariff War: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કહ્યું હતું કે જો યુક્રેન યુદ્ધ રોકવું હોય તો ભારત અને ચીન પર 100% ટેરિફ લગાવી દો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે યુરોપિયન યુનિયને ટ્રમ્પના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. તાશે અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને ટાંકીને આ માહિતી આપી છે. યુરોપિયન યુનિયન કહે છે કે તે ટેરિફ વોરને કોઈપણ દેશ પર પ્રતિબંધો લાદવાનું સાધન માનતું નથી.

અહેવાલ મુજબ, ટ્રમ્પે મંગળવારે વોશિંગ્ટનમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનના અધિકારીઓની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. ટ્રમ્પનો ઉદ્દેશ્ય રશિયા પર દબાણ વધારવાનો હતો. તેમનું માનવું છે કે ભારત દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા અને ચીન દ્વારા રશિયાના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરવામાં આવે છે. તેથી, તેઓ ઇચ્છતા હતા કે, આ દેશો પર આર્થિક દબાણ વધારીને રશિયાને નબળું પાડવામાં આવે. જોકે, યુરોપિયન યુનિયને ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે ટેરિફ લાદવું તેમના માટે દંડાત્મક ઉપાય નથી. યુરોપિયન યુનિયને કહ્યું છે કે વેપાર નીતિનો ઉપયોગ રાજકીય વિવાદો માટે હથિયાર તરીકે ન કરવો જોઈએ.

ચીની કેટલીક કંપનીઓને નિશાન બનાવવાની તૈયારીઓ

હાલમાં, યુરોપિયન યુનિયન રશિયા પર નવા પ્રતિબંધોના 19મા તબક્કા પર કામ કરી રહ્યું છે. આ તબક્કામાં રશિયાને મદદ કરતી કેટલીક વિદેશી કંપનીઓને નિશાન બનાવવામાં આવશે. તેમ છતાં યુરોપિયન યુનિયનમાં રાજકીય મતભેદોને કારણે, ઓઇલ અને ગેસની ખરીદી પર વધારાના પ્રતિબંધો લાદવાની શક્યતા ઓછી માનવામાં આવે છે. અગાઉ, ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, EU ચીન અને રશિયા પાસેથી ઓઇલ અને ગેસ ખરીદતા અન્ય ત્રીજા દેશો પર પ્રતિબંધો લાદવાની ચર્ચા કરી રહ્યું છે. અહેવાલ મુજબ, 7 સપ્ટેમ્બરથી યુરોપિયન અધિકારીઓ અને રાજદ્વારીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ છે, જેમાં આ પ્રતિબંધોનો સમાવેશ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. વાતચીત દરમિયાન ચીન સામે ગૌણ પ્રતિબંધોનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો હતો.

સંતુલન જાળવવાનો પ્રયાસ

યુરોપિયન યુનિયનનું આ વલણ દર્શાવે છે કે તે તેના વેપાર સંબંધો અને રાજકીય હિતો વચ્ચે સંતુલન જાળવવા માગે છે. EU માને છે કે ભારત અને ચીન જેવા મુખ્ય ભાગીદાર દેશો પર આર્થિક પ્રતિબંધો લાદવાથી વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન પર નકારાત્મક અસર પડી શકે છે. ઉપરાંત, EU ઇચ્છતું નથી કે વેપાર નીતિને ભૂ-રાજકીય વિવાદોનો ભાગ બનાવવામાં આવે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પની યોજના રશિયાને પ્રભાવિત કરવા માટે દબાણ વધારવાની વ્યૂહરચના હતી. તેમનો ઉદ્દેશ્ય ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાથી અને ચીનને આર્થિક સહાય આપતા અટકાવવાનો હતો. પરંતુ EU ની ચિંતા એ છે કે આવા પગલાથી ઊર્જાના ભાવ વધી શકે છે અને વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી શકે છે.

Tags :