World

'પાકિસ્તાનની માગ અયોગ્ય, અમે યુદ્ધ નથી ઈચ્છતા અને જો થયું તો...' તાલિબાનની સ્પષ્ટ ધમકી

By GS TEAM
9 Nov 20252 mins read
TukuTouch Logo
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તુર્કિયે અને કતારની મધ્યસ્થીથી ઇસ્તંબુલમાં ચાલી રહેલી શાંતિ મંત્રણાનો અંતિમ દોર પણ નિષ્ફળ ગયો છે. મંત્રણા નિષ્ફળ જવા માટે અફઘાનિસ્તાને પાકિસ્તાનની "ગેરવાજબી માંગણીઓ"ને જવાબદાર ઠેરવી છે. શનિવારે તાલિબાન સરકારે કડક વલણ અપનાવતા કહ્યું કે જો યુદ્ધની સ્થિતિ સર્જાશે તો તેમની પાસે પોતાની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'પાકિસ્તાનની માગ અયોગ્ય, અમે યુદ્ધ નથી ઈચ્છતા અને જો થયું તો...' તાલિબાનની સ્પષ્ટ ધમકી

Pakistan and Taliban News :   અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તુર્કિયે અને કતારની મધ્યસ્થીથી ઇસ્તંબુલમાં ચાલી રહેલી શાંતિ મંત્રણાનો અંતિમ દોર પણ નિષ્ફળ ગયો છે. મંત્રણા નિષ્ફળ જવા માટે અફઘાનિસ્તાને પાકિસ્તાનની "ગેરવાજબી માંગણીઓ"ને જવાબદાર ઠેરવી છે. શનિવારે તાલિબાન સરકારે કડક વલણ અપનાવતા કહ્યું કે જો યુદ્ધની સ્થિતિ સર્જાશે તો તેમની પાસે પોતાની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે.

અમે યુદ્ધ નથી ઈચ્છતા : તાલિબાન 

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, "અમે આ ક્ષેત્રમાં અસુરક્ષા નથી ઈચ્છતા અને યુદ્ધમાં ઉતરવું એ અમારી પ્રથમ પસંદગી નથી. પરંતુ જો યુદ્ધ થશે, તો અમને અમારી રક્ષા કરવાનો અધિકાર છે." તેમણે સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન કોઈને પણ પોતાની ધરતીનો ઉપયોગ બીજા દેશ વિરુદ્ધ કરવા દેશે નહીં.

પાકિસ્તાનનું આક્રમક વલણ

મંત્રણા નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ ચેતવણી આપી છે કે જ્યાં સુધી અફઘાનિસ્તાન તરફથી કોઈ ઉલ્લંઘન નહીં થાય ત્યાં સુધી જ યુદ્ધવિરામ ચાલુ રહેશે. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે જો મંત્રણા નિષ્ફળ જશે તો માત્ર યુદ્ધ જ થશે. પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તરારે કહ્યું કે પાકિસ્તાન શાંતિ અને સ્થિરતાને મહત્વ આપે છે, પરંતુ પોતાના લોકોની સુરક્ષા માટે "જરૂરી" પગલાં લેશે.

સરહદી અથડામણ અને મંત્રણાનો ઘટનાક્રમ

બંને દક્ષિણ એશિયાઈ પાડોશી દેશો વચ્ચે ઓક્ટોબર મહિનાથી તણાવ ચરમસીમાએ છે. કાબુલમાં થયેલા બેવડા વિસ્ફોટો માટે અફઘાનિસ્તાને પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. તેના થોડા દિવસો બાદ, તાલિબાને પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર "પ્રતિશોધાત્મક" હુમલો કરવાનો દાવો કર્યો અને 58 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનું કહ્યું. જોકે, પાકિસ્તાને માત્ર 23 સૈનિકોના મોતની પુષ્ટિ કરી હતી.

અનેક ભીષણ અથડામણો થઇ 

ભીષણ સરહદી અથડામણ બાદ, બંને પક્ષો 48-કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, પરંતુ પાકિસ્તાની દળોએ અફઘાન વિસ્તારમાં હવાઈ હુમલા કરતા તણાવ ફરી ભડક્યો હતો. આ હુમલામાં ત્રણ સ્થાનિક અફઘાન ક્રિકેટરો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. ત્યારબાદ કતાર અને તુર્કિયેની દખલગીરી બાદ લડાઈ અટકી હતી અને શાંતિ મંત્રણા શરૂ થઈ હતી, જે હવે ફરી એકવાર નિષ્ફળ ગઈ છે.