પાક. પર તાલિબાન ત્રાટક્યુ : 19 સૈનિકો ઠાર, બે ચોકી કબજે કરી
- અફઘાનિસ્તાને પાક.ને આપેલી ધમકીનું પાલન કર્યું
- રશિયા-યુક્રેન, ઇઝરાયેલ-ગાઝા,લેબનોન પછી હવે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના મંડાણ થયા
- પાક.ની એરસ્ટ્રાઇકમાં અફઘાનિસ્તાનમાં 51ના મોત થયા હતા, અફઘાનિસ્તાન ટીટીપીના આતંકવાદીઓને પોસતું હોવાનો પાક.નો આરોપ
કાબુલ : પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી ૫૧ને મોત ઉતારવાનું ભારે પડી ગયું છે. અફઘાનિસ્તાને પાક.ને ધમકી આપી હતી કે અમે બદલો લઇશુંઅને તેનું પાલન કરતાં શનિવારે હુમલો કરી પાક.ના ૧૯ સૈનિકો ઠાર કર્યા છે અને તેની બે ચોકી પણ કબ્જે કરી લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે અફઘાનિસ્તાનના આ હુમલાને પાક.ના જ ખૈબરપખ્તુનવા પ્રાંતમાંથી ભરપૂર સમર્થનમળ્યું છે.
અફઘાનિસ્તાનના તાલિબાની લડાકુઓએ પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઇકનો બદલો લેતા શનિવારે બપોરે ચાર વાગે એટલે કે ધોળા દિવસે હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાનની આ હિંમતથી પાકિસ્તાન દંગ રહી ગયું છે. તાલિબાની લડાકુઓના હુમલાના લીધે સ્થિતિ એવી આવી છે કે પાકિસ્તાની લશ્કરે પાછું પડવું પડયું છે. તાલિબાનનો દાવો છે કે તેણે ૧૯ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. જ્યારે પાક. વિદેશ મંત્રાલયે આ મુદ્દે ચુપ્પી સાધી છે. આમ રશિયા-યુક્રેન, ઇઝરાયેલ-ગાઝા-લેબનોન, સીરિયામાં અસદના સત્તાપલટા પછી વધુ એક યુદ્ધના મંડાણ થયા છે.
તાલિબાની સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ડુરંડ લાઇન નજીક પાકટિઆ અને ખોસ્ત વિસ્તારમાં આ સંઘર્ષ થયો. આ હુમલામાં અફઘાની લડાકુઓએ પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો એટલું જ નહીં તેને સળગાવીને ખાખ કરી દીધી. તાલિબાની લડાકુઓનો આ હુમલો એટલો ભયાનક હતો કે પાકિસ્તાની લશ્કર માટે પીછેહઠ કર્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
પાકિસ્તાની તેનો ગુસ્સો અને કચવાટ બતાવતા સરહદ પર રહેતા નાગરિકો પર મોર્ટારથી હુમલો કરતાં ત્રણ નાગરિકોના મોત થયા હતા. અહેવાલ મુજબ હજી પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફાયરિંગ ચાલુ છે. પાક. લશ્કરે આ અંગે કોઈ નિવેદન કરવાનું ટાળ્યું છે. અફઘાની દળોએ ખોસ્ત પ્રાંતના અલી શેર જિલ્લામાં કેટલીય પાકિસ્તાની ચોકીઓને આગના હવાલે કરી છે.
પાકિસ્તાન સતત આરોપ લગાવતું રહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા પછી પાકિસ્તાન પર સતત આતંકવાદી હુમલા વધી રહ્યા છે. પાક.નું માનવું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સફળતાથી પાક.ના આતંકવાદી સંગઠન ટીટીપીને પણ પ્રોત્સાહન મળ્યુ છે. હવે તે પાકિસ્તાનમાં પણ તાલિબાન જેવું ઇસ્લામિક શાસન લાવવા માંગે છે. પાક.માં ૨૦૨૩માં આતંકવાદી હુમલામાં મરનારાઓની સંખ્યા ૨૦૨૨ની તુલનાએ ૫૬ ટકા વધી ગઈ હતી. હુમલામાં ૧,૫૦૦થી વધુ માર્યા ગયા હતા અને તેમા ૫૦૦થી વધુ તો સુરક્ષા કર્મી હતા. પાક.ના આરોપને અફઘાનિસ્તાનનું તાલિબાની શાસન સતત નકારતુ રહ્યુ છે. તેણે સતત કહેતું રહ્યુ છે કે તે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ સામે નહીં થવા દે. પણ પાક.ના સતત આરોપના લીધે બંને દેશ વચ્ચેના સંબંધ બગડયા છે. પાકે. કરેલી એરસ્ટ્રાઇક બતાવે છે કે બંને વચ્ચેના સંબંધો ક્યાં પહોંચી ગયી છે. તેમા પણ હવે અફઘાનિસ્તાને વળતી કાર્યવાહી કરતાં ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળશે તો આશ્ચર્ય નહી થાય.