Get The App

તાલિબાનમાં ડખો : સુપ્રીમ લીડર મુલ્લા અખુંદજાદાની હત્યા, મુલ્લા બરાદર બંધક

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ મુદ્દે હક્કાની અને યાકૂબ જૂથમાં સંઘર્ષ ચરમસીમાએ

તાલિબાનોએ નવા મંત્રી, નાયબ મંત્રીઓ સાથે કેબિનેટનું વિસ્તરણ કર્યું : આંતરરાષ્ટ્રીય દબાણ છતાં સરકારમાં મહિલાઓને પ્રતિનિધિત્વ નહીં

Updated: Sep 21st, 2021

GS TEAM

Google News
Google News
તાલિબાનમાં ડખો : સુપ્રીમ લીડર મુલ્લા અખુંદજાદાની હત્યા, મુલ્લા બરાદર બંધક 1 - image


કાબુલ, તા. ૨૧

અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા પછી હવે તાલિબાનમાં આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. સત્તાની આ લડાઈમાં તાલિબાનોએ તેના જ સુપ્રીમ લીડર અખુંદજાદાની હત્યા કરી નાંખી છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરને બંધક બનાવી લેવાયા હોવાનો બ્રિટનના એક મેગેઝીને દાવો કર્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ઈસ્લામિક અમિરાત સરકારમાં આંતરિક સંઘર્ષનું મૂળ કારણ પાકિસ્તાન છે. તાલિબાનોના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર અને વર્તમાન સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકુબનું જૂથ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ નથી ઈચ્છતું જ્યારે હક્કાની જૂથ પાકિસ્તાનના પ્રભુત્વ હેઠળ કામ કરવા માગે છે.

બ્રિટનના મેગેઝીને દાવો કર્યો છે કે તાલિબાનની ઈસ્લામિક અમિરાત સરકારના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુંદજાદાને ઘણા સમયથી કોઈએ જોયો નથી અને તેનો સંદેશો પણ જાહેર કરાયો નથી. તાલિબાનોમાં હાલ ચાલી રહેલો આંતરિક સંઘર્ષ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આવા સમયમાં પણ અખુંદજાદાની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. 

તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રી મુલ્લા યાકૂબનું કંદહારી જૂથ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની કોઈ દખલ ઈચ્છતું નથી. જ્યારે આઈએસઆઈ અફઘાનિસ્તાનને પાકિસ્તાનના કબજાવાળા ક્ષેત્રના રૂપમાં રાખવા માગે છે. આઈએસઆઈનું હક્કાની જૂથ પર પ્રભુત્વ છે. પરીણામે યાકૂબનું જૂથ કંદહારમાંથી સંચાલન કરી રહ્યું છે જ્યારે હક્કાની જૂથે કાબુલ પર પક્કડ જમાવી છે. આઈએસઆઈનું ગુલામ હક્કાની નેટવર્ક સરકારમાં કોઈપણ અન્ય સમાજની સત્તામાં ભાગીદારી ઈચ્છતું નથી. તેણે તેમની સરકારમાં મહિલાઓની ભાગીદારી પહેલાંથી જ ફગાવી દીધી છે. હાલ હક્કાની નેટવર્ક સંપૂર્ણપણે આઈએસઆઈના ઈશારે ચાલી રહ્યું છે.

બીજીબાજુ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દળોને પાછા ખેંચવા માટેના શાંતિ કરારમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુલ્લા અબ્દુલ ગની બરાદર અમેરિકા, કતાર, બ્રિટન સાથેના કરારોનું સન્માન કરીને સરકારમાં લઘુમતીઓ અને મહિલાઓને પ્રતિનિધિત્વ આપીને સમાવેશક સરકાર બનાવવા દબાણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ પ્રકારની સરકારની રચનાથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે તાલિબાનોની સરકારને માન્યતા મળી શકશે.

દરમિયાન તાલિબાનોએ તેની વચગાળાની કેબિનેટનું વિસ્તરણ કરીને નવા મંત્રીઓ અને નાયબ મંત્રીઓની જાહેરાત કરી છે. જોકે, લઘુમતીઓ અને મહિલાઓના સમાવેશ સાથેની સમાવેશક સરકાર બનાવવાના આંતરરાષ્ટ્રીય દબાણ છતાં તાલિબાનોએ તેમની કટ્ટરવાદી માનસિક્તાને ઊજાગર કરતાં સરકારમાં માત્ર પુરુષોનો જ સમાવેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમાજે પણ તાલિબાનને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ મહિલાઓ અને લઘુમતીઓ સાથે કેવું વર્તન કરે છે તેના આધારે તેની સરકારને માન્યતા આપવા અંગે વિચારણા કરાશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના સત્તા પર આવ્યા પછી છોકરીઓના શાળાકીય અભ્યાસ પર સંકટ યથાવત્ રહ્યું છે. તાલિબાનોએ શરૂઆતમાં છોકરીઓ અને યુવતીઓને સ્કૂલ-યુનિવર્સિટીઓમાં ભણવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તાલિબાનોએ આ મહિનાના પ્રારંભમાં કહ્યું હતું કે અફઘાન મહિલાઓ પુરુષોથી અલગ અભ્યાસ કરશે તો જ તેમને યુનિવર્સિટીઓમાં ભણવાની મંજૂરી અપાશે. જોકે, મંગળવારે નવા મંત્રીઓની જાહેરાતની સાથે તાલિબાને અફઘાનિસ્તાનમાં ટૂંક સમયમાં છોકરીઓને સ્કૂલે જવાની મંજૂરી આપવાની વાત કરી હતી. જોકે, તેના દાવાઓથી વિપરિત તાલિબાને દેશમાં ઈન્ડિયન પ્રીમિયર લિગ (આઈપીએલ)ના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આઈપીએલમાં સામેલ ડાન્સ અને સ્ટેડિયમોમાં મહિલા દર્શકોની હાજરીને ટાંકીને તાલિબાનોએ અફઘાન મીડિયાને આઈપીએલના પ્રસારણ વિરુદ્ધ ચેતવણી આપી છે.

Tags :