Get The App

છોકરીઓનો ભણવા ઉપરથી પ્રતિબંધ દૂર કરવા તાલિબાન નેતાએ જ અવાજ ઉઠાવ્યો

Updated: Jan 20th, 2025

GS TEAM

Google News
Google News
છોકરીઓનો ભણવા ઉપરથી પ્રતિબંધ દૂર કરવા તાલિબાન નેતાએ જ અવાજ ઉઠાવ્યો 1 - image

અફઘાનિસ્તાનમાં સત્તા ઉપર આવ્યા પછી છઠ્ઠાં ધોરણ પછી છોકરીઓમાં શિક્ષણ ઉપર પ્રતિબંધ મુકાયો હતો

કાબુલ: અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રાલયના ડેપ્યુટી સચિવ શેર અબ્બાસ સ્ટાનિક જઇએ શનિવારે સાંજે ખોસ્ત પ્રાંતમાં સભાને સંબોધિત કરતાં કહ્યું કે છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાનું કોઈ કારણ નથી. ભૂતકાળમાં તેમ થયું હતું. પરંતુ આ યુગમાં તેમ કરવાનો કોઇ મતલબ નથી. આજે તેમજ ભવિષ્યમાં પણ તેવું ન કરવું જોઇએ કે દેશની અર્ધો અર્ધ વસ્તી શિક્ષણ રહીત રહી જાય.

વિદેશી સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢવામાં તાલિબાનોનું નેતૃત્વ લેનારા સ્ટાનિક જઇએ કહ્યું હતું આપણે દેશની ૪ કરોડની વસ્તીમાંથી ૨ કરોડ ઉપર શિક્ષણ પ્રતિબંધ મુક્યો છે. તેઓને તેમના અધિકારોથી વંચિત રાખ્યાં છે. આવો કોઈ ઇસ્લામી કાનૂન જ નથી, પરંતુ આ તો આપણે આપણી મરજી પ્રમામે કર્યું છે. હું કેન્દ્રીય નેતૃત્વને ફરી એકવાર કહું છું કે, તેઓએ છોકરીઓનાં શિક્ષણ માટે દ્વાર ખોલી નાખવાં જોઇએ. તેઓ આગળ ભણશે તો જ અફઘાનિસ્તાન પ્રગતિ કરી શકશે.

આ પહેલીવાર નથી થયું કે જ્યારે સ્ટાનિક જઇએ મહિલાઓ અને છોકરીઓના હક્કમાં અવાજ ઉઠાવ્યો હોય, અને વિરોધ નોંધાવ્યો હોય. પરંતુ આ વખતે તો તેઓએ તાલિબાનોના શિર્ષનેતા હિબતુલ્લા અખુંદજાદા જેઓ સભામાં હાજર હતા. તેમને સંબોધિને કહ્યું હતું.

અફઘાનિસ્તાનમાં સત્તા ઉપર આવ્યા પછી છઠ્ઠાં ધોરણ પછી છોકરીઓમાં શિક્ષણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ગત વર્ષના સપ્ટેમ્બરમાં મહિલાઓને તબીબી શિક્ષણથી પણ દૂર રાખવા હુક્મ કર્યો હતો. બીજી તરફ છોકરીઓના ઇલાજ માત્ર મહિલા તબીબો જ કરી શકે તેવો પણ હુક્મ કર્યો હતો. આ ખબરમાં કેટલું સત્ય છે તે નક્કી નથી. અફઘાનિ અધિકારીઓનું મૌન આ અંગે શંકા ઉપજાવે છે.