For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તાલિબાનોનું મહિલાઓને સરકારમાં જોડાવા આમંત્રણ

Updated: Aug 17th, 2021

Article Content Image

- તાલિબાનના ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત, આધુનિક છબી દર્શાવવા તાલિબાનના નેતાએ મહિલા એન્કરને ઇન્ટરવ્યૂ આપ્યો

- તાલિબાનોની ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં વિરોધીઓને પણ માફીની અને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાની જાહેરાત

- અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેન્કના ગવર્નર દેશ છોડીને ભાગ્યા, અફઘાની કરન્સી 1.7 ટકા ઘટીને 83.50ના સ્તરે ગગડી

કાબુલ : તાલિબાનોએ કાબુલમાં સત્તા કબ્જે કર્યા પછી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજારો લોકોના પલાયનના ભયાનક દૃશ્યો સર્જાયા પછી  તાલિબાનોએ મંગળવારે પોતાની છબીનું મેકઓવર કરતા હોય તેમ પોતાના વિરોધીઓ સહિત બધા જ લોકોને માફી આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાલિબાનોના અગાઉના શાસનમાં મહિલાઓની અત્યંત દયનીય હાલત થઈ હતી તેને ભૂલાવવા માગતા હોય તેમ તેમણે ઈસ્લામિક કાયદા મુજબ મહિલાઓને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમજ પોતાનો ઉદાર ચહેરો દર્શાવતા એક તાલિબાન નેતાએ મહિલા એન્કરને ઈન્ટર્વ્યૂ પણ આપ્યો હતો. તાલિબાનના આ ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. છતાં તાલિબાનોનું અગાઉનું શાસન જોઈ ચૂકેલા લોકો હજુ પણ તેમનાથી ભયભીત છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલાહ મુજાહિદે અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મહિલાઓને અધિકારો આપવાથી માંડીને વિદેશી દૂતાવાસોને સંરક્ષણ પૂરું પાડવા સહિતની ખાતરી આપી હતી.

કોઈપણ લડત વિના અફઘાનિસ્તાનના મોટાભાગના શહેરો પર કબજો જમાવનારા તાલિબાનોએ ૧૯૯૦ના દાયકાના અંતના તેમના અત્યંત ક્રૂર શાસનથી એકદમ વિપરિત પોતાની આધુનિક છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અનેક અફઘાનો તેમની નવી ઈમેજ અંગે શંકાશીલ છે. જૂની પેઢી તાલિબાનની આત્યંતિકવાદી વિચારધારાને યાદ કરી રહી છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં આવ્યું તે પહેલાં ત્યાં સજા તરીકે પથ્થર મારવા અને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવતી હતી. 

તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઇનામુલ્લા સનમગનીએ પહેલી વખત સંઘીય સ્તરે શાસન તરફથી ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં બધા જ અફઘાનીઓને માફી આપવામાં આવશે. દરમિયાન કાબુલમાં અત્યાર સુધી કોઈની હેરાનગતિ કે લડાઈની મોટી ઘટના નોંધાઈ નથી.

તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઈમાનુલ્લા સમનગનીની સમગ્ર અફઘાનિસ્તાનમાં મંગળવારે જાહેર માફીની જાહેરાત અસ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેઓ કેવી રીતે શાસન કરશે તેના સંકેત તેમણે સંકેત આપ્યા છે. 

તાલિબાનના નેતાઓ હજી પણ દેશની ભૂતપૂર્વ સરકારના રાજકીય નેતાઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. હજી સુધી સત્તાના હસ્તાંતરણની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. અન્ય તાલિબાની નેતાઓએ કહ્યું કે તેઓ અફઘાન સરકાર અથવા વિદેશી સેનાઓને સાથ આપનારા કોઈની સાથે બદલો લેવા માગતા નથી. સૂત્રો મુજબ તાલિબાનો પાસે સરકારમાં સહકાર આપવા માગતા લોકોની યાદી પણ છે.

સમાનગનીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ૪૦ કરતાં વધુ વર્ષોથી સૌથી વધુ મહિલાઓએ પીડા વેઠવી પડી છે. ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન ઇચ્છતું નથી કે હવે મહિલાઓએ પીડાનો સામનો કરવો પડે. તેમણે શરિયા કાયદા હેઠળ સરકારી શાસન પ્રણાલિમાં સામેલ થવા મહિલાઓને આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારનું માળખું હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ અનુભવોના આધારે કહી શકું છું કે તે સંપૂર્ણતઃ ઇસ્લામિક નેતૃત્વવાળું હશે અને બધા પક્ષ તેનામાં સામેલ હશે. 

આમ તાલિબાને આ વખતે પહેલા કરતાં વલણ દર્શાવ્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું છે. તાલિબાનનું આ વલણ દર્શાવે છે કે તેણે આ વખતે પહેલા કરતાં નરમ મિજાજ અપનાવ્યો છે અને કટ્ટરતાવાદી વલણ સાથે બાંધછોડ કરવાનું વલણ દાખવ્યું છે. જો કે આ ફક્ત તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલું નિવેદન છે કે પછી તેને તે વાસ્તવિક ધોરણે અમલમાં મૂકવાનું છે તે બાબત તો આવનારો સમય જ કહેશે.

દરમિયાન અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના એક્ટિંગ ગવર્નર અજમલ અહેમદી પણ તાલિબાનના ડરથી દેશ છોડીને ભાગી ગયા છે. પરિણામે દેશમાં અફઘાની ચલણમાં વિક્રમી કડાકો બોલાયો છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ મંગળવારે અફઘાની ચલણનો ભાવ ડોલરની સરખામણીએ ૧.૭ ટકા ઘટીને ૮૩.૫૦૧૩ પર બંધ રહ્યો હતો.

અફઘાનિસ્તાન મુદ્દે પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક

300થી વધુ શીખ-હિન્દુઓએ કાબુલના ગુરુદ્વારામાં આશ્રય લીધો

- ભારતીય દૂતાવાસના બધા જ કર્મચારીઓ ભારત પરત: બે તબક્કામાં 192 ભારતીયોને લવાયા

અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે સેંકડો ભારતીયો પણ ત્યાં ફસાઈ ગયા છે. ૩૦૦થી વધુ શીખ અને હિન્દુ પરિવારોએ કાબુલમાં એક ગુરુદ્વારામાં આશ્રય લીધો છે. રાહતની બાબત એ છે કે તે બધા જ સલામત છે. બીજીબાજુ કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સહી સલામત ભારત પરત લવાયા છે. દરમિયાન અફઘાનિસ્તાન મુદ્દે પીએમ આવાસ પર વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબજે કરતાં પંજાબમાં લોકો ચિંતિત થઈ ગયા છે. પંજાબ અને દિલ્હી સહિત અનેક જગ્યાના શીખો અને હિન્દુ પરિવારો ત્યાં ફસાયા છે. ત્યાં ૩૦૦થી વધુ શીખ અને હિન્દુ પરિવારોએ કાબુલના એક ગુરુદ્વારામાં આશ્રય લીધો છે. તેઓ બધા સલામત છે, પરંતુ ત્યાંના બદલાયેલા વાતાવરણથી ચિંતિત છે.

તેમણે ઉમેર્યું કે ગુરુદ્વારામાં તાલિબાનીઓના કેટલાક પ્રતિનિધિ આશ્રય લઈ રહેલા પરિવારોની તપાસ કરવા માટે આવ્યા હતા. તાલિબાનોના પ્રતિનિધિઓએ પણ કાબુલ ગુરુદ્વારા પ્રબંધકોને આશ્વાસન આપ્યું છે કે ત્યાં રહેતા લોકોને કોઈ નુકસાન નહીં પહોંચાડે. દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ પરજિત સિંહ સરનાએ કહ્યું કે કેન્દ્ર સરકારે તાલિબાનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને અફઘાનિસ્તાનમાં રહેતા શીખ અને હિન્દુ પરિવારોને ભારત લાવવા પ્રયાસો કરવા જોઈએ.

બીજીબાજુ કાબુલમાં તાલિબાનોએ સત્તા કબજે કર્યાના બે દિવસ પછી ભારતીય દુતાવાસના બધા જ કર્મચારીઓને ભારતીય હવાઈદળના સી-૧૭ હેવી લિફ્ટ એરક્રાફ્ટમાં ભારત લવાયા હતા. અફઘાનિસ્તાના ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે, અમે બે તબક્કામાં અફઘાનિસ્તાનમાંથી ૧૯૨ ભારતીયોને સ્વદેશ લાવ્યા છીએ. મંગળવારે ૧૨૦ ભારતીયો સાથે વિમાન કાબુલથી રવાના થયું હતું અને વાયા જામનગર નવી દિલ્હી પહોંચ્યું હતું.

દરમિયાન અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ પર એક ઉચ્ચ સ્તરી બેઠક બોલાવી હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, એનએસ અજિત ડોભાલ, નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા.

અફઘાનીઓ માટે ભારતે ઈમર્જન્સી ઈ-વિઝા જાહેર કર્યા

અફઘાનિસ્તાનમાં પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં ભારત આવવા માગતા અફઘાનીઓને છ મહિના માટે ઈમર્જન્સી ઈ-વિઝા આપવામાં આવશે તેમ ભારતે મંગળવારે જાહેરાત કરી હતી. ભારતે જણાવ્યું હતું કે કોઈપણ ધર્મના અફઘાનીઓ 'ઈ-ઈમર્જન્સી એક્સ-મિસ્ક વિઝા' માટે ઓનલાઈન અરજી કરી શકશે. અફઘાનિસ્તાનમાં વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં વિદેશ મંત્રાલય વિઝા પૂરા પાડશે. તાલિબાનોથી ભયભીત લોકોને આશ્રય આપવા માટે ભારતે ઈલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી 'ઈ-ઈમર્જન્સી એક્સ-મિસ્ક વિઝા' રજૂ કરી છે, જે ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીનો ઝડપી નિકાલ લાવશે. ગૃહમંત્રાલયના ્પ્રવક્તાએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારતીય મિશન બંધ હોવાથી ઓનલાઈન વિઝા કરી શકાશે અને અરજીઓની તપાસ અને પ્રોસેસ નવી દિલ્હીમાં થશે. શરૂઆતમાં આ વિઝા છ મહિના માટે માન્ય ગણાશે.

બાઈડેન સાથે ચર્ચા કરવી અર્થહીન: સાલેહ

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સાલેહે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા

- પંજશીર પ્રાંત ક્યારેય તાલિબાનોના હાથમાં ન આવ્યો, રશિયા અને અમેરિકા પણ કબજો કરી શક્યા નથી 

અફઘાનિસ્તાનમાં કાબુલ સહિત દેશના મોટાભાગના વિસ્તાર પર તાલિબાનોએ કબજો કરી લીધો છે. પરંતુ તાલિબાનો નોર્ધર્ન અલાયન્સના પૂર્વ કમાન્ડર અહેમદ શાહ મસૂદના ગઢ પંજશીર પર ક્યારેય કબજો કરી શક્યા નથી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ આ વિસ્તારમાંથી જ આવે છે. તેમણે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે અને તાલિબાનો સામે લડવા માટે નાગરિકોને ઊભા થવા હાકલ કરી છે.  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક સ્થિત આ ઘાટી એટલી ખતરનાક છે કે ૧૯૮૦થી લઈને ૨૦૨૧ સુધી તેના પર તાલિબાનો કબજો કરી શક્યા નથી. એટલું જ નહીં સોવિયેત સંઘ અને અમેરિકાની સેના પણ આ વિસ્તારમાં માત્ર હવાઈ હુમલા જ કરી શક્યા છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને જોતાં તેમણે ક્યારેય કોઈ જમીની કાર્યવાહી કરી નથી.

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ આ વિસ્તારમાંથી આવે છે. રાષ્ટ્રપતિ અબ્દુલ ગની ભલે વિદેશ ભાગી ગયા, પરંતુ અમરુલ્લાહ પોતાના ગઢ પંજશીર જતા રહ્યા છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરી, પલાયન, રાજીનામું અથવા મૃત્યુના સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં દેશમાં જ છું અને કાયદેસરનો રાષ્ટ્રપતિ છું. હું ક્યારેય અને કોઈપણ સંજોગોમાં તાલિબાનના આતંકીઓ સામે ઝૂકશે નહીં. હું મારા નાયક અહેમદ શાહ મસૂદ, કમાન્ડર લિજેન્ડ અને ગાઈડના આત્મા અને વિરાસત સાથે વિશ્વાસઘાત નહીં કરું.

સાલેહે અમેરિકન પ્રમુખ બાઈડેનની ટીકા કરતાં કહ્યું કે તેમની સાથે ચર્ચા કરવી અર્થહીન છે. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી અને તાલિબાનો પણ દૂરથી વિયેતનામી કમ્યુનિસ્ટ જેવા નથી. યુએસ-નાટો હિંમત હારી ગયા છે, પરંતુ અમે હજી જુસ્સો ગુમાવ્યો નથી. સાલેહની પંજશીરથી એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ અનેક લોકો સાથે બેસીને ચર્ચા કરતા જોવા મળે છે.

ઉત્તર-મધ્ય અફઘાનિસ્તાનની આ ઘાટી પર ૧૯૭૦ના દાયકામાં સોવિયેત સંઘ અથવા ૧૯૯૦ના દાયકામાં તાલિબાનો પણ કબજો કરી શક્યા નથી. જોકે, શેર-એ-પંજશીર તરીકે ઓળખાતા અહેમદ શાહ મસૂદને તાલિબાન અને અલકાયદાએ ૯મી સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ હત્યા કરી હતી. હવે અહેમદ મસૂદ તેમના પિતાના પગલે તાલિબાનોનો સામનો કરી રહ્યા છે.

Gujarat