તાઇવાનની જળ-સીમામાં 41 ચીની વિમાનો, 7 યુદ્ધ જહાજો ફરી ઘૂસ્યાં : જિનપિંગ કશું જબરૂં કરવાની તૈયારીમાં
- તાઇવાન અંગે ચીનના પ્રમુખની યોજનાની સતત ચર્ચા થાય છે
- વારંવાર ચીની યુદ્ધ વિમાનો અને યુદ્ધ જહાજો તાઇવાન સ્ટ્રેઇટ્સ ઓળંગી ટાપુ રાષ્ટ્રને ધમકાવે છે : સામે તાઇવાન પણ હવે પૂરી તૈયારી કરી રહ્યું છે
તાઇપે : તાઇવાન અંગે શી જિનપિંગની યોજના શી છે ? વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે. કારણ સ્પષ્ટ છે વારંવાર ચીની વિમાનો તાઇવાનની જળસીમામાં ઘૂસેછે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, આજે (ગુરૂવારે) સવારે કહ્યું હતું કે, 'સવારના પ્રમાણે અમે અમારા જળ ક્ષેત્ર આસપાસ ૪૧ યુદ્ધ વિમાનો અને ૭ યુદ્ધ જહાજો તાઇવાન ફરતે ચક્કર કાપી રહ્યા છે તે ૪૧ યુદ્ધ વિમાનો પૈકી ૨૧ તાઇવાનની જળસીમામાં ઘૂસ્યા હતા. તે વિમાનો તાઇવાનના એરડીફેન્સ આઇન્ડેન્ટિફિકેશન ઝોન (એડીઆઇઝેડ)ના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ઘૂસ્યા હતા.'
તાઇવાનના વિદેશ મંત્રી લિન- ચિયા લંગે ચીનને 'ક્ષેત્રીય ઉપદ્રવી' કહી દીધું છે. તેઓએ આ વિધાનો તેટલા માટે કર્યા કે, સોલોમાન ટાપુઓ ઉપર ચીનનો પૂરો પ્રભાવ છે. તેણે આગામી પેસિફિક માઇલ્સ ગ્રૂપ ફોરમમાં અમેરિકા અને તાઇવાનની બાદબાકી કરી નાખી છે. અત્યારે પેસિફિક માઇલ્સ ગુ્રપના પ્રમુખ પદે સોલોમન આઈલેન્ડ છે.
ચીન પેસેફિક ઑશનના કેટલાક ટાપુઓને પૈસા આપી પોતાની તરફે વાળી લીધા છે જે અમેરિકા માટે પણ ચિંતાજનક બાબત છે. ચીન તાઇવાનને પોતાનું કહે છે પરંતુ તાઇવાન પોતાને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર કહે છે તે સર્વવિદિત છે. આ અંગે તાઇવાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અસત્ય ૧૦૦ વાર કહેવાથી સત્ય નથી બની જતું.
વિશ્લેષકો કહે છે કે, 'માનો કે ન માનો પરંતુ ચીનમાં આંતરિક ઉકળાટ હશે જ. જેથી જનતાનું ધ્યાન બીજે દોરવા ચીને ઉત્તર પશ્ચિમે ભારતના લડાખ, દોકલામ અને અરૂણાચલ પ્રદેશમાં ઘૂસ કરવા ગયું ત્યાં માર ખાધો તેથી હવે દક્ષિણ પૂર્વે તાઇવાન કબ્જે કરી શી જિનપિંગ પોતાને માઓત્સે- તુંગ કરતા પણ મહાન દર્શાવવા માંગે છે. માઓ-ત્સે-તુંગે ૧૯૫૦માં તિબેટ કબ્જે કર્યું પરંતુ તે સમયે અમેરિકી નૌકાદળથી રક્ષિત તેવું તાઇવાન કબ્જે કરી શકે તેમ ન હતા હવે શી જિનપિંગ તાઇવાન કબ્જે કરી પોતાને માઓત્સે-તુંગ કરતા પણ મહાન દર્શાવવા માગે છે. સવાલ સીધો છે : અમેરિકા તે થવા દેશે ?'