World

અમેરિકાને એક નાનકડાં દેશે અરીસો બતાવ્યો, 50% ચિપ ઉત્પાદનવાળી માગ ફગાવી આપ્યો ઝટકો

By GS TEAM
1 Oct 20254 mins read
TukuTouch Logo
વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં અમેરિકાની દબંગાઈને નાનકડા દેશ તાઈવાને અરીસો બતાવ્યો છે. તાઈવાને સ્પષ્ટ કરી દીધું છે કે અમે અમેરિકાના આ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરીશું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તાઈવાન પોતાના 50% સેમિકન્ડક્ટર ઉત્પાદને અમેરિકન ભૂમિ પર શિફ્ટ કરે. તાઈવાનના નાયબ વડા પ્રધાન ચેંગ લી-ચ્યુને બુધવારે આ નિવેદન આપ્યું હતું. ચેંગ લી-ચ્યુન તાઈવાનના મુખ્ય ટેરિફ વાટાઘાટકાર પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાને એક નાનકડાં દેશે અરીસો બતાવ્યો, 50% ચિપ ઉત્પાદનવાળી માગ ફગાવી આપ્યો ઝટકો

Taiwan Blow To The US: વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં અમેરિકાની દબંગાઈને નાનકડા દેશ તાઈવાને અરીસો બતાવ્યો છે. તાઈવાને સ્પષ્ટ કરી દીધું છે કે અમે અમેરિકાના આ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરીશું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તાઈવાન પોતાના 50% સેમિકન્ડક્ટર ઉત્પાદને અમેરિકન ભૂમિ પર શિફ્ટ કરે. તાઈવાનના નાયબ વડા પ્રધાન ચેંગ લી-ચ્યુને બુધવારે આ નિવેદન આપ્યું હતું. ચેંગ લી-ચ્યુન તાઈવાનના મુખ્ય ટેરિફ વાટાઘાટકાર પણ છે.

ચેંગે સ્પષ્ટ કરી દીધું કે '50-50 ચિપ ઉત્પાદન વિભાજનનો વિચાર માત્ર અમેરિકાનો છે અને તાઈવાને ક્યારેય આ દિશામાં કોઈ પ્રતિબદ્ધતા નથી આપી. હું સ્પષ્ટ કરવા માગુ છું કે આ અમેરિકાનો વિચાર છે. અમારી વાટાઘાટ ટીમે ક્યારેય આવી કોઈ પણ બાબત પર સહમતિ નથી આપી. કૃપા કરી નિશ્ચિંત રહો, અમે આ મુદ્દા પર કોઈ  ચર્ચા નથી કરી અને આવી કોઈ શરતો સ્વીકારીશું નહીં.'

અમેરિકા-તાઈવાન વેપાર તણાવ

ચેંગ તાજેતરમાં વોશિંગ્ટનથી પરત ફર્યા છે, જ્યાં તેમણે અમેરિકન ટેરિફ પર વાટાઘાટ કરી હતી. તેમણે કહ્યું કે વાટાઘાટોમાં કેટલીક પ્રગતિ થઈ છે, પરંતુ હજુ સુધી અંતિમ કરાર નથી થયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે તાઈવાનથી આવતા સેમિકન્ડક્ટર્સ પર અસ્થાયી રૂપે 20% ટેરિફ લગાવ્યો છે. આ પગલાથી તાઈવાનના ઉદ્યોગ ગજતમાં ચિંતા વધી છે. ટ્રમ્પે એ પણ ચેતવણી આપી છે કે અમે સેમિકન્ડક્ટર્સ પર મોટો ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યા છીએ. 

AIની માગ અને તાઈવાન પર દબાણ

તાજેતરના મહિનાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની માગમાં મોટો ઉછાળો આવ્યો છે. જેના કારણે તાઈવાન અને અમેરિકા વચ્ચે વેપાર ખાધ વધુ વધી છે. અમેરિકન ડેટા પ્રમાણે તાઈવાનની યુએસમાં થતી 70 ટકાથી વધુ નિકાસ માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT) ક્ષેત્ર સાથે સંબંધિત છે, જેમાં ચિપ્સ પણ સામેલ છે. આ દબાણને ઘટાડવા માટે તાઈવાને અમેરિકામાં વધુ રોકાણ કરવા, વધુ અમેરિકન ઊર્જા ખરીદવા અને તેના સંરક્ષણ ખર્ચને GDPના ત્રણ ટકાથી વધુ વધારવાનો વાયદો કર્યો છે. 

તાઈવાન વર્તમાનમાં વિશ્વના 50 ટકાથી વધુ સેમિકન્ડક્ટર બનાવે છે, જેમાં લગભગ તમામ ઉચ્ચ-ટેક ચિપ્સનું સંપૂર્ણ ઉત્પાદન તે જ કરે છે. તેને લાંબા સમયથી તાઈવાનનું "સિલિકોન શીલ્ડ" માનવામાં આવે છે. આ એક એવી વ્યૂહાત્મક ઢાલ છે જે ચીન દ્વારા આક્રમણ અથવા નાકાબંધીની સ્થિતિમાં અમેરિકાને તાઈવાનની સુરક્ષામાં સામેલ થવા માટે મજબૂર કરે છે.

અમેરિકન પક્ષ શું કહે છે?

અમેરિકન વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તાઈવાનનું 50% ચિપ ઉત્પાદન અમેરિકામાં થવું જોઈએ. તેમણે તર્ક આપ્યો હતો કે, જો અમને ક્યારેક જરૂર પડે તો અમારી પાસે ખુદ ઉત્પાદન કરવાની ક્ષમતા હોવી જોઈએ. અમારું લક્ષ્ય અમેરિકન વપરાશ માટે ઓછામાં ઓછા 40 થી 50% ચિપનું ઉત્પાદન કરવાનું છે.' તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો તાઈવાન આ '50-50' યોજના પર સહમત ન થાય, તો ચીનના સંભવિત આક્રમણ સામે અમેરિકન સુરક્ષા સહાયતા પર અસર પડી શકે છે. 

આ પણ વાંચો: BREAKING | અમેરિકામાં શટડાઉન, સરકારી કામકાજ ઠપ, ટ્રમ્પને જરૂર કરતાં ઓછા વોટ મળ્યાં

તાઈવાન વિશ્વની સૌથી એડવાન્સ સેમિકન્ડક્ટર ચિપ્સના 90%થી વધુનું ઉત્પાદન કરે છે. તે અમેરિકાની આ માગને પોતાના આર્થિક સાર્વભૌમત્વ પર હુમલા તરીકે જુએ છે.  તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC) વિશ્વની સૌથી મોટી ચિપ નિર્માતા કંપની છે, જે Nvidia અને Apple જેવી અમેરિકન ટેક દિગ્ગજો માટે ચિપ્સ બનાવે છે.

તાઈવાનના અધિકારીઓનું કહેવું છે કે સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન એટલી જટિલ અને વિશિષ્ટ છે કે તેને સંપૂર્ણપણે એક જ દેશમાં સ્થાનાંતરિત કરવું અશક્ય છે. નાયબ વડાપ્રધાન ચેંગ લી-ચ્યુને ભારપૂર્વક જણાવ્યું કે, તાઈવાન અમેરિકા સાથે સહયોગચાલુ રાખશે, પરંતુ પોતાની ઉત્પાદન ક્ષમતાને બળજબરીથી સ્થાનાંતરિત નહીં કરશે. 

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની આ માગ લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓનું પરિણામ છે. તાઈવાનની ચીન સાથે નિકટતાને કારણે અમેરિકાને લાગે છે કે ચિપ સપ્લાય પર નિર્ભરતા રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. વર્તમાનમાં અમેરિકા પોતાની ચિપ જરૂરિયાતોના માત્ર 2% જ સ્થાનિક ઉત્પાદન દ્વારા પૂર્ણ કરે છે. લુટનિકનો લક્ષ્ય ટ્રમ્પના કાર્યકાળના અંત સુધીમાં આને 40% સુધી લઈ જવાનો છે, જેના માટે 500 અબજ ડોલરથી વધુ રોકાણની જરૂર પડશે. ટ્રમ્પે માર્ચ 2025માં TSMC સાથે 100 અબજ ડોલરના રોકાણની ડીલ કરી હતી, જેમાં અમેરિકામાં ચિપ પ્લાન્ટ અને પેકેજિંગ સુવિધાઓનો વિસ્તાર સામેલ છે. TSMCએ પહેલા જ 65 અબજ ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ અમેરિકા 20% ટેરિફ લગાવીને તાઈવાનની નિકાસ પર દબાણ બનાવી રહ્યું છે, જ્યારે તાઈવાન અમેરિકા સાથે મોટા વેપાર અધિશેષનો સામનો કરી રહ્યું છે.