World

Explainer : અમેરિકાનું અભેદ્ય કવચ: ‘સ્ટાર વોર્સ’ની કલ્પના બની હકીકત, $1.2 ટ્રિલિયનના પ્રોજેક્ટનું સફળ પરીક્ષણ!

By GS TEAM
25 Jun 20264 mins read
TukuTouch Logo
અમેરિકાના $1.2 ટ્રિલિયનના મહત્ત્વાકાંક્ષી 'ગોલ્ડન ડોમ' પ્રોજેક્ટે પ્રથમ લાઈવ ઈન્ટરસેપ્ટ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ઇઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત, આ સિસ્ટમ ડ્રોન, ક્રુઝ અને હાઇપરસોનિક મિસાઇલો સહિતના તમામ હવાઈ જોખમો સામે અમેરિકાને 100% સુરક્ષા આપશે. AI આધારિત DDAD સિસ્ટમ મિલિસેકન્ડ્સમાં નિર્ણય લઈ હુમલાઓને નિષ્ફળ બનાવશે. આ પ્રોજેક્ટ 2029 સુધીમાં કાર્યરત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer : અમેરિકાનું અભેદ્ય કવચ: ‘સ્ટાર વોર્સ’ની કલ્પના બની હકીકત, $1.2 ટ્રિલિયનના પ્રોજેક્ટનું સફળ પરીક્ષણ!
US Golden Dome Project

Golden Dome, America's Ultimate Shield : વૈશ્વિક સંરક્ષણ અને સૈન્ય ટેક્નોલોજીના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે. અમેરિકાને કોઈપણ પ્રકારના હવાઈ આક્રમણથી સંપૂર્ણ સુરક્ષિત રાખવાના હેતુ સાથે શરૂ કરાયેલા ટ્રમ્પ વહીવટીતંત્રના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ગોલ્ડન ડોમ ફોર અમેરિકા' (GDA) એ તેનું પ્રથમ લાઈવ ઈન્ટરસેપ્ટ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડીને વિશ્વને ચોંકાવી દીધું છે. પેન્ટાગોને જાહેર કરેલી વિગતો અનુસાર, આ ટેક્નોલોજીએ અત્યંત આધુનિક અને ઘાતક એવા મલ્ટિપલ ડ્રોન સ્વોર્મ્સ અને ક્રુઝ મિસાઇલોને હવામાં જ સચોટ રીતે નષ્ટ કરીને અમેરિકાને એક અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.

ઇઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત, પરંતુ વધુ શક્તિશાળી

ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ મૂળભૂત રીતે ઇઝરાયલની વિશ્વવિખ્યાત 'આયર્ન ડોમ' સિસ્ટમથી પ્રેરિત છે, પરંતુ તે કદ, વ્યાપ અને ટેક્નોલોજીની દૃષ્ટિએ તેનાથી ઘણો મોટો, અત્યંત જટિલ અને અદ્યતન છે. આયર્ન ડોમ મુખ્યત્વે ટૂંકા અંતરના રોકેટ અને મોર્ટાર હુમલા રોકવા સક્ષમ છે, જ્યારે અમેરિકાનો આ ગોલ્ડન ડોમ અમેરિકાને બેલિસ્ટિક મિસાઇલો, અવાજ કરતાં વધુ ઝડપી હાઇપરસોનિક શસ્ત્રો, ક્રુઝ મિસાઇલો, આધુનિક ડ્રોન અને અન્ય તમામ પ્રકારના હવાઈ જોખમો સામે 100% સ્તરીય રક્ષણ આપવા માટે ડિઝાઇન કરાયો છે.

1.2 ટ્રિલિયન ડોલરનો ગંજાવર ખર્ચ!

આ પ્રોજેક્ટની વિશાળતાનો અંદાજ તેના નાણાકીય બજેટ પરથી લગાવી શકાય છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ $175 બિલિયન એટલે કે રૂ. 16.62 લાખ કરોડ આંકવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન સંજોગો અને આધુનિક જરૂરિયાતોને જોતા આ ખર્ચ વધીને $1.2 ટ્રિલિયન એટલે કે રૂ. 114 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા સંરક્ષણ પ્રોજેક્ટ્સ પૈકીની એક છે.

મિલિસેકન્ડ્સમાં નિર્ણય લેતી ઓટોનોમસ સિસ્ટમ્સ

આ સફળ પરીક્ષણ દરમિયાન યુએસ સેનાના ચુનંદા સૈનિકોએ આગામી પેઢીની (Next Gen) સંરક્ષણ ટેક્નોલોજી સાથે લાઈવ ઓપરેશન કર્યું હતું. આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા તેની ડાયનેમિક ડિફેન્સ ઓટોનોમસ ડિફિટ (DDAD) સિસ્ટમ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગની મદદથી કામ કરે છે, જે કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના આપમેળે જ દુશ્મનના જોખમોને ઓળખે છે, તેને ટ્રેક કરે છે અને સ્વાયત્ત નિર્ણયો લઈને તેનો નાશ કરે છે.

  • પરંપરાગત મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સ: દુશ્મનની મિસાઈલોને હવામાં જ આંતરીને તેનો ચોક્કસ મિસાઈલ હુમલા દ્વારા નાશ કરવાની પદ્ધતિ.
  • દિશા આપી શકાય એવા ઊર્જા શસ્ત્રો: લેસર અને માઇક્રોવેવ શસ્ત્રો જે દારૂગોળા વગર લક્ષ્યોને સીધા બાળી નાખે છે અથવા વીજળીના કરંટથી નિષ્ક્રિય કરે છે.
  • આધુનિક યુદ્ધમાં ડ્રોન સ્વોર્મ્સ (ડ્રોનનું ઝુંડ) અને હાઇપરસોનિક મિસાઇલો સંરક્ષણ પ્રણાલીઓ માટે સૌથી મોટો પડકાર છે. આ સ્થિતિમાં મિલિ સેકન્ડ્સમાં સ્વાયત્ત નિર્ણયો લેવાની DDADની ક્ષમતા ભવિષ્યના યુદ્ધોમાં ગેમ ચેન્જર સાબિત થશે.

ગોલ્ડન ડોમના ચાર મજબૂત સ્તર

અમેરિકાના સમગ્ર હવાઈ ક્ષેત્રને આવરી લેવા માટે ગોલ્ડન ડોમ ચાર સ્તર પર કામ કરે છે.

  1. અવકાશ-આધારિત સેન્સર્સ (Space-Based Sensors): દુશ્મનની કોઈપણ ગતિવિધિ અને મિસાઈલ લોન્ચિંગની શરૂઆતની ક્ષણોમાં જ સચોટ માહિતી આપતા અત્યંત આધુનિક ઉપગ્રહો.
  2. જમીન અને જહાજ-આધારિત ઇન્ટરસેપ્ટર્સ (Ground & Ship-Based Interceptors): જમીન પરથી અને સમુદ્રમાં તહેનાત યુદ્ધ જહાજો પરથી પરંપરાગત મિસાઇલોને હવામાં જ અટકાવવાની પ્રણાલી.
  3. નિર્દેશિત ઊર્જા (Directed Energy Weapons): અત્યંત ઝડપી, સચોટ અને આર્થિક રીતે સસ્તા પ્રહારો કરવા માટે લેસર અને માઇક્રોવેવ શસ્ત્રોની વ્યવસ્થા.
  4. સ્વાયત્ત નિયંત્રણ (Autonomous Control): ક્ષણાર્ધમાં સચોટ લશ્કરી નિર્ણયો લેવા માટે એડવાન્સ AI અને મશીન લર્નિંગ ટેક્નોલોજીનું એકીકરણ.

‘સ્ટાર વોર્સ’થી ‘ગોલ્ડન ડોમ’ સુધીની સફર

1980ના દાયકામાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રેગને સ્ટ્રેટેજિક ડિફેન્સ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ વિચાર્યો હતો. એમાં ‘સ્ટાર વોર્સ’ ફિલ્મમાં દેખાડેલું એ રીતે અંતરિક્ષમાં લેસર હથિયારો સ્થાપિત કરવાની યોજના હોવાને કારણે મીડિયા અને લોકોમાં તે પ્રોજેક્ટ 'સ્ટાર વોર્સ' (Star Wars) ના નામે પ્રખ્યાત થયો હતો. એ જમાનામાં તે માત્ર કલ્પના જેવો લાગતો હતો, કારણ કે તે સમયે જરૂરી સાધનો નહોતા. પરંતુ, આજના યુગમાં સેન્સર્સ, કોમ્પ્યુટેશનલ પાવર, AI અને સસ્તા સ્પેસ લોન્ચિંગને કારણે 'ગોલ્ડન ડોમ' પ્રોજેક્ટ હકીકત બની રહ્યો છે. ટ્રમ્પે જાન્યુઆરી 2025માં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા સત્તાવાર રીતે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને મે 2025 માં તેનું નામ 'ગોલ્ડન ડોમ' રખાયું હતું. આ પ્રોજેક્ટનું લક્ષ્ય વર્ષ 2029 સુધી તેની પ્રારંભિક કાર્યકારી ક્ષમતા પ્રાપ્ત કરી લેવાનો છે.

ગોલ્ડન ડોમ અમેરિકાને 100% સુરક્ષા આપશે?

આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી રહ્યો છે. સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે રશિયા અને ચીન જેવા પરમાણુ સત્તા ધરાવતા દેશો સામે 100% સુરક્ષા મેળવવી અત્યંત જટિલ છે. આ દેશો અમેરિકાના ગોલ્ડન ડોમને એક આક્રમક પગલાં તરીકે જોઈ શકે છે, જેના કારણે વૈશ્વિક સ્તરે એક નવી શસ્ત્ર સ્પર્ધા શરૂ થવાનું જોખમ પણ છે. આ ઉપરાંત, આટલી વિશાળ પ્રણાલીના મોટા પાયે ઉત્પાદન માટે અમેરિકાએ પોતાની આંતરિક ઔદ્યોગિક ક્ષમતામાં પણ ધરખમ વધારો કરવો પડશે. આમ છતાં, સમર્થકો દલીલ કરે છે કે આ 'Peace through Strength’ (શક્તિ દ્વારા શાંતિ) ની નીતિ છે, જે દુશ્મનોને અમેરિકા પર હુમલો કરતાં પહેલાં સો વાર વિચારવા મજબૂર કરશે.