નેપાળમાં સુશીલા કાર્કીએ પહેલા જ દિવસે કર્યું એવું કામ, જે બાંગ્લાદેશમાં યૂનુસ એક વર્ષથી ન કરી શક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Sushila Karki: નેપાળમાં 'જેન ઝી'ના બેનર હેઠળ યુવાનોના આંદોલનના કારણે સર્જાયેલા રાજકીય સંકટનો આખરે શુક્રવારે અંત આવ્યો હતો. આંદોલનકારી યુવાનો, આર્મી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ વચ્ચે વચગાળાની સરકારના વડા અંગે ત્રણ દિવસ સુધી ચાલેલી ચર્ચાના અંતે શુક્રવારે પૂર્વ ચીફ જસ્ટિસ સુશિલા કાર્કીની પસંદગી કરાઈ હતી. તેમણે ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથ લીધા હતા. આ સાથે જ તેઓ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે.
નેપાળમાં આગામી સામાન્ય ચૂંટણીની જાહેરાત
નેપાળના રાજકારણમાં શુક્રવારની રાત્રે ઈતિહાસ રચાયો હતો. પ્રમુખ રામચંદ્ર પૌડેલે નવનિયુક્ત વડાપ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર સંસદ ભંગ કરી દીધી હતી અને 5 માર્ચ, 2026 એ નવી સંસદીય ચૂંટણીની તારીખ નક્કી કરી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. તે દર્શાવે છે કે. પીએમ કાર્કી બળજબરીથી સત્તામાં બેસી રહેવા નથી માગતા, જેમ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે. મોહમ્મદ યુનુસ છેલ્લા એક વર્ષથી બાંગ્લાદેશના વરિષ્ઠ સલાહકાર બનીને બેઠા છે અને હજુ સુધી ચૂંટણી માટે કોઈ સટીક તારીખ નથી આપી. તેમને સમર્થન આપનારા પક્ષો પણ હવે ચૂંટણીની માગને લઈને નારાજ છે. શુક્રવારે કાઠમંડુના શીતલ નિવાસમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં 73 વર્ષીય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે અને છ મહિનાની અંદર ચૂંટણીઓ યોજવાની જવાબદારી સંભાળશે. આ પરિવર્તન એવા સમયે આવ્યું જ્યારે ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને દેશભરમાં આક્રોશ હતો
આ પણ વાંચો: ભારત તરફી સુશિલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકારનું સુકાન સોંપાયું
'Gen-Z'એ જશ્ન મનાવ્યો
ખાસ કરીને યુવાનોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના દબાણ હેઠળ મંગળવારે કેપી શર્મા ઓલીને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. કાર્કીએ શપથ લેતાની સાથે જ 'Gen-Z' (1997થી 2012ની વચ્ચે જન્મેલી પેઢી) એ કાઠમંડુના રસ્તાઓ પર જશ્ન મનાવ્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયની બહાર હજારો યુવાનો ફટાકડા ફોડીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સમારોહમાં નેપાળના ચીફ જસ્ટિસ, ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા વડા અને ઘણા રાજદ્વારીઓ હાજર રહ્યા હતા. સમારોહમાં પૂર્વ વડાપ્રધાન બાબુરામ ભટ્ટરાઈ પણ હાજર રહ્યા હતા, પરંતુ રસપ્રદ વાત એ હતી કે તેઓ એકમાત્ર પૂર્વ વડાપ્રધાન હતા જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નેપાળમાં આ મોટા રાજકીય ઘટનાક્રમ સાથે અનિશ્ચિતતાની લાંબી ખેંચતાણનો હાલ પૂરતો અંત આવ્યો છે. હવે બધાની નજર એ બાબત પર છે કે કાર્કીની વચગાળાની સરકાર ચૂંટણી સુધી દેશને કેટલી સ્થિરતા પ્રદાન કરી શકે છે.
બીએચયુમાંથી કર્યો છે અભ્યાસ
સુશીલા કાર્કીએ વારાણસી સ્થિત બીએચયુમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે એક ઈન્ટર્વ્યૂમાં વડાપ્રધાન મોદીને નમસ્કાર કર્યા હતા. તેઓ ભારતીય નેતાઓથી ખૂબ જ પ્રભાવિત હોવાથી તેમને ભારત તરફી મનાય છે.









