ગેરકાયદે વસાહતીઓને દેશ-નિકાલના ટ્રમ્પના આદેશને સુપ્રીમે માન્ય રાખ્યો
- કોઈ પણ દેશ ગેરકાયદે વસાહતીઓને ચલાવી જ ન લે
- અગાઉ બોસ્ટનના ડિસ્ટ્રિકટ જજે એપ્રિલમાં હુકમ પર સ્ટે મુકતાં કહ્યું હતું કે દેશનિકાલ કરતાં પહેલાં તેમને કાનૂની બચાવની તક આપવી જોઈએ
વોશિંગ્ટન : અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે આપેલા ચુકાદામાં ટ્રમ્પ વહીવટીતંત્રને ગેરકાયદે વધી ગયેલા વસાહતીઓને તેમના દેશ પરત મોકલવાના હુકમને માન્ય રાખ્યો હતો. પરંતુ આ ચુકાદો બહુમતિ જજોએ આપ્યો હતો. પૂર્વે બોસ્ટનના ડીસ્ટ્રિકટ જજ બ્રિયાન મર્ફીએ ટ્રમ્પ તંત્રના તે હુકમ ઉપર 'સ્ટે' મુકતા કહ્યું હતું કે, તે વસાહતીઓ ભલે ગેરકાયદે આવ્યા હોય, તો પણ તેઓને બચાવ કરવાનો તો અધિકાર છે જ. તેને સુપ્રીમ કોર્ટે અસ્વીકાર્ય ગણી ટ્રમ્પ તંત્રના તે હુકમને માન્ય રાખ્યો હતો.
આ પછી ડીપાર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિક્યુરિટીનાં પ્રવકતા ટ્રિશિયા મેક લોઘીંગે કહ્યું હતું કે, હવે ગેરકાયદે આવેલાઓને તુર્ત જ તેમના દેશમાં મોકલવાની કાર્યવાહી શરૂ થઈ જશે.
સર્વોચ્ચ અદાલતની બેન્ચમાં રહેલા જસ્ટિસ સોનિયા સોટોમેયર તથા બીજા કેટલાક જજે બોસ્ટન કોર્ટના ચુકાદાને સ્વીકાર્ય ગણ્યો હતો, પરંતુ આખરે બહુમતી નિર્ણય જ માન્ય રખાયો.
આ ચૂકાદાને આવકારતાં કેટલાક તજ્જ્ઞાોએ કહ્યું હતું કે, 'કોઈપણ દેશ ગેરકાયદે વસાહતીઓને ચલાવી જ ન લે.' માટે ટ્રમ્પ તંત્રનો તે હુકમ યોગ્ય જ છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવકતા ટ્રિશિયા મેકબોદીને સુપ્રીમ કોર્ટના આ હુકમને દેશની સલામતી અને દેશના લોકોની સલામતી માટેના વિજયરૂપ ગણાવ્યો હતો.
આ પૂર્વે દક્ષિણ સુદાનના લોકોને લઈ તેમનાં દેશમાં લઈ જતું વિમાન જીબુટીમાં ઉતારી દેવું પડયું હતું કારણ બોસ્ટન કોર્ટનો ચુકાદો હતો તે બધાને કદાચ યુ.એસ. પાછા પણ લઈ જવા પડે તે હેતુથી વિમાન જીબુટીમાં રખાયું જ્યારે પેલા ગરીબડા સુદાનીઝને સ્ટીમરોનાં લોખંડનાં કન્ટેનર્સમાં રાખવામાં આવ્યા જેમાં આગ ઝરતી ગરમીમાં તેઓ લગભગ શેકાઈ ગયા હતા ત્યાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેમને દક્ષિણ સુદાન લઈ જવાયા. આ ગેરકાયદે વસાહતીઓમાં સૌથી વધુ ગેરકાયદે વસાહતીઓ મેક્ષિકો, મ્યાનમાર, વિયેતનામ અને ક્યુબામાંથી આવ્યા હતા. તેમજ વેનેઝૂએલામાંથી પણ આવ્યા હતા.
આ પૈકી મોટાભાગના તો નાની મોટી ચોરી-ચપાટી કરવામાં વ્યસ્ત રહેતા હતા. વેનેઝૂએલાથી આવી વસેલાઓ પૈકીના તો કેટલાક 'ગેંગ મેમ્બર્સ' હતા. આ ઉપરથી ટ્રમ્પ વહીવટીતંત્રના તે (ગેરકાયદે વસાહતીઓ અંગેના) હુકમને યોગ્ય જ ગણે છે.