પહેલાં જાહેરમાં ઈઝરાયલને સમર્થન હવે પેલેસ્ટાઈનને મદદનું આશ્વાસન, છેવટે અમેરિકા શું ઈચ્છે છે?
બાયડેન અને નેતન્યાહૂ વચ્ચે વાતચીત થઈ
બાયડેને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથે પણ બાયડેને વાતચીત કરી
ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel vs Hamas War) વચ્ચે અમેરિકાનું ફરી બેવડું વલણ સામે આવી રહ્યું છે. પહેલાં તો જાહેરમાં અમેરિકાએ ઈઝરાયલને ટેકો જાહેર કરી દીધો પણ હવે પેલેસ્ટાઈનને પણ મદદનું આશ્વાસન આપી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન (US President Joe Biden) અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે વાતચીત થયા બાદ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથે પણ બાયડેને વાતચીત કરી હતી.
બંને નેતાઓને બાયડેને કર્યો આગ્રહ
માહિતી અનુસાર જો બાયડેને બંને નેતાઓને તેમના ક્ષેત્રોમાં માનવીય સહાય કરવા દેવા માટે મંજૂરી આપવા આગ્રહ કર્યો હતો. અગાઉ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને કહ્યું હતું કે અમેરિકા ઈઝરાયલના સમર્થનમાં વધુ એક યુદ્ધ જહાજ આગળ વધારી રહ્યું છે. જ્યારે એન્ટોની બ્લિંકને ઈઝરાયલ હમાસ યુદ્ધને ફેલાતો રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા પ્રાપ્ત કરવા સમગ્ર મધ્યપૂર્વમાં રાજદ્વારીઓ સાથે સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું.
અમેરિકાએ જાહેરમાં હજુ યુદ્ધ અટકાવવા કહ્યું નથી
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ગાઝાના લોકોને ચેતવણી આપી હતી કે તેઓ 24 કલાકમાં વિસ્તારને ખાલી કરી દે. જ્યારે હમાસે લોકોને ટકી રહેવા અપીલ કરી હતી. એક સપ્તાહ પહેલા હમાસના હુમલા બાદ બાયડેન સરકારે જાહેરમાં ઈઝરાયલને હુમલા અટકાવી દેવા આગ્રહ કર્યો નથી પણ યુદ્ધના નિયમોનું પાલન કરવા માટે અમેરિકી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે.