'શ્રી ગણેશ કરીશું...' પીસીની શરૂઆતમાં જ બોલ્યા રશિયન રાજદ્વારી, સુદર્શન ચક્ર પ્રોજેક્ટમાં મદદનો વાયદો કર્યો
Russian Diplomat Sudarshan Chakra to S-400: વર્તમાન સમયમાં ભારત-રશિયાના સંબંધો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. એનું કારણ એ છે કે દુનિયાના મોટા ભાગના દેશો રશિયાની વિરુદ્ધમાં છે અને ભારત-રશિયાના સારા સંબંધો તેમને પસંદ નથી. ખાસ કરીને, અમેરિકા તરફથી સતત દબાણ કરી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દે. આ બધાની વચ્ચે, રશિયાના વરિષ્ઠ રાજદ્વારી રોમન બાબુશ્કિને ભારતને રશિયાનો પસંદગીનો ભાગીદાર ગણાવ્યો.
મિશન સુદર્શન ચક્ર: ભારતની નવી સંરક્ષણ પ્રણાલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી દેશની નવી સંરક્ષણ પ્રણાલી, સુદર્શન ચક્રની જાહેરાત કરી હતી. આ પ્રણાલી દુશ્મનોના હવાઈ હુમલાઓથી માત્ર બચાવ જ નહીં, પરંતુ વળતો પ્રહાર પણ કરશે. હવે સમાચાર છે કે આ પ્રોજેક્ટમાં ભારત સાથે રશિયા ભાગીદારી કરી શકે છે.
ભારતના 'સુદર્શન ચક્ર'માં રશિયન ઉપકરણોનો ઉપયોગ થશે તેવી આશા
રશિયાના વરિષ્ઠ રાજદ્વારી રોમન બાબુશકિને કહ્યું છે કે, 'રશિયાને આશા છે કે ભારતના સુદર્શન ચક્ર ડિફેન્સ સિસ્ટમના વિકાસમાં રશિયન ઉપકરણોનો ઉપયોગ થશે. અમે એ સમજણ સાથે આગળ વધી રહ્યા છીએ કે આ ડિફેન્સ સિસ્ટમ પ્રોજેક્ટમાં રશિયન ઉપકરણો પણ સામેલ હશે, એટલે કે અમે આમાં સહયોગ કરી શકીએ છીએ.'
રશિયાનું ભારતને સમર્થન
મંગળવારે રશિયાએ કહ્યું કે, પશ્ચિમી દેશો દ્વારા ભારતની રશિયા પાસેથી ઊર્જા ખરીદીની થઈ રહેલી ટીકાને તેઓ નકારે છે. જ્યારે રોમન બાબુશ્કિનને પૂછવામાં આવ્યું કે શું ભારત ઈઝરાયલની આયર્ન ડોમ પ્રણાલીની જેમ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે, ત્યારે તેમણે સ્મિત સાથે પૂછ્યું – ‘શું તમારો મતલબ સુદર્શન ચક્રથી છે?’ આ ટિપ્પણી એટલા માટે રસપ્રદ છે કારણ કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ભારતના ‘મિશન સુદર્શન ચક્ર’ની જાહેરાત કરી છે, જે ભારતની સ્વદેશી એર ડિફેન્સ શીલ્ડ હશે.
રોમન બાબુશ્કિન: 'આયર્ન ડોમ' નહીં, 'સુદર્શન ચક્ર' કહો'
આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત રોમન બાબુશ્કિને હિન્દીમાં કરી હતી, જે એક રસપ્રદ ઘટના હતી. તેમણે કહ્યું, 'શરૂઆત કરીશું, શ્રી ગણેશ કરીશું.' આ દરમિયાન જ્યારે તેમને ભારતના આયર્ન ડોમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, 'તમારો મતલબ સુદર્શન ચક્રથી છે?' આ સાથે જ તેમણે આશ્વાસન આપ્યું કે, 'હું હિન્દીમાં વધુ સારી રીતે જવાબ આપી શકું છું.'
આ પણ વાંચો: ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો, ટ્રમ્પને ફરી એકવાર દિગ્ગજની સલાહ
સુદર્શન ચક્ર... તેમણે આવું એટલા માટે કહ્યું, કારણ કે ભારતે પાકિસ્તાન સામે જે S-400 યુનિટનો ઉપયોગ કર્યો હતો, તેનું નામ પણ સુદર્શન ચક્ર યુનિટ હતું. આ સિવાય, તેમની આ ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'મિશન સુદર્શન ચક્ર'નું અનાવરણ કર્યાના થોડા દિવસો બાદ આવી છે.
ભારતીય શહેરોનું હવાઈ સંરક્ષણ
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ભારતના તમામ મહત્વના શહેરોને એર ડિફેન્સ સિસ્ટમ સાથે જોડવામાં આવશે અને તેમણે આ મિશનનું નામ 'મિશન સુદર્શન ચક્ર' રાખ્યું છે. આ મિશન દ્વારા, ભારત યુદ્ધની સ્થિતિમાં તેના મુખ્ય શહેરો માટે એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરશે.