સુદાનમાં નરસંહાર! 200 લોકોને ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ

Sudan Genocide: સુદાનના શહેર અલ-ફશીર નજીક અમુક હુમલાખોરોએ આશરે 200 લોકોને ઘેરી અંધાધૂધ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા છે. સુદાનમાં ઊંટ પર આવેલા અમુક હુમલાખોરોએ જાહેરમાં મોટી સંખ્યામાં નરસંહાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શી અલખૈર ઈસ્માઈલ અનુસાર, હુમલાખોરોએ વંશવાદ કરતાં અપશબ્દો કહ્યા હતાં અને બાદમાં ગોળીથી વીંધી નાખ્યા હતાં. હુમલાખોરો પૈકી એક ઈસ્માઈલને ઓળખતો હોવાથી તેને બક્ષી દીધો હતો. ઈસ્માઈલે હુમલાખોરોને આજીજી કરી હતી કે, આ લોકોને ન મારશો, પણ તેમણે તેના મિત્રો સહિત અન્ય તમામને ગોળીથી વીંધી નાખ્યા.
ઈસ્માઇલ શહેરમાં ફસાયેલા લોકો માટે ભોજન લઈ જતાં લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ-ફાશીરથી ભાગી રહેલા લોકોને નજીકના ગામોમાં રોકવામાં આવ્યા હતા. પુરૂષ અને મહિલાને અલગ કરવામાં આવ્યા અને તેમને ત્યાંથી લઈ જવામાં આવ્યા, બાદમાં ગોળીબારનો અવાજ સંભાળ્યો.
પહેલાથી જ આપી હતી ચેતવણી
માનવ અધિકાર કાર્યકરો અને વિશ્લેષકોએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે જો અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ અલ-ફાશીર પર કબજો કર્યો તો વંશીય-આધાર પર બદલો લેવાના ઉદ્દેશ સાથે નરસંહાર થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે સેંકડો નિર્દોષ લોકો અને નિઃશસ્ત્ર લડવૈયાઓ માર્યા ગયા છે.
RSFએ આરોપોને નકાર્યા
જોકે, RSFએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે વિપક્ષ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે. RSFની જીતને દારફુર ક્ષેત્રમાં અઢી વર્ષ લાંબા ગૃહયુદ્ધમાં એક મુખ્ય વળાંક માનવામાં આવે છે. મીડિયાએ સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા ત્રણ વીડિયોની ચકાસણી કરી છે જેમાં RSF યુનિફોર્મ પહેરેલા લોકો નિઃશસ્ત્ર કેદીઓને ગોળીબાર કરતાં દેખાયા છે, અને ગોળીબાર પછી ડઝનેક વધુ મૃતદેહો પણ જોવા મળ્યા છે.
સેના હાર છુપાવવાનો પ્રયાસ કરી રહી છે
RSFના એક વરિષ્ઠ કમાન્ડરે કહ્યું કે મીડિયા આને વધારી-ચડાવી રજૂ કરી રહ્યું છે અને સેના તેની હાર છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. RSF લીડરશીપે કોઈપણ ઉલ્લંઘનની તપાસનો આદેશ આપ્યો છે અને કેટલાક લોકોની ધરપકડ કરી છે કેટલાક સૈનિકો અને લડવૈયાઓ નાગરિક તરીકે છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને પકડી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. મીડિયાના દાવા મુજબ કોઈ હત્યા થઈ નથી.
આંતરરાષ્ટ્રીય મેડિકલ એસોસિએશન મેડેસિન્સ સેન્સ ફ્રન્ટીઅર્સ (MSF) એ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો હતો કે 26 ઓક્ટોબરના રોજ, સુદાનની સેના અને તેના સાથી જૂથોના આશરે 500 નાગરિકો અને સૈનિકો ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મોટાભાગના RSF અને તેના સાથીઓ દ્વારા માર્યા ગયા હતા અથવા પકડી પાડવામાં આવ્યા હતા.

