રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ છીનવી લેવુ તે ગાંધીવાદી વિચાર ધારા વિરૂદ્ધનું છે : અમેરિકી સાંસદ
- ગાંધીવાદી દર્શન માટે મારા દાદાએ વર્ષો સુધી જેલ ભોગવી હતી
- રૉ. ખન્નાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો
- આથી તો રાહુલ વધુ ફેમસ થઇ જશે : નિરીક્ષકો
વૉશિંગ્ટન : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ છીનવી લેવાયા બાદ અમેરિકાના એક સાંસદે તેને ગાંધીવાદી વિચારધારા સાથે કરાયેલા વિશ્વાસઘાત સમાન ગણાવ્યું હતું.
તે સર્વવિદિત છે કે માનહાનીના એક કેસમાં સજા મળ્યા પછી રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરતાં તેઓને ગૃહ છોડી દેવું પડયું હતું.
ગુજરાતમાં સૂરતની એક અદાલતે ૨૦૧૯ના અપરાધિક માનહાની કેસમાં રાહુલને દોષિત ઠરાવતાં, તેઓને બે વર્ષના કારાવાસની સજા કરી હતી.
આ સંબંધે સિલિકોનવેલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય વંશના સાંસદ રૉ ખન્નાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેવું તે ગાંધીવાદી દર્શન અને ભારતનાં ગહન મૂલ્યો સાથે કરાયેલો વિશ્વાસઘાત છે. વાસ્તવમાં તે મૂલ્યો માટે તો મારા દાદાજીએ પોતાની જીંદગીનાં કેટલાંએ વર્ષો જેલમાં કુર્બાન કર્યાં હતાં.
રૉ ખન્ના અમેરિકી પ્રતિનિધિસભામાં સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ ભારત અને ભારતીય અમેરિકનો પર અમેરિકાની સાંસદનાં કોક્સ (જૂથ)ના સહપ્રમુખ પણ છે.
આ સાથે રૉ ખન્નાએ વડાપ્રધાન મોદીને આ બાબતે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ એક અન્ય ટ્વિટમાં કહ્યું : ભારતીય લોકતંત્રનાં હિત માટે સામે આપણી પાસે તૂટેલી શક્તિઓનો ઉપયોગ કરી (લોકસભા સચિવાલયનો) તે નિર્ણય ફેરવાવો જ જોઇએ.
આ ઉપરાંત ઇંડીયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે રાહુલની અયોગ્યતા ઠરાવતા નિર્ણયને ઘણો જ દુ:ખદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર દરેક જગાએ અભિવ્યક્તિની આઝાદી અને ભારતીયોની આઝાદી માટે મૃત્યુઘંટ વગાડી રહી છે.
બીજી તરફ તદ્દન તટસ્થ નિરીક્ષકોનું કહેવું છે કે આ ઘટનાક્રમથી રાહુલ ગાંધી વધુ ફેમસ થઇ જશે. થઇ ગયા જ છે. જનસામાન્ય વિગતોમાં પડવા જેટલી ધીરજ ધરાવતું નથી, તેનો ઉપર ઉપરથી જ પરિસ્થિતિ જોઇને નિર્ણય બાંધે છે. કોઈ કહે કે ન કહે, પરંતુ ભારત જોડો યાત્રાથી ખ્યાતિ મેળવી ગયેલા રાહુલ ગાંધીને લોકસભામાંથી બહાર જવું પડયું તેથી લોકોમાં તેમના પ્રત્યે કરૂણા જાગે તે સહજ છે. ફરી યાદ આપવાનું કે લોકો ગહનતાપૂર્વક અભ્યાસ કરવા ટેવાયેલા નથી. તે કામ તજજ્ઞાોનું છે. તે હોય કેટલા ? મુઠ્ઠીભર માટે રાહુલ આ પગલાંથી (લોકસભામાંથી ઊભા કરાઈ દેવાતાં) વધુ ફેમસ બની ગયા છે. તેમાં પણ જો સર્વોચ્ચ અદાલત સજા ઘટાડી પણ દેશે તો દેશમાં તેનો ડંકો વાગી જશે. અને ગુનો શો છે ? તદ્દન નગણ્ય અપરાધ છે. તેમ પણ નિરીક્ષકોનું મંતવ્ય છે તેઓ ફરી કહે છે માત્ર ઉપર છલ્લી રીતે કોઈપણ પ્રસ્નને ન જોવો તેના પ્રોઝ અને કોન્સ પણ જોવાં જોઇએ. લોકોની સહાનુભૂતિ રાહુલ તરફ પણ ઢળી રહે.