World

'સ્ટેઈટસ ઓફ ટ્રમ્પ' ખોલવી જ પડશે : અમેરિકી પ્રમુખે જાણી જોઈને બોલવામાં ભૂલ કરી

By GS TEAM
28 Mar 20262 mins read
'સ્ટેઈટસ ઓફ ટ્રમ્પ' ખોલવી જ પડશે : અમેરિકી પ્રમુખે જાણી જોઈને બોલવામાં ભૂલ કરી

- વોશિંગ્ટનમાં અનેક બિલ્ડીંગોને ટ્રમ્પે પોતાનું નામ આપ્યું છે

- સઉદીના સમર્થનથી ફલોરિડાનાં માયામીમાં યોજાયેલ એક 'ફોરમ'માં બોલતાં તેઓએ 'સ્ટ્રેઈટસ-હોર્મુઝ'ને 'સ્ટ્રેઈટસ ઓફ ટ્રમ્પ' કહી દીધી

માયામી (ફલોરિડા) : શુક્રવારે અહીં યોજાયેલા એક પરિસંવાદમાં બોલતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને 'સ્ટ્રેઇટસ ઓફ ટ્રમ્પ'માંથી તેલ જાહાજો પસાર થવા દેવા જ પડે કારણ કે તે શાંતિ કરારોમાં મુખ્ય મુદ્દો બની રહેશે.

સઉદી અરબસ્તાનનાં સમર્થનથી અહીં યોજાયેલા એક પરિસંવાદમાં બોલતાં પ્રમુખ ટ્રમ્પે આમ આડકતરી રીતે જણાવી દીધું હતું કે જ્યાંથી દુનિયાનું ૨૦ ટકા જેટલું તેલ પસાર થાય છે, તે હોર્મુઝની સમુદ્ર ધુનિ ઉપર અમેરિકા કબ્જો જમાવવા માગે છે.

એક તરફ સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝમાંથી આવતો તેલનો પૂરવઠો લગભગ બંધ થઈ ગયો છે ત્યારે તેલ ઉત્પાદક દેશોના સમુહ ઓપેકને ક્રૂડના રોજનાં ઉત્પાદનમાં ૧૦ લાખ બેરલનો ઘટાડો કરવો પડયો છે. પરિણામે તેલના ભાવ વિશ્વ સ્તરે બેરલ દીઠ ૧૦૦ ડોલરથી પણ ઊંચા ગયા છે.

આમ છતાં પ્રમુખ ટ્રમ્પે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે અમારી મંત્રણા ચાલી રહી છે તેમાંથી કોઈ સારૃં પરિણામ આવે તો તે ઘણી ખુશીની વાત છે. તેઓએ (ઈરાને) 'સ્ટ્રેઈટસ ઓફ ટ્રમ્પ' ક્ષમા કરજો, 'સ્ટ્રેઈટ્સ ઓફ હોર્મુઝ' તેમ હું કહેવા માગતો હતો. આ ભયંકર ભૂલ બદલ હું ક્ષમા પ્રાર્થું છું.

વાત સીધીને સાદી છે ટ્રમ્પે સીધો જ સંદેશો આપી દીધો છે કે, તેઓ કોઈપણ ભોગે સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ ઉપર કાબુ મેળવવા માગે છે. જે અનિવાર્ય પણ છે તેમ નિરીક્ષકોનું કહેવું છે.

ઉલ્લેખનીય તે છે કે, ટ્રમ્પે તેઓના આ બીજા શાસનકાળ દરમિયાન પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં કેટલાંયે મહત્વનાં મકાનો સાથે તેમનું નામ જોડી દીધું છે.