નવી દિલ્હી,૨૯ ડિસેમ્બર,૨૦૨૫,સોમવાર
દક્ષિણ કોરિયાઇ રાણી હેઓ હ્વાંગ ઓકનું એક એવું ખાસ કનેકશન હોવાથી ગત સપ્તાહ તેની મૂર્તિ કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ભારત અને કોરિયા વચ્ચે ૨૦૦૦ વર્ષ જુના સાંસ્કૃતિક સંબંધો સ્થાપિત થયેલા છે. કેટલાક ઐતિહાસિક પુરાવાઓ મુજબ તો રાણી હેઓ હ્નાંગ ઓક અયોધ્યાની રાજકુમારી સુરિરત્ના તરીકે જાણીતી છે. રામકથાને ભારત જ નહી દુનિયાના બીજા દેશોમાં પણ આદર્શ માનવામાં આવે છે. ઇતિહાસકારો માને છે કે ઇસ ૪૮માં અયુત્યા (જે હવે અયોધ્યા) માં જન્મેલી ભારતીય રાજકુમારી સુરિરત્ના સમુદ્ર પાર કરીને છેક કોરિયા પહોંચી હતી. તેને રાજા કિમ સુરો સાથે લગ્ન કરતા કોરિયાની રાણી હેઓ હ્વાંગ ઓક નામ બની હતી. આ લગ્નના કારણે જ કરક વંશનો પાયો નખાયો હતો.
આથી જ તો રામમંદિરનું નિર્માણ થયું ન હતું તે પહેલા પણ દક્ષિણ કોરિયાઇ લોકો અયોધ્યા આવીને રાણી હેઓ હ્નાંગ ઓકને શ્રધ્ધાંજલી આપતા રહયા છે. આવી જ રીતે ભારત અને કોરિયા વચ્ચે સાંસ્કૃતિક સંબંધ લગભગ ૨૦૦૦ વર્ષ જુના છે.તાજેતરમાં અયોધ્યામાં જે કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયું છે તે અયોધ્યા અને કોરિયા રાણીના કનેકશનને યાદ કરવાનો છે. અયોધ્યાની રાજકુમારી કોરિયાની રાણી બનીને પોતાની સંસ્કૃતિમાં ઢળી ગઇ તેની સાથે રામકથાનો પણ પરિચય કરાવ્યો હતો. પ્રાચીન દક્ષિણ કોરિયાઇ ગ્રંથોના આધારે સંશોધન થયું છે કે અયુતા નામ એક દેશની રાજકુમારીનો ઉલ્લેખ અયોધ્યા સાથે છે. કેટલાક ઇતિહાસકારો કોરિયાઇ ગ્રંથ સમગુક યુસાને ટાંકે છે. જેમાં રાજા સૂરોની પત્ની અયુતાથી આવેલી રાજકુમારી હતી.
આ અંગે ૨૦૨૦માં ભારતના તત્કાલિન કોરિયાઇ રાજદૂત શિન બોન્ગ કિલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજા સૂરોની સમાધિ પાસે મળેલા પુરાતાત્વિક અવશેષોને અયોધ્યા સાથે જોડવામાં આવે છે. કરક વંશથી જોડાયેલા અંદાજે ૬૦ લાખ લોકો અયોધ્યાને પોતાનું માતૃકુળ માને છે. આ સમાંતર સંસ્કૃતિ અને વિરાસતનું સન્માન માટે ભારત સરકારે ૨૦૧૯માં રાણી હેઓ હ્વાંગ ઓકેની ૫ અને ૨૫ રુપિયાના દરની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.અયોધ્યામાં સરયૂ નદીના કાંઠે સ્મારક તૈયાર કરવામાં આવ્યું હતું તેનો ૨૦૨૨માં વિસ્તાર કરીને ૨૧ કરોડના ખર્ચે કવીન હેઓ મેમોરિયલ પાર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. પથ્થરના શિલાલેખો, રાણી હેરોની પ્રતિમાઓ, જળાશય અને પૂલના માધ્યમથી સમુદ્રીયાત્રાનું પ્રતિકાત્મક દ્વષ્ય તૈયાર કરવામાં આવ્યું હતું.


