શ્રીલંકામાં ધોળા દિવસે વિપક્ષના નેતાની ઓફિસમાં ઘૂસી ગોળી મારી હત્યા, હુમલાખોરો ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sri Lanka News: શ્રીલંકામાં વધી રહેલી હિંસક ગુનાખોરી વચ્ચે 22મી ઓક્ટેબરે એક વિપક્ષી રાજનેતાની તેમની ઓફિસમાં જ ગોળી મારીને હત્યા કરાતા રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. વેલિગામા શહેરના કાઉન્સિલ ચેરમેન લસંથા વિક્રમસેકરા (38) તેમના કાર્યાલયમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે એક બંદૂકધારીએ અંદર ઘૂસીને તેમના પર ઉપરાછાપરી ગોળીઓ ચલાવી હતી.
કોણ હતા લસંથા વિક્રમસેકરા?
પોલીસે જણાવ્યું છે કે, ‘આ હુમલામાં અન્ય કોઈને ઈજા થઈ નથી અને હત્યારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. હત્યારાને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.’
હાલ આ હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ નથી. લસંથા વિક્રમસેકરા વિપક્ષી પાર્ટી સામગી જન બલવેગયા (SJB)ના સભ્ય હતા. સ્થાનિક રાજકારણમાં, વેલિગામા કાઉન્સિલ પર નિયંત્રણ મેળવવા માટે તેમની પાર્ટી અને સત્તાધારી પક્ષ વચ્ચે તીવ્ર સત્તા સંઘર્ષ ચાલી રહ્યો હતો, જેને આ હત્યા પાછળનું એક સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
શ્રીલંકામાં ગુનાખોરીમાં ભારે વધારો
આ ઘટના એટલા માટે પણ ગંભીર છે કારણ કે શ્રીલંકામાં આ વર્ષે હિંસક ગુનાખોરીમાં ભારે વધારો જોવા મળ્યો છે, જે મોટાભાગે ડ્રગ ગેંગ અને સંગઠિત ગુનાખોરી સાથે જોડાયેલો છે.
સત્તાવાર આંકડા મુજબ, આ વર્ષે 100થી વધુ શૂટિંગની ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેની સરકાર સત્તામાં આવ્યા બાદ કોઈ રાજકીય વ્યક્તિની હત્યાનો આ પ્રથમ બનાવ છે.
ઉલ્લેખનીય છે કે, નવી સરકારે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું, જેની પર હવે આ ઘટનાથી ગંભીર સવાલો ઊભા થયા છે.









