Get The App

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ ઝરદારીને ઉથલાવી ફિલ્ડ માર્શલ મુનિર સર્વેસર્વા બને તેવી અટકળો

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ ઝરદારીને ઉથલાવી ફિલ્ડ માર્શલ મુનિર સર્વેસર્વા બને તેવી અટકળો 1 - image


- પાક.માં સત્તા પલટા સાથે સૈન્ય શાસનના આગમનના એંધાણ

- ભારત સામેના ઘર્ષણ પછી અસીમ મુનિરની તાકાત વધી વડાપ્રધાન શાહબાઝ શરીફ પર પણ લટકતી તલવાર

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ભારે મોટો રાજકીય ચક્રવાત ઘૂમરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક મીડીયાના વિશ્વસનીય અહેવાલો દર્શાવે છે કે, પાકિસ્તાનમાં રાજમહેલનો વિપ્લવ ઘૂમરાઈ રહ્યો છે. પ્રમુખ આસીફ અલિ ઝરદારીની વિદાય નિશ્ચિત લાગે છે. આ વિપ્લવનો સમય પણ ઉલ્લેખનીય છે. ૧૯૭૭માં ઝીયા-ઉલ-હક્કે ૧૯૭૭ના જુલાઈની પાંચમીએ બળવો કર્યો હતો તેની ૪૭મી જયંતિ આસપાસ આ વિપ્લવ થવાની સંભાવના તેજ બની છે. તે ઐતિહાસિક ઘટના આ સાથે યાદ આવે છે.

પાકિસ્તાનમાં એક પછી એક સત્તા સૂત્રો હાથમાં લઈ રહેલા જનરલ મુનીર ત્યાં સર્વસત્તાધિશ બની રહેવા સંભવ છે, તે માટે સૌથી પહેલા તેઓ આસીફ એલી ઝરદારી પ્રમુખ પદ મેળવી લેશે. તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.

વરિષ્ટ પત્રકાર સૈયદે જણાવ્યું હતું કે, ઝરદારીને દૂર કરવા મુનીર દોરીસંચાર કરી રહ્યા છે. હવે જોવાનું તે રહે છે કે ઝરદારી સ્વયમેવ ત્યાગ પત્ર આપશે કે પછી તેમને ત્યાગ પત્ર આપવાની ફરજ પડાશે? આ સંયોગોમાં શરીફ કુટુંબનુ શું થશે તે પણ જોવાનું રહેશે. જોવાનું તે પણ રહેશે કે આ સત્તા હસ્તાંતરણ સરળ રહેશે કે પછી તોફાની બની રહેશે ? કહેવાય છે કે આ બધું જનરલ મુનીરના જુલાઈ-પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે.

નિરીક્ષકો બહુ સીધી અને સાદી વાત કહે છે કે, બિલાવલ ભુટ્ટો ઝરદારી-મુનીરની આ ગુપ્ત ચાલોથી અજ્ઞાાત હોઈ જ શકે નહીં. તેઓએ થોડા દિવસો પહેલા જ એક આંતરરાષ્ટ્રીય મીડીયાને આપેલા ઇન્ટરવ્યુમાં જનરલ મુનીરની ઉગ્ર ટીકા કરી હતી. આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે, 'હાફીઝ સૈયદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા સામે કોઈ વાંધો હોવો ન જોઈએ.' બિલાવલ ભુટ્ટો ઝરદારીના આ નિવેદને પાકિસ્તાનમાં રાજકીય બળવો સર્જી દીધો છે. બીજી તરફ હાફીઝ સૈયદના પુત્રે તે સૂચનનો વિરોધ કરતાં પાકિસ્તાનમાં અફરા-તફરી મચી રહી છે.

વિશ્લેષકોનું કહેવું છે કે આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વધી રહી છે. આંતરિક સંઘર્ષ પણ વધી રહ્યો છે. તેવામાં ભૂમિદળના વડા, જન. મુનીર તેમની બાજી મારી દે તો તેમાં આશ્ચર્ય જેવું નથી. જનરલ ઐય્યુબ ખાનના સમયથી પાકિસ્તાન વારંવાર લશ્કરી સરમુખત્યારોના હાથમાં જ રહ્યું છે.

Tags :