ભારત-પાકિસ્તાન તંગદિલી વધતાં સં.રા.ની સલામતી સમિતિની ખાસ બેઠક
- 15 સભ્યોની આ સલામતી સમિતિમાં પાક. ક્રમાનુસાર ચૂંટાયેલું સભ્ય છે : તેના કહેવાથી આ ખાસ બેઠક બોલાવાઈ
સંયુક્ત રાષ્ટ્રો : ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલીને લીધે, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની એક વિશેષ બેઠક આજે મળી રહી છે. આ આપત્તિકાલીન બેઠક પાકિસ્તાનના કહેવાથી બોલાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રોની ૧૫ સભ્યોની આ સલામતી સમિતિમાં પાંચ કાયમી સભ્યો છે : જ્યારે ૧૦ ક્રમાનુસાર ચૂંટાયેલા સભ્યો છે. જે પૈકી આ વખતે પાકિસ્તાન બે વર્ષ માટે ચૂંટાયેલું સભ્ય રાષ્ટ્ર છે. અન્ય ૯ સભ્યોમાં, અલ્જિરિયા, ડેન્માર્ક, ગ્રીસ, ગુયાના, પાકિસ્તાન, પનામા, સાઉથ કોરિયા, સીટાલિયોન, સોમાલિયા અને સ્લોવેનિયા છે. આ મહિને ક્રમાનુસાર ગ્રીસ પ્રમુખ પદે છે. સં.રા. સ્થિત ગ્રીસના કાયમી પ્રતિનિધિ ઈવાન્ગેલોએ સેકેરિસ છે. તેઓએ જણાવ્યું હતું કે, ભારત-પાક. વચ્ચે વધી રહેલી તંગદિલી ઓછી કરવાના હેતુથી આ બેઠક બોલાવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનમાં વહેતાં સિંધુજળને તો બંધ કર્યા જ છે. પરંતુ હવે તો, ચિનાબનું પાણી પણ રોકતા, પાકિસ્તાનને પાણીની ભારે ખેંચ ઊભી થઈ રહી છે.
આ વિશેષ બેઠક અંગે બોલતાં ગ્રીસના કાયમી પ્રતિનિધિ સેકેરિએ આશા વ્યકત કરી હતી કે, આ બેઠક દરમિયાન સંબંધિત પક્ષોને પોતાની રજૂઆત કરવાની તક મળશે. અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી જ રહ્યાં છીએ, કારણ કે આ મુદ્દો ઘણો જ મહત્વનો અને ગંભીર બની રહ્યો છે.