યુકેમાં સૂઝાના પેઇન્ટિંગ હાઉસીસ ઓફ હેમ્પસ્ટેડનું 75 લાખ ડોલર્સમાં લિલામ

- બોમ્બે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રુપના પેઇન્ટર્સના પાંચગણાં ભાવ બોલાયા
- સોથબીનાલિલામમાં બોમ્બે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રુપના ચિત્રકારોના પેઇન્ટિગ્સના ભાવે ઇતિહાસ સર્જ્યો
લંડન : ગોવાના ચિત્રકાર ફ્રાન્સિસ ન્યુટન સૂઝાના લેન્ડ સ્કેપ હાઉસિસ ઓફ હેમ્પસ્ટેડના લંડનમાં સોથબીના લિલામમાં અંદાજિત કિંમતથી સાત ગણાં એટલે કે ૭૫ લાખ ડોલર્સ ઉપજતાં કળાલિલામમાં એક નવો વિક્રમ સ્થપાયો હતો. ધ મોડર્ન એન્ડ કન્ટેમ્પરરી સાઉથ એશિયન આર્ટ લિલામમાં તેમના અન્ય પેઇન્ટિંગ એમ્પરરના પાંચ ગણાં ભાવ એટલે કે ૬૯ લાખ ડોલર્સ ઉપજ્યા હતા.
આ લિલામમાં સૂઝાના પાંચ ચિત્રોના કુલ ૧૪૬ લાખ અમેરિકન ડોલર્સ ઉપજ્યા હતા. આ લિલામમાં બોમ્બે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રુપના અન્ય કળાકારો વાસુદેવ ગાયતોંડે, એમ.એફ. હુસૈન, સૈયદ હૈદર રઝા, ગણેશ પાયને, જગદીશ સ્વામિનાથન અને એન.એેસ. બેન્દ્રેના ચિત્રોના પણ ૨૫૫ લાખ ડોલર્સ ઉપજ્યા હતા.
સોથબી વેચાણ વિભાગના વડા મંજરી સિહારે-સુટિને જણાવ્યું હતું કે ૩૦ વર્ષના ઇતિહાસમાઆ લિલામ સૌથી મૂલ્યવાન બની રહ્યું છે. લિલામમાં સાત નવા વિશ્વ વિક્રમો સર્જાતા જોવાનું અમારે માટે ઉત્તેજક બની રહ્યું છે. તેમાં પણ ફ્રાન્સિસ ન્યુટન સૂઝાના પેઇન્ટિંગ્સની બમણાં કરતાં વધારે કિંમત ઉપજી છે.
લિલામમાં જે છ પેઇન્ટિંગ મુકવામાં આવ્યા હતા તેમાં હુસૈનનું ચિત્તોડનો કિલ્લો ત્રણ ગણાં ભાવે એટલે કે ૧૩ લાખ અમેરિકન ડોલર્સમાં વેચાયું હતું. જ્યારે ગાયતોંડેના પેઇન્ટિંગના ૬૪૬૯૦૧ ડોલર્સ ઉપજ્યા હતા. તો ગણેશ પાયનેના ધ ડ્રીમ કન્વર્સેશનના લિલામમાં ૮૫૧૧૮૬ ડોલર્સ ઉપજ્યા હતા.
લિલામગૃહે જણાવ્યું હતું કે અપવાદરૂપ કળાકૃત્તિઓની ચીવટપૂર્વક કરાયેલી પસંદગીમાં આ પ્રદેશના કળાકારોની પ્રતિભા અને સૌન્દર્ય દૃષ્ટિ ઝલકે છે. દક્ષિણ એશિયાના કળાકારોની આ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. લિલામમાં ભાગ લેનારાઓને યુએસ દ્વારા મુકવામાં આવેલાં આયાત નિયંત્રણો બાબતે જાણ કરી તેમને યોગ્ય તપાસ કરી લિલામમાં ભાગ લેવા જણાવાયું હતું.








