18 કેરેટના સોનાના ટોઇલેટ 'અમેરિકા'નું સોથબી 18 નવેમ્બરે લિલામ કરશે

- ઇટાલિયન કલાકારનું ડક્ટ ટેપવાળું કેળું 62 લાખ ડોલરમાં વેચાયેલું
- કૈટેલનના સોનાના ટોઇલેટ માટે વપરાયેલા ૧૦૧ કિલો સોના જેટલી કિંમત (એક કરોડ ડોલર) તેની રિઝર્વ પ્રાઇસ રખાઇ છે
ન્યુયોર્ક: વિખ્યાત લિલામગૃહ સોથબીએ કરેલી જાહેરાત અનુસાર ઇટાલિયન કળાકાર્મૌરેજિયો કૈટેલન દ્વારા નક્કર સોનામાંથી બનાવવામાં આવેલી અમેરિકા નામની કળાકૃતિનું ૧૮ નવેમ્બરે લિલામ કરવામાં આવશે. આ કળાકૃતિ એટલે સોનાનું કામ કરતું ટોઇલેટ.
દુનિયાભરમાં પ્રખ્યાત થયેલાં આ ટોઇલેટની ૨૦૧૯માં ઇંગ્લેન્ડમાં બ્લૈનહેમ પેલેસમાંથી ચોરી થઇ હતી. આ વર્ષે ચોરો ઝડપાઇ ગયા હતા પણ અમેરિકા કદી પરત મેળવી શકાયું નથી. કૈટેલને અગાઉ જણાવ્યા અનુસાર અમેરિકાની તેણે અનેક પ્રતિકૃતિઓ બનાવી હતી. ન્યુ યોર્કમાં સોથબી દ્વારા જેનું લિલામ કરવામાં આવશે તે અમેરિકા ૨૦૧૭થી એક ખાનગી સંગ્રાહક પાસે છે. સોથબીના નવા હેડ ક્વાર્ટર્સના બાથરૂમમાં નક્કર સોનાના આ અમેરિકા ટોઇલેટને લિલામ પૂર્વે દસ દિવસ માટે જાહેરમાં પ્રદર્શનમાં મુકવામાં આવશે.આ સોનાના ટોઇલેટને બનાવવામાં વપરાયેલા ૧૦૧. ૨ કિલો સોના જેટલી કિંમત એક કરોડ ડોલર્સ તેની રિઝર્વ પ્રાઇસ રખાઇ છે. મૌરેજિયો કૈટેલને ૨૦૧૬માં અમેરિકાને ન્યુયોર્કના ગુગેનહામ સંગ્રહાલયમાં પ્રદર્શિત કર્યું ત્યારે તેને જોવા માટે લોકોએ લાંબી લાઇનો લગાડી હતી. એ પછી ત્રણ જ વર્ષમાં ૨૦૧૯માં તેને વિન્સ્ટન ચર્ચિલના જન્મસ્થળમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જ્યાં ચોરો તેને ચોરી ગયા હતા. આ વર્ષની શરૂઆતમાં બે ચોરોને દોષી ઠેરવી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. અમેરિકા ટોઇલેટને ગાળી વેચી મારવામાં આવ્યું હોવાનું મનાય છે.
કૈટેલનના ડક્ટ ટેપ દ્વારા ચીપકાવવામાં આવેલાં કેળાના ૬૨ લાખ ડોલર્સ ઉપજ્યા હતા. આ કેળાની કિંમતને પગલે એવો સવાલ થયો હતો કે કોઇ એવી ચીજનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય જેનું મૂળ મૂલ્ય તેના લેખકત્વ અને વિચાર સિવાય કશું ન હોય.

