સૂર્યમાં ઉલ્કાપાતના રહસ્યો શોધવા 'સોલર પ્રોબ' નજીક પહોંચ્યું

- અંતરિક્ષ સંશોધનના ઇતિહાસની સુવર્ણ સિદ્ધિ : ત્રીજો અને અંતિમ પ્રવાસ સલામતીથી પૂરો કર્યો
- અવકાશયાન સૂર્યથી ફક્ત 61 લાખ કિ.મી.ના અંતરે છે : વિશ્વનું કોઇ માનવકૃત સાધન કે યંત્ર હજી સુધી સૂર્યની આટલી નજીક પહોંચ્યું નથી
- 6,90,000 કિ.મી. (પ્રતિ કલાક)ની અતિ તીવ્ર ગતિએ પ્રવાસ કરે છે : આ ગતિ અવાજની ગતિ કરતાં 500 ગણી વધુ
વોશિંગ્ટન/ મુંબઇ : ૨૦૨૫ની ૧૯,જૂનનો દિવસ અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર સોલર પ્રોબે(પીએસપી) ૧૯, જૂને તેની સૂર્યની સપાટી તરફની ત્રીજી અને અંતિમ યાત્રા પૂરી કરી છે. હાલ પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સપાટીથી ફક્ત ૬૧ લાખ કિલોમીટરના અંતરે છે.
વિશ્વનું કોઇ માનવકૃત સાધન કે યંત્ર હજી સુધી સૂર્યની આટલી નજીક નથી પહોંચ્યું. આ દ્રષ્ટિએ નાસાના પાર્કર સોલર પ્રોબ અવકાશયાને સૂર્યની સપાટીથી સૌથી નજીકના અંતરે પહોંચી જઇને અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
પાર્કર સોલર પ્રોબ હાલ ૬,૯૦,૦૦૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ અતિ તીવ્ર ગતિએ અફાટ અંતરિક્ષમાં પ્રવાસ કરી રહ્યું છે. આટલી તીવ્ર ગતિ પણ અત્યારસુધીનો રેકોર્ડ છે. સરળ રીતે સમજીએ તો આટલી અતિ તીવ્ર ગતિએ તો અમેરિકાના ફિલાડેલ્ફિયાથી વોશિંગ્ટન ડીસી ફકત એક સેકન્ડમાં પહોંચી જઇ શકાય. અવકાશયાનની આ ગતિ અવાજની ગતિ કરતાં ૫૦૦ ગણી વધુ છે.
આમ પાર્કર સોલાર પ્રોબે પહેલી જ વખત ઉર્જાના અને પ્રકાશના ભંડારસમા આદિત્યનારાયણની સપાટીથી સૌથી નજીકના અંતરે જવાનો અને સૌથી તેજ ગતિએ પ્રવાસ કરવાનો એમ બે રેકોર્ડ કર્યા છે.
કોઇ જીવંત વિજ્ઞાનીના ઉજળા સંશોધનના સન્માનરૂપે અવકાશયાનનું નામ તેની સાથે જોડવામાં આવ્યું હોય તેવું પાર્કર સોલાર પ્રોબ વિશ્વનું પહેલું અવકાશયાન છે. અમેરિકાના હ્યુજીન.એન.પાર્કર નામના મહાન ખગોળ-ભૌતિકશાસ્ત્રી(શિકાગો યુનિવર્સિટી)એ ૧૯૫૦માં સૌર પવનો(સોલાર વિન્ડ્ઝ) વિશે પહેલી જ વખત અદભૂત સંશોધન કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો.
નાસાનાં સૂત્રોએ પાર્કર સોલર પ્રોબના સૂર્યની સપાટીથી ફક્ત ૬૧ લાખ કિ.મી.ના અત્યારસુધીના સૌથી નજીકના અંતરને હાયપર ક્લોઝ કહ્યું છે. પાર્કર સોલર પ્રોબ અગાઉ ૨૦૨૪ની ૨૪, ડિસેમ્બરે અને ૨૦૨૫ની ૨૨,માર્ચે પણ સૂર્યની સપાટી નજીક ગયું છે. હવે ૨૦૨૫ની ૧૯,જૂનનો પ્રવાસ ત્રીજો અને છેલ્લો છે. પાર્કર સોલાર પ્રોબે અત્યારસુધીમાં ૨૩ વખત સૂર્ય ફરતે દીર્ઘ લંબગોળ પ્રદક્ષિણા પૂરી કરી છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે પાર્કર સોલાર પ્રોબ ૨૦૧૮ની ૧૨,ઓગસ્ટે સૂર્યના કોરોના (સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે) ના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે.સૂર્યની સપાટીનું તાપમાન ૬,૦૦૦ કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી(કોરોના) નું તાપમાન ૧૦થી ૨૦ લાખ કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે.
વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. નાસાએ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે. હાલના તબક્કે એટલે કે ૨૦૨૫માં પાર્કર સોલર પ્રોબ સૂર્યની સપાટીથી સૌથી નજીકના અંતરે પહોંચવામાં સફળ થયું છે.
હવે પાર્કર સોલાર પ્રોબ સૂર્યની ઉકળતી ભઠ્ઠી સમાન સપાટી અને તેની બાહ્ય કિનારીમાં થતી કલ્પનાતીત અને રહસ્યમય ગતિવિધિનાં રહસ્યોનો તાગ મેળવવામાં સફળ થશે. સાથોસાથ સૂર્યની કોરોનામાં થતી રહસ્યમય ગતિવિધિની, સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાતી ભયાનક સૌર જ્વાળાઓ અને સૌર પવનોની અસર પૃથ્વી પર કેવી અને કેટલી થાય છે (જેને સ્પેસ વેધર કહેવાય છે) તેની સચોટ માહિતી મળી શકશે. સાથોસાથ સચોટ આગાહી પણ થઇ શકશે.
નાસાનાં સૂત્રોએ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું છે કે હાલ સૂર્યનારાયણ તેની ૧૧ વર્ષની ૨૫મી સોલાર સાયકલમાં છે. સૂર્યમાં દર ૧૧ વર્ષે અત્યંત ખળભળાટ થાય છે. અતિ ઉગ્ર બની જાય છે અને તેની સપાટી પરથી ભારે વિનાશક સૌર જ્વાળાઓ અને સૌર પવનો આખા બ્રહ્માંડમાં ફેંકાય છે. અત્યારસુધીમાં ઘણી સૌર જ્વાળાઓએ છેક પૃથ્વીના વાતાવરણમાં આવીને ભારે મોટું નુકસાન પણ કર્યું છે.
બરાબર આ જ તબક્કે અમારું પાર્કર સોલાર પ્રોબ પણ સૂર્યની સપાટીથી સૌથી નજીકના અંતરે પહોંચી ગયું છે. આ અદભુત યોગાનુયોગ થયો છે ત્યારે અમારું અવકાશયાન સૂર્યની સપાટીમાં અને તેની કોરોનામાં થતા ભારે રહસ્યમય ફેરફારોનો અને ગતિવિધિઓનો તાગ મેળવવામાં સફળ થશે.
અમેરિકાની સાઉથ વેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ઓફ સેન એન્ટોનિયોના વિજ્ઞાની ડો.મિહિર દેસાઇએ બહુ મહત્વનો ટેકનિકલ મુદ્દો રજૂ કરતાં કહ્યું છે કે હવે પાર્કર સોલાર પ્રોબ સૂર્યની ભ્રમણકક્ષામાં લોક થઇ ગયું છે. એટલે કે અવકાશયાન હવે સૂર્યની ભ્રમણકક્ષામાંથી બહાર નહીં નીકળી શકે. સૂર્ય ફરતે ગોળ ગોળ ફરતું રહેશે.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઇએફઆર- મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્રી(નિવૃત્ત) પ્રો.મયંક વાહિયાએ ગુજરાત સમાચારને કહ્યું છે કે નાસાનું પાર્કર સોલાર પ્રોબ અંતરિક્ષ સંશોધનના ઇતિહાસનું સૌથી આધુનિક અવકાશયાન છે. સાથોસાથ સૂર્યની કોરોનાનાં રહસ્યનો તાગ મેળવવાની દિશામાં સૌથી મહત્વનું મિશન છે. આ મિશનથી સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓને સૂર્યનાં રહસ્યો વિશે પહેલી જ વખત નવી દિશા મળી શકશે. સાથોસાથ બ્રહ્માંડમાંના સૂર્ય કરતાં પણ વધુ મોટા તારામાં કેવી કેવી રહસ્યમય ગતિવિધિ થતી હશે તેનો પણ સંશોધનાત્મક અભ્યાસ થઇ શકશે.
સોલર પ્રોબની ટેકનિકલ વિશિષ્ટતાઓ અને હેતુ
(૧) સૂર્યની બહારની કિનારી એટલે કે કોરોના, સૌર પવનો સહિત સૂર્યમાં થતી રહસ્યમય ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરવો.
(૨) પાર્કર સોલર પ્રોબ(પ્રોબ એટલે અવકાશયાન) ફરતે ૧૧.૪૩ સેન્ટીમીટરનું કાર્બન કમ્પોઝીટ શિલ્ડનું અભેદ્ય કવચ છે.
(૩) પાર્કર સોલર પ્રોબની ડિઝાઇનમાં થર્મલ એન્જિનિયરિંગનો અત્યાધુનિક ટેકનોલોજી પ્રયોગ થયો છે.
(૪) આવા અભેદ્ય કવચથી આ અવકાશયાનનું ૧,૩૭૭ ડિગ્રી સેલ્સિયસ જેટલા અતિ ઉકળતા તાપમાન સામે પણ રક્ષણ થાય છે.









